દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી અને આઈપીએલના રોમાંચ વચ્ચે કર્ણાટકની વિધાનસભામાં એક અનોખો અને ચોંકાવનારો મુદ્દો ઉછળ્યો. રાજ્યના ધારાસભ્યોએ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થનારી મેચો માટે વીઆઈપી સન્માન અને પ્રીમિયમ ટિકિટોની માગને લઈને મોરચો ખોલી દીધો છે. ધારાસભ્યોનું કહેવું છે કે તેઓ સામાન્ય લોકોની સાથે લાઈનમાં બેસીને મેચો ન જોઈ શકે અને ક્રિકેટ એસોસિએશન તેમને એ સન્માન નથી આપી રહી, જેના તેઓ હકદાર છે. આ મામલા પર કડક વલણ અપનાવતા વિધાનસભા અધ્યક્ષ યૂટી ખાદરે સરકારને નિર્દેશ આપ્યા છે કે દરેક ધારાસભ્યને મેચના દિવસે કમસે કમ ચાર વીઆઈપી સ્ટેન્ડ ટિકિટની વ્યવસ્થા કરવામાં આવે.
વિપક્ષના નેતા આર. અશોકે બેંગલુરુ વિકાસ પર ચર્ચા દરમિયાન આ મુદ્દાને ઉઠાવતા કહ્યું કે, સરકારે કેએસસીએને 16.32 એકર જમીન ખાલી 1600 રૂૂપિયાના માસિક ભાડા પર આપી છે. તેમણે આરોપ લગાવ્યો કે તેઓ હજારો કરોડો રૂૂપિયા કમાઈ રહ્યા છે, પણ એક ટિકિટ માટે અમારે તેમની પાસે લાચારી ભોગવવી પડે છે. જ્યારે તેઓ ટિકિટ આપે તો પણ તેની કિંમત 20,000 રૂૂપિયા સુધી વસૂલે છે. આપણે તેમને સબક શીખવાડવો જોઈએ.
અશોકે એવો પણ સવાલ ઉઠાવ્યો કે ક્રિકેટ માટે મળેલી પરવાનગીની વચ્ચે એસોસિએશન પાસે દારુનું લાઈસન્સ કેમ છે? તેમણે સલાહ આપી કે જો સરકાર નિયમો કડક કરે તો તેઓ આપોઆપ લાઇન પર આવી જશે.
કોંગ્રેસ ધારાસભ્ય વિજયાનંદ કશપ્પનવરે ધારાસભ્યો માટે એક અલગ લાઉન્જની માગ કરતા જણાવ્યું કે, અમારા બાળકો અને પરિવારની પણ ક્રિકેટ જોવાની ઈચ્છા હોય છે. તેઓ અમને એક ટિકિટ આપીને નીચે ક્યાંક બેસાડી દેતા હોય છે. શું ધારાસભ્યો માટે કોઈ સન્માન નથી? તેમણે આગામી 28 માર્ચના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે થનારી મેચ માટે તરત ટિકિટની વ્યવસ્થા કરવાની માગ કરી છે.
