આ વર્ષના અંત સુધીમાં બિહારમાં ચૂંટણી છે અને એ માટે તૈયારીઓ થઇ રહી છે. રાજ્યમાં બજેટ સત્ર પહેલા નીતીશ સરકારનું કેબિનેટ વિસ્તરણ થવા જઈ રહ્યું છે. કુલ 7 નવા મંત્રીઓ શપથ લઈ શકે છે. આ તમામ ધારાસભ્યો ભાજપના ક્વોટામાંથી હશે. કેબિનેટ વિસ્તરણમાં જ્ઞાતિ સમીકરણ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
ભાજપ રાજ્યમાં જ્ઞાતિ સમીકરણો ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે. સંભવિત મંત્રીઓમાં રાજપૂત, ભૂમિહાર, કુર્મી, કુશવાહા, દલિત અને વૈશ્ય સમુદાયના ચહેરાઓ જોવા મળી શકે છે. જે 7 નામોની ચર્ચા થઈ રહી છે તેમાં કૃષ્ણ કુમાર મન્ટુ, સંજય સરોગી, વિજય મંડલ, રાજુ સિંહ, જીવેશ મિશ્રા, મોતીલાલના નામ સામેલ છે. તારકિશોર પ્રસાદ અને કવિતા પાસવાનના નામ પણ કેબિનેટની રેસમાં છે.
આખરી નિર્ણય ભાજપના કેન્દ્રીય નેતૃત્વની મહોરથી લેવામાં આવશે. દરમિયાન રાજય ભાજપ અધ્યક્ષ અને મહેસુલ મંત્રી દિલીપ જયસ્વાલે રાજીનામુ આપ્યું છે. એક વ્યકિત, એક પદના સિધ્ધાંત મુજબ પોતે રાજીનામું આપ્યુાં તેમણે જણાવ્યું હતું.
હાલમાં નીતીશ કેબિનેટમાં મંત્રીઓની સંખ્યા 30 હતી. જો કે, આજે બીજેપી ક્વોટા મંત્રી દિલીપ જયસ્વાલે રાજીનામું આપી દીધું, ત્યારબાદ આ સંખ્યા 29 થઈ ગઈ. હવે 7 જગ્યાઓ ખાલી છે. હાલમાં ભાજપના 14, JDUના 13, HAMના 1 અને એક અપક્ષ મંત્રી છે. નવા વિસ્તરણમાં સાતેય નામ ભાજપના હશે. આવી સ્થિતિમાં ભાજપના મંત્રીઓની સંખ્યા 21 થઈ જશે. દિલીપ જયસ્વાલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે.બિહારમાં બજેટ સત્ર 28 ફેબ્રુઆરીથી શરૂૂ થશે અને 28 માર્ચ સુધી ચાલશે. આ દરમિયાન સરકાર આર્થિક સર્વે રજૂ કરશે. નાણાકીય વર્ષ 2025-26નું વાર્ષિક બજેટ પણ રજૂ કરવામાં આવશે.