મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે સામૈયામાં ઉપસ્થિત રહેવાના છે, ત્યારે તેમની મુલાકાતના એક દિવસ પહેલાં જ વડતાલ મંદિર સંસ્થા દ્વારા મહત્વપૂર્ણ સત્તાવાર નિવેદન જાહેર કરી છેતરપિંડી અને ગેરરીતિના આક્ષેપોમાં ઘેરાયેલા એમ.પી. સ્વામી ઉર્ફે માધવપ્રિય સ્વામી અને ડી.પી. સ્વામી ઉર્ફે દર્શનપ્રિય સ્વામી સાથે સંસ્થાને કોઈ લેવાદેવા ન હોવાનું મંદિર પ્રશાસને સ્પષ્ટ કર્યું છે.
વડતાલ મંદિરના મેનેજર દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસનોટમાં જણાવાયું છે કે એમ.પી. સ્વામી એટલે કે માધવપ્રિય સ્વામી અને ડી.પી. સ્વામી એટલે કે દર્શનપ્રિય સ્વામી વડતાલ મંદિરના ચોપડામાં રજિસ્ટર નોંધાયેલા ત્યાગી સંતો નથી. આ બંને વ્યક્તિઓનો વડતાલ સ્વામિનારાયણ મંદિર સંસ્થા કે તેની તાબાની કોઈપણ શાખા સાથે કોઈ અધિકૃત સંબંધ નથી.
છેલ્લા કેટલાક સમયથી બંને વ્યક્તિઓ દ્વારા અનેક લોકો સાથે ગેરરીતિ અને છેતરપિંડી કરવામાં આવી હોવાના અહેવાલો સામે આવ્યા હતા. આ ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાયના નામનો દુરુપયોગ કરીને અજાણી વ્યક્તિઓ સાથે છેતરપિંડી આચરવામાં આવી હોવાની વિગતો પણ પ્રકાશમાં આવી હતી. આ સમગ્ર મામલો સંસ્થાના ધ્યાન પર આવતાં મંદિર ટ્રસ્ટે સત્તાવાર સ્પષ્ટતા કરવાનું નક્કી કર્યું હતું.
મંદિર પ્રશાસને નિવેદનમાં સ્પષ્ટ જણાવ્યું છે કે ઉપરોક્ત બંને વ્યક્તિઓ સાથે સંકળાયેલી કોઈપણ ગેરરીતિ, છેતરપિંડી કે અન્ય વિવાદાસ્પદ બાબતોમાં વડતાલ સ્વામિનારાયણ મંદિર અથવા વડતાલ સંસ્થાનું નામ જોડવું નહીં. આ અંગે મીડિયા જગત અને સમગ્ર સત્સંગ સમાજને પણ જાણ કરવામાં આવી છે.
વડતાલ મંદિર સંસ્થાએ જાહેર જનતા અને સત્સંગ સમાજને અપીલ કરી છે કે કોઈપણ અનધિકૃત વ્યક્તિના નામે થતી પ્રવૃત્તિઓ કે આર્થિક વ્યવહારો અંગે સાવચેતી રાખવી. સંસ્થાના નામે કોઈપણ વ્યવહારમાં જોડાતાં પહેલાં તેની સત્યતા અને અધિકૃતતાની ખાતરી કરી લેવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.
