અમેરિકાએ ગુરુવારે તેના નાગરિકો માટે સત્તાવાર મુસાફરી એડવાઈઝરી જાહેર કરી છે. ટ્રમ્પ વહીવટીતંત્રે 21 દેશોની મુસાફરી ન કરવાની સલાહ આપી. આ દેશોમાં રશિયા, યુક્રેન, લિબિયા અને બુર્કિના ફાસોનો સમાવેશ થાય છે, જોકે ભારત અને પાકિસ્તાનનું નામ તેમાં સામેલ નથી.
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેન કોન્સ્યુલર અફેર્સે ગુરુવારે (8 જાન્યુઆરી, 2026) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર એક પોસ્ટમાં ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી. પોસ્ટમાં, અમેરિકી વિદેશ વિભાગે જણાવ્યું કે, “અમે અમેરિકી નાગરિકો માટે લેવલ 1 થી 4 સાથે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી રહ્યા છીએ. લેવલ 4 નો અર્થ છે કે ત્યાં મુસાફરી ન કરો.”
પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, “અમે સ્થાનિક પરિસ્થિતિઓ અને આ દેશોમાં અમેરિકી નાગરિકોને સહાય પૂરી પાડવાની અમારી મર્યાદિત ક્ષમતાના આધારે લેવલ-4 અસાઈન કરીએ છીએ. આ સ્થાનો ખતરનાક છે. કોઈપણ કારણોસર તે સ્થળોની મુસાફરી કરશો નહીં.”
જે 21 દેશોમાં મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવી છે તેમાં અફઘાનિસ્તાન, બેલારુસ, બુર્કિના ફાસો, બર્મા, મધ્ય આફ્રિકન રિપબ્લિક (CAR), હૈતી, ઈરાન, ઈરાક, લેબનાન, લિબિયા, માલી, નાઇઝર, ઉત્તર કોરિયા, રશિયા, સોમાલિયા, દક્ષિણ સુદાન, સુદાન, સીરિયા, યુક્રેન, વેનેઝુએલા અને યમનનો સમાવેશ થાય છે.
