રાજ્ય સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ મજૂરોના લઘુત્તમ વેતન દરો અંગે નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ મજૂરોના વેતનમાં કોઈ નવો વધારો કરવામાં આવ્યો નથી. શ્રમ આયુક્ત કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલા આ પરિપત્ર અનુસાર, અગાઉ એપ્રિલથી સપ્ટેમ્બર 2026 સુધી અમલમાં રહેલા લઘુત્તમ વેતનના દરોને જ આગામી નવા સમયગાળા માટે યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરિણામે, ઓક્ટોબરથી કોન્ટ્રાક્ટ મજૂરોના દૈનિક વેતનમાં કોઈ સુધારો કે વધારો થશે નહીં.
કોન્ટ્રાક્ટ મજૂર (નિયમન અને નાબૂદી) અધિનિયમ, 1970 તથા ગુજરાત રાજ્યના નિયમો હેઠળ તમામ કોન્ટ્રાક્ટરોએ સરકાર દ્વારા નિયત કરાયેલા લઘુત્તમ વેતન કરતાં ઓછું વેતન ચૂકવવાનું હોતું નથી. સરકારે એપ્રિલથી સપ્ટેમ્બર 2026 સુધીના સમયગાળા માટે જે દરો નક્કી કર્યા હતા, તે જ દરોને હવે ઓક્ટોબર 2026 થી આગળના સમયગાળા માટે પણ જારી રાખવાનો નિર્ણય કર્યો છે.
પરિપત્રમાં દર્શાવેલી વિગતો મુજબ, ઝોન-1 માં ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ, 1949 હેઠળની તમામ મહાનગરપાલિકા (મ્યુનિસિપલ કોર્પોરેશન) ની હદના વિસ્તારો, ગુજરાત નગરપાલિકા અધિનિયમ, 1963 હેઠળની તમામ નગરપાલિકાઓ તેમજ સંબંધિત શહેરી વિકાસ સત્તામંડળ (Urban Development Authorities) ની હદમાં આવતા વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
શ્રમ વિભાગના આ પરિપત્રમાં વધુમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, લઘુત્તમ વેતન અધિનિયમની અનુસૂચિમાં સમાવિષ્ટ તમામ વ્યવસાયો, ઉદ્યોગો અને અન્ય સંલગ્ન ક્ષેત્રોમાં કામ કરતાં કોન્ટ્રાક્ટ મજૂરોને આ નક્કી કરાયેલા દરો મુજબ જ વેતન ચૂકવવાનું રહેશે.
