મોરબી જિ.પં.ની સભામાં ગ્રાન્ટ ફાળવણી, સ્વભંડોળ ગ્રાન્ટને લઇને ઘમાસાણ

મોરબી જિલ્લા પંચાયતની ખાસ સામાન્યસભામાં ગ્રાન્ટની ફાળવણીને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વિવાદ સર્જાયો હતો. સ્વ ભંડોળની ગ્રાન્ટ તમામ સભ્યોને સમાન ભાગે વહેંચવાનો પ્રસ્તાવ બહુમતીના…

મોરબી જિલ્લા પંચાયતની ખાસ સામાન્યસભામાં ગ્રાન્ટની ફાળવણીને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વિવાદ સર્જાયો હતો. સ્વ ભંડોળની ગ્રાન્ટ તમામ સભ્યોને સમાન ભાગે વહેંચવાનો પ્રસ્તાવ બહુમતીના જોરે ફગાવી દેવામાં આવ્યો હતો. પ્રમુખ પોતાના વિસ્તારમાં જ ગ્રાન્ટ વાપરતા હોવાના આક્ષેપ સાથે ભાજપ પક્ષના સભ્યોએ પોતાના વિસ્તારના અન્ય કામો મંજૂર કરાવ્યા હતા. આ બેઠકમાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર ખેંચતાણ જોવા મળી હતી. આ ઉપરાંત બેઠકમાં અન્ય કેટલાક ઠરાવોને પણ બહુમતીથી અને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી સામાન્ય સભામાં સ્વભંડોળની 6.97 કરોડ જેટલી ગ્રાન્ટ 24 સભ્યોને એકસરખા ભાગે ફાળવવાની દરખાસ્ત ભાજપના 17 સભ્યોએ બહુમતીથી નામંજૂર કરાવી હતી.

ભાજપના સભ્યોનો આક્ષેપ હતો કે પ્રમુખ માત્ર પોતાના અથવા કોંગ્રેસના સભ્યોના વિસ્તારમાં જ ગ્રાન્ટ વાપરે છે અને અન્ય વિસ્તારોની અવગણના કરે છે. આ કારણોસર 1.93 કરોડના 61 જેટલા અન્ય સૂચિત કામો પણ નામંજૂર કરવામાં આવ્યા હતા. જોકે, પ્રમુખ દ્વારા સૂચવાયેલા 45 લાખના 16 કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠકમાં ઉપપ્રમુખ વિપુલભાઈ ગરચર અને કારોબારી ચેરમેન મનીષભાઈ કાંજીયા દ્વારા સૂચવાયેલા સ્વભંડોળના 5.97 કરોડના 173 કામોને ભાજપના સભ્યોએ બહુમતીથી મંજૂર કર્યા હતા. બાકીની ગ્રાન્ટમાંથી 1 કરોડ રૂૂપિયા જિલ્લાની 115 આંગણવાડીઓ માટે ફાળવવામાં આવ્યા છે. સામાન્ય સભામાં ગ્રાન્ટની વહેંચણીના મુદ્દે સ્પષ્ટ રાજકીય ભાગલા જોવા મળ્યા હતા અને સત્તાધારી જૂથે બહુમતીના જોરે પોતાના વિકાસ કામો મંજૂર કરાવ્યા હતા.

પ્રમુખ ગીતાબેન દુબરીયાએ જણાવ્યું કે સ્વભંડોળની 7 કરોડની ગ્રાન્ટ તમામ ર4 સભ્યો વચ્ચે સમાન રીતે ફાળવીને સમગ્ર મોરબી જિલ્લામાં કામગીરી કરવાની ચર્ચા કરવામાં આવી હતી. આક્ષેપોનો જવાબ આપતા તેમણે સ્પષ્ટતા કરી કે તેઓ માત્ર પોતાના વિસ્તારમાં જ ગ્રાન્ટ નથી વાપરી રહ્યા, પરંતુ 45 લાખ રૂૂપિયાની ગ્રાન્ટ મોરબી જિલ્લાના અલગ-અલગ ગામોમાં રસ્તા અને પાણી જેવા વિકાસના કામો માટે વાપરી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે અગાઉના પ્રમુખ માત્ર પોતાના વિસ્તારમાં ગ્રાન્ટ વાપરતા હતા, જ્યારે તેઓ બધા વિસ્તારોમાં કામ કરી રહ્યા છે.

