‘મિસ્ટર સિંહ’ એડ પર અમેરિકાનો યુ-ટર્ન, ભારે વિરોધ બાદ ટ્રમ્પ સરકારે પોસ્ટ હટાવી

અમેરિકાની રાજનીતિમાં ચૂંટણી નજીક આવે ત્યારે નાનામાં નાનો મુદ્દો પણ મોટો રાજકીય વિવાદ બની શકે છે. હાલ આવું જ કંઈક ’મિસ્ટર સિંહ’ નામની એક વિવાદાસ્પદ…

અમેરિકાની રાજનીતિમાં ચૂંટણી નજીક આવે ત્યારે નાનામાં નાનો મુદ્દો પણ મોટો રાજકીય વિવાદ બની શકે છે. હાલ આવું જ કંઈક ’મિસ્ટર સિંહ’ નામની એક વિવાદાસ્પદ જાહેરાતને લઈને જોવા મળી રહ્યું છે. અમેરિકાના હોમલેન્ડ સિક્યુરિટી વિભાગે ગેરકાયદેસર અથવા યોગ્ય લાઇસન્સ વિના વાહન ચલાવતા કોમર્શિયલ ડ્રાઇવરો સામે ચલાવવામાં આવેલા એક અભિયાનમાં સીખ વ્યક્તિને દર્શાવતી એઆઈ આધારિત તસવીર અને વીડિયોનો ઉપયોગ કર્યો હતો.

જાહેરાત સામે આવ્યા બાદ અમેરિકામાં સીખ અને ભારતીય-અમેરિકન સંગઠનોમાં ભારે નારાજગી જોવા મળી. ટીકા માત્ર આ જાહેરાત સુધી મર્યાદિત રહી નહીં, પરંતુ અમેરિકાની સરકાર દ્વારા કોઈ ચોક્કસ ધાર્મિક અથવા વંશીય સમુદાયને નિશાન બનાવવામાં આવી રહ્યો છે કે કેમ તે અંગે પણ સવાલો ઊભા થયા. વિવાદ વધ્યો ત્યારે હોમલેન્ડ સિક્યુરિટી વિભાગે જાહેરાત સોશિયલ મીડિયા પરથી દૂર કરી દીધી.

આ નિર્ણયને હવે માત્ર એક જાહેરાત હટાવવાની ઘટના તરીકે જોવામાં આવી રહી નથી. અમેરિકામાં મધ્યાવધિ ચૂંટણી નજીક આવી રહી છે અને ભારતીય-અમેરિકન મતદારો રાજકીય રીતે મહત્વપૂર્ણ સમુદાય બની ચૂક્યા છે. તેથી સવાલ એ છે કે શું ટ્રમ્પ સરકારને આ મુદ્દો ચૂંટણીમાં નુકસાન પહોંચાડે તેવી ચિંતા સતાવી રહી છે?
હોમલેન્ડ સિક્યુરિટી વિભાગ દ્વારા ચલાવવામાં આવેલા અભિયાનનો મુખ્ય હેતુ યોગ્ય દસ્તાવેજો અથવા જરૂૂરી લાઇસન્સ વિના કોમર્શિયલ વાહન ચલાવતા લોકોને નિશાન બનાવવાનો હતો. ખાસ કરીને ટ્રક ડ્રાઇવિંગ જેવા ક્ષેત્રોમાં નિયમોનું પાલન કરાવવાના પ્રયાસના ભાગરૂૂપે આ પ્રકારના સંદેશાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

પરંતુ જાહેરાતમાં એક સીખ વ્યક્તિને ટ્રક ચલાવતો બતાવવામાં આવ્યો અને તેને ’મિસ્ટર સિંહ’ તરીકે સંબોધવામાં આવ્યો. સંદેશનો અંદાજ એવો હતો કે આવા ડ્રાઇવરોને અમેરિકાની સડકો પરથી દૂર થવું જોઈએ.
શીખ સંગઠનોનું કહેવું છે કે અમેરિકામાં સીખો લાંબા સમયથી દેશના આર્થિક અને સામાજિક જીવનનો ભાગ રહ્યા છે. ટ્રકિંગ, નાના વ્યવસાય, ટેક્નોલોજી, મેડિકલ ક્ષેત્ર, કાયદો, શિક્ષણ અને અનેક અન્ય વ્યવસાયોમાં સીખ અમેરિકનોની હાજરી છે. તેથી એક સમગ્ર સમુદાયને ચોક્કસ પ્રકારની નકારાત્મક છબી સાથે જોડવો યોગ્ય નથી. ખાસ કરીને 9/11 પછી સીખ સમુદાયે અમેરિકામાં ધાર્મિક ઓળખને કારણે ભેદભાવ અને ગેરસમજનો સામનો કર્યો હોવાની ફરિયાદો વારંવાર સામે આવી છે. આ પૃષ્ઠભૂમિમાં સરકારી જાહેરાતમાં સીખ દેખાવ અથવા નામનો ઉપયોગ થવો સ્વાભાવિક રીતે વધુ સંવેદનશીલ મુદ્દો બની જાય છે.

આ વિવાદ એવા સમયે થયો છે જ્યારે અમેરિકન સરકાર ગેરકાયદેસર રીતે દેશમાં રહેતા કેટલાક ઇમિગ્રન્ટ્સને સ્વૈચ્છિક રીતે દેશ છોડવા પ્રોત્સાહિત કરવા માટે ’CBP Home’ જેવા કાર્યક્રમોનો પ્રચાર કરી રહી છે.
’મિસ્ટર સિંહ’ જાહેરાત હટાવી દેવામાં આવી છે, પરંતુ વિવાદ ત્યાં પૂરો થતો નથી. સરકાર માટે હવે મોટો પડકાર એ રહેશે કે કાયદો અને વ્યવસ્થા તથા ઇમિગ્રેશન જેવા મુદ્દાઓ પર કડક નીતિ અમલમાં મૂકતી વખતે કોઈ ધાર્મિક અથવા વંશીય સમુદાયને નિશાન બનાવાતો હોવાનો સંદેશ ન જાય. ચૂંટણીના વર્ષમાં સરકારની દરેક જાહેરાત અને દરેક સોશિયલ મીડિયા પોસ્ટ રાજકીય તપાસમાંથી પસાર થાય છે. એક નાની ભૂલ પણ મોટી ચર્ચા ઊભી કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *