ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી વિશે કરવામાં આવેલા એક દાવાને લઈને વિવાદ ઊભો થયો હતો. વિરાટ કોહલી પર એક સનસનાટીભર્યો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તે ₹5 કરોડ ચાર્જ કરીને પ્રેમાનંદ મહારાજના આશ્રમે ગયો હતો. ત્યારે હવે વિરાટ કોહલીની ટીમે સત્તાવાર નિવેદન બહાર પાડીને આ દાવાઓને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે. વિરાટ કોહલીની ટીમે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ફલાહારી મહારાજ દિનેશ શર્મા દ્વારા વિરાટ કોહલી વિશે કરવામાં આવેલા દાવા સંપૂર્ણપણે ખોટા, પાયાવિહોણા અને તથ્યની દ્રષ્ટિએ અસત્ય છે.
અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે વિરાટ કોહલીને પ્રેમાનંદ મહારાજના આશ્રમની મુલાકાત લેવા માટે ₹5 કરોડ ચૂકવવામાં આવ્યા હતા. જોકે, આશ્રમ સાથે સંકળાયેલા એક શિષ્યે અગાઉ જ આ દાવાને પાયાવિહોણો ગણાવીને ફગાવી દીધો હતો. હવે, વિરાટ કોહલીની ટીમે પણ ફલાહારી મહારાજ દિનેશ શર્માના દાવાને સંપૂર્ણપણે ખોટો, પાયાવિહોણો અને તથ્યની દ્રષ્ટિએ અસત્ય ગણાવ્યો છે.

વિરાટ કોહલી તરફથી આવેલા આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તેમની ટીમ આ બાબતે કોઈ પણ પ્રકારની ગેરસમજ કે અટકળો ચાલુ રહે તેવું ઈચ્છતી નથી. ટીમે મીડિયાને પણ વિનંતી કરી હતી કે તેઓ આવા નિવેદનો પ્રકાશિત કે પ્રસારિત કરતા પહેલા તથ્યોની ચકાસણી કરે.
વિરાટ કોહલીના પ્રવક્તા દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં આક્ષેપોને સખત શબ્દોમાં ફગાવી દેવામાં આવ્યા છે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “ફલાહારી મહારાજ દિનેશ શર્મા દ્વારા વિરાટ કોહલી અંગે કરવામાં આવેલા તમામ દાવા સંપૂર્ણપણે અસત્ય, નિરાધાર અને તથ્યવિહીન છે. વિરાટ કોહલી પૂજ્ય પ્રેમાનંદ મહારાજ પ્રત્યેની પોતાની વ્યક્તિગત શ્રદ્ધા અને અસીમ આસ્થાના કારણે જ તેમની મુલાકાતે જાય છે, કોઈ વ્યાવસાયિક લેણદેણ માટે નહીં.” આ સાથે જ કોહલીની ટીમે મીડિયાને અપીલ કરી છે કે આવા ભ્રામક અને તથ્યહીન નિવેદનોને અહેવાલ તરીકે દર્શાવતા પહેલા સત્યતાની પૂરેપૂરી તપાસ કરવી અને જવાબદારીપૂર્વક રિપોર્ટિંગ કરવું.
નોંધનીય છે કે, ‘શ્રી કૃષ્ણ જન્મભૂમિ સંઘર્ષ ન્યાસ’ ના અધ્યક્ષ અને ‘ફલાહારી મહારાજ’ તરીકે ઓળખાતા દિનેશ શર્માએ એક ટીવી ચેનલ પર દાવો કર્યો હતો કે રાજસ્થાનની એક ખાનગી કંપની અને પ્રોપર્ટી બિલ્ડર લોબીએ વિરાટ કોહલીને પ્રેમાનંદ મહારાજના આશ્રમે લાવવા માટે ₹5 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. રસિક દુહારીના રહસ્યમય મોત બાદ ફલાહારી મહારાજના આ દાવાથી ધાર્મિક અને ક્રિકેટ જગતમાં મોટો ખળભળાટ મચી ગયો હતો.