કોંગ્રેસના સદસ્ય સતીશ મેરજાએ જણાવ્યું કે સામાન્ય સભામાં ભાજપના 17 સભ્યો દ્વારા સ્વભંડોળની ગ્રાન્ટ બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો. વર્ષોથી સ્વભંડોળની ગ્રાન્ટ તમામ સભ્યોને સરખા ભાગે વહેંચવાની પરંપરા ચાલી આવે છે. ભાજપના આ 17 સભ્યોએ પોતાના વિસ્તાર માટે કોઈ કામો સૂચવ્યા જ ન હતા. જો કામો સૂચવવામાં ન આવે તો પ્રમુખ જાતે કઈ રીતે ગ્રાન્ટ ફાળવી શકે? ઉપપ્રમુખ વિપુલ ગરચરે જણાવ્યું કે, પ્રમુખ સમગ્ર જિલ્લાના હોય છે, છતાં તેઓ પોતાની ગ્રાન્ટ માત્ર પોતાના વિસ્તારમાં જ વાપરી રહ્યા છે અને બાકીના 17 સભ્યોના વિસ્તારમાં એક પણ ગ્રાન્ટ આપી નથી.

અંતમાં તેમણે જણાવ્યું કે ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન દ્વારા સૂચવાયેલા કામોને બહુમતીથી બહાલી આપીને સૈદ્ધાંતિક મંજૂરી માટે મોકલીદેવાયા છે.જિલ્લા પંચાયત કચેરી મોરબીના બજેટમાં લાઈબ્રેરીની સુવિધા માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. અગાઉના બજેટના જુદા જુદા હેડ હેઠળની ગ્રાન્ટમાંથી રકમ એકત્રિત કરીને આ સુવિધા ઊભી કરાશે. જે અંતર્ગત અંદાજિત 40 લાખ રૂૂપિયાની રકમ લાઈબ્રેરી માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

 

નવી બિલ્ડિંગમાં ભ્રષ્ટાચાર, સભામાં દેકારો
મોરબી જિલ્લા પંચાયતનું નવું બિલ્ડિંગ બન્યાને હજુ થોડો જ સમય થયો છે. આમ છતાં બિલ્ડિંગમાં કલર ઉખડી જવા અને અન્ય નુકસાનીના પ્રશ્નો સામે આવ્યા છે. આથી સામાન્ય સભામાં બિલ્ડિંગ ખાતે ટાઇલ્સ લગાવવાનું, પ્લમ્બિંગ અને કલરકામ સહિતના રિનોવેશન કામને મંજૂરી આપવામાં આવી છે. નવા બિલ્ડિંગમાં આટલી જલ્દી સમારકામની જરૂૂર પડતા કામગીરીની ગુણવત્તા સામે પણ સવાલો ઉભા થયા છે. આ કામ માટે પંચાયતના મકાનોની જાળવણી હેડમાંથી ખર્ચ કરવામાં આવશે. બાંધકામ શાખા હેઠળના કામોમાં ક્ષતિઓ અને વિલંબ બદલ ઉમિયા ક્ધસ્ટ્રક્શન અને પાયોનીયર ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કરાર રદ કરવાની દરખાસ્ત પર ચર્ચા થઈ હતી. જેમાં પાયોનીયર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કામ પૂર્ણ કરવા માટે 30 દિવસની અંતિમ મુદત આપવામાં આવી છે. જ્યારે વાંકાનેર વિસ્તારમાં કામ કરતી ઉમિયા ક્ધસ્ટ્રક્શનને બ્લેકલિસ્ટ કરી ટેન્ડર ડીબાર કરવાનો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *