લોકસેવાના ધ્યેય સાથે રાજકારણમાં આવતા નેતાઓની સંપતિમાં રોકેટ ગતિયે થતો વધારો આમ જનતાની સમજની બહાર હોય છે. એડીઆરના રિપોર્ટ મુજબ દેશભરાન સાંસદોની સંપતિમાં ભારે વધારો થયો છે. જેમાં ગુજરાતના સાત સાંસદોમાં એક માત્ર પાટીલને બાદ કરતા બાકીના સાંસદોની સંપતિમાં માતબર વધારો જોવા મળી રહ્યો છે.
તાજેતરમાં Association for Democratic Reforms (ADR) દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટમાં ગુજરાતના રાજકારણના મોટા માથાઓની સંપત્તિ અંગે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. છેલ્લા 10 વર્ષમાં જામનગરના સાંસદ Poonam Madam (પૂનમ માડમ) ની સંપત્તિમાં રેકોર્ડબ્રેક વધારો થયો છે, જ્યારે નવસારીના સાંસદ અને કેન્દ્રીય મંત્રી C.R. Patil (સી.આર. પાટીલ) ની મિલકતમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.
ADRના રિપોર્ટ મુજબ, સંપત્તિ વધારાની બાબતમાં પૂનમ માડમ સમગ્ર દેશમાં બીજા ક્રમે છે. 2014 માં તેમની કુલ મિલકત ₹17.43 કરોડ હતી, જે 2024 માં વધીને ₹147.70 કરોડ પર પહોંચી ગઈ છે. એટલે કે માત્ર 10 વર્ષના ગાળામાં તેમની સંપત્તિમાં ₹130 કરોડ નો તોતિંગ વધારો થયો છે. જે ટકાવારીની દ્રષ્ટિએ 747% છે.
કચ્છના સાંસદ Vinod Chavda (વિનોદ ચાવડા) ની આર્થિક પ્રગતિ પણ આંખે ઉડીને વળગે તેવી છે. 2014 માં તેમની સંપત્તિ માત્ર ₹56 લાખ હતી, જે 2024 માં વધીને ₹6.53 કરોડ થઈ ગઈ છે. ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો તેમની મિલકતમાં સરેરાશ 1100% નો જંગી વધારો થયો છે.
સિક્કાની બીજી બાજુ જોઈએ તો, ભાજપના દિગ્ગજ નેતા સી.આર. પાટીલની સંપત્તિમાં ઘટાડો નોંધાયો છે. 2014 માં તેમની પાસે ₹74.47 કરોડ ની મિલકત હતી, જે 2024 માં ઘટીને ₹34.98 કરોડ થઈ ગઈ છે. એટલે કે તેમની સંપત્તિમાં લગભગ 47% નો ઘટાડો થયો છે. આ ઉપરાંત જૂનાગઢના સાંસદ Rajesh Chudasama(રાજેશ ચુડાસમા) ની મિલકત ₹74 લાખ થી વધીને ₹2.60 કરોડ થઈ છે.
