શંકાસ્પદ વોટ્સએપ ચેટ વાઇરલ થતાં ઉઠેલા સવાલો, વધુ એક ભરતીમાં વિવાદ
સ્ટાફ નર્સની ભરતી પરીક્ષાને લઇને એક પછી એક વિવાદ સામે આવી રહ્યા છે. પરીક્ષાના પેપર અંગે મોબાઈલમાં મેસેજ ફરતા થયા છે.. જેમાં વનરાજસિંહ ચૌહાણ નામના વ્યક્તિના મેસેજનો સ્ક્રીનશોટ વાયરલ થયો છે. FNA BATCH 30 નામના વોટ્સએપ ગૃપમાં મેસેજ મુકાયો હતો.
જેમાં એવું લખાણ લખાયુ હતું કે આપણે જ પેપર કાઢ્યું હતું.
રવિવારે યોજાયેલી પરીક્ષાની આન્સર કીને લઈને પણ વિવાદ સામે આવ્યો હતો. કારણ કે પેપરમાં દરેક સવાલ સામે A,B,C,Dમાંથી વિકલ્પ પસંદ કરીને લખવાનો હતો. જેમાં જવાબ પહેલેથી છેલ્લે સુધી જવાબ A,B,C,D એ રીતે ક્રમમાં હતા.. જેને લઇને અનેક સવાલો ઉભા થયા હતા, અને માનીતાઓને નોકરી અપાવવાના આરોપ લગાવવામાં આવ્યા હતા.
કોંગ્રેસે પણ આ મુદ્દાને ઉછાળ્યો છે. કોંગ્રેસના પ્રવકત્તા ર્ડા.મનિષ દોશીએ સ્ટાફ નર્સિંગની પરીક્ષામાં કોઇપણ પ્રશ્નના જવાબ ક્રમિકરીતે એબીસીડી..એબીસીડી આવે તે શંકાસ્પદ છે. આ બાબતે રાજય સરકાર તપાસ કરે તેવી તેમણે સોશીયલ મિડીયા મારફત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી છે. સ્ટાફ નર્સની પરીક્ષામાં 1903 જગ્યા પર 53 હજાર ઉમેદવારે પરીક્ષા આપી હતી.આરોગ્ય કમિશનર હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, પરીક્ષા જીટીયુએ લીધી હતી. એટલે અમે તપાસ કરવાના આદેશ આપ્યા છે. ઉમેદવારોને અન્યાય થશે નહીં તેવી તેમણે ખાતરી આપી હતી.