મતદાર યાદીઓ માટે ચૂંટણી પંચના દેશવ્યાપી ’સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR ) અભિયાન વચ્ચે એક નવો વિવાદ સર્જાયો છે. મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર પર અન્ય બે ચૂંટણી કમિશનરો દ્વારા નિર્ણય લેવાની પ્રક્રિયામાં મનસ્વી રીતે વર્તવાના અને તેમના વાંધાઓને અવગણવાના આરોપો મૂકવામાં આવ્યા છે. એક અહેવાલ મુજબ, ચૂંટણી કમિશનરો ડો. સુખબીર સિંહ સંધુ અને ડો. વિવેક જોશીએ 10 મહિનાના ગાળામાં 14 વખત ચૂંટણી પંચ અને CEC જ્ઞાનેશ કુમાર સમક્ષ પોતાના વાંધાઓ નોંધાવ્યા હતા. તેમણે નવા મતદારોના ઉમેરા અને નામો રદ કરવા અંગે અંધારામાં રાખવા બદલ પણ ચિંતા વ્યક્ત કરી હતી. કોંગ્રેસ અને શિવસેના સહિતના અનેક પક્ષોએ આ ખુલાસા પર તીખી પ્રતિક્રિયા આપી છે અને જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી છે.
બે ચૂંટણી કમિશનરો દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધાઓ નવા મતદારોની નોંધણી, મતદાર યાદીમાંથી નામો દૂર કરવા અને નામોનો ફરીથી સમાવેશ કરવા સંબંધિત હતા. આમાં ’સ્પેશિયલ સમરી રિવિઝન’ (જજછ) દરમિયાન મતદારોના નામ પુન:સ્થાપિત કરવા, અપીલ દાખલ કરવા અને સમગ્ર મતદાર યાદીની સુરક્ષાને લગતા મુદ્દાઓનો પણ સમાવેશ થતો હતો. આ તમામ વાંધાઓની નકલો મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારને મોકલવામાં આવી હતી. એક લેખિત વાંધામાં, સંધુએ ફરિયાદ કરી હતી કે ચૂંટણી પંચે બંને કમિશનરોની લેખિત સલાહથી વિપરીત કામ કર્યું છે અને તેમની કાર્યવાહીને બિનઅધિકૃત તથા ગેરકાયદેસર ગણાવી હતી.
ચૂંટણી પંચે દેશદ્રોહ કર્યો છે: રાહુલ ખુલાસા પછી વિપક્ષી નેતાઓ આક્રમક
ચૂંટણી પંચમાં મતદાર યાદી સુધારણા મામલે મતદારોના અહેવાલ બાદ વિપક્ષોએ મુખ્ય ચુંટણી કમિશનરને હટાવવા તથા પ્રક્રિયા રોકવાની માગણી કરી છે. શિવસેના ઉધ્વજુથના નેતા સંજય રાઉતે જ્ઞાનેશકુમારને જેલમાં નાખવા માગણી કરી છે. કોંગ્રેસના નેતાઓના જણાવ્યા મુજબ અદ્રશ્ય હાથ ચુંટણી પંચને નિયંત્રીત કરી રહ્યાનું જણાવ્યું હતું. સપાના અખિલેશ યાદવે જણાવ્યું કે સરકાર દરેક વ્યવસ્થાને બુલ્ડોઝ કરવા માંગે છે. વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ એક વીડીયો શેર કરી જણાવ્યું હતું કે ચુંટણી પંચ કઇ કરી રહ્યા છે તે ખોટું કરી રહ્યા છે. તેમણે કહ્યું કે વોટચોરી લોકો સામેનો અપરાધ છે અને બંધારણ પર સીધો હુમલો છે. આ બાબતને અંજામ આપનારા બીજેપી, આરએસએસ અને ચુંટણી પંચે દેશદ્રોહનું કામ કર્યું છે ન્યાય જરૂર થશે.
નિર્ણયો સર્વસંમતિથી લેવાયા છે: ચૂંટણી પંચનો દાવો
ચૂંટણી પંચે બુધવારે મતદાર યાદીની દેશવ્યાપી ’સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR ) પ્રક્રિયા અંગે ત્રણ સભ્યોની સમિતિમાં રહેલા મતભેદના અહેવાલોને ઓછું મહત્વ આપવાનો પ્રયાસ કર્યો હતો. પંચે સ્પષ્ટ કર્યું કે ચૂંટણી કમિશનરો દ્વારા વ્યક્ત કરાયેલા વ્યક્તિગત મંતવ્યો એ પંચના નિર્ણયો ગણાતા નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે SIR સંબંધિત બાબતો સહિત પંચના તમામ નિર્ણયો ત્રણેય ચૂંટણી કમિશનરોની મંજૂરી સાથે સર્વસંમતિથી લેવામાં આવ્યા હતા. ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું હતું કે, “કોઈપણ બાબત પર ચૂંટણી કમિશનરો અથવા મુખ્ય ચૂંટણી કમિશનરના વ્યક્તિગત અભિપ્રાયો હોઈ શકે છે, પરંતુ SIR સહિત ભારતનાં ચૂંટણી પંચના તમામ નિર્ણયો સર્વસંમતિથી અને બંને ચૂંટણી કમિશનરો તથા મુખ્ય ચૂંટણી કમિશનરની મંજૂરીથી લેવામાં આવ્યા છે.” અહેવાલ અંગેના પ્રશ્નોના જવાબમાં ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું હતું કે બંને કમિશનરોએ મતદાર યાદીની ચકાસણી અને સુધારણા દરમિયાન વિવિધ રાજ્યોમાં નામો દૂર કરવાના મુદ્દાઓ તેમજ મતદાર ડેટાબેઝના સંચાલન અંગેના મુદ્દાઓ ઉઠાવ્યા હતા. જોકે, સૂત્રોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ઘટનાઓને SIR અંગે પંચની અંદરના મતભેદ તરીકે ન જોવી જોઈએ.
