વઢવાણની જ્ઞાનશક્તિ સ્કૂલ ઓફ રેસિડેન્સી અને હોસ્ટેલને લઈને વાલીઓએ ગંભીર આક્ષેપો કર્યા છે. હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓને પૂરતી પાયાની સુવિધાઓ મળતી ન હોવા ઉપરાંત પાણી અને જમવાની સમસ્યા હોવાની ફરિયાદ કરવામાં આવી છે. સાથે જ કેટલીક વિદ્યાર્થિનીઓ સાથે અયોગ્ય વર્તન અને છેડછાડ થતી હોવાના આક્ષેપો પણ વાલીઓ દ્વારા કરવામાં આવ્યા છે.
સમગ્ર મામલે રોષે ભરાયેલા વાલીઓએ સુરેન્દ્રનગર-વિરમગામ હાઈવે પર રસ્તો રોકી વિરોધ નોંધાવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને સમજાવટ બાદ મામલો શાંત પડ્યો હતો. ત્યારબાદ વાલીઓએ વઢવાણ પોલીસ સ્ટેશન પહોંચીને સમગ્ર મામલે રજૂઆત કરી હતી. વાલીઓએ પોલીસ સમક્ષ રજૂઆત કરીને આક્ષેપોની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની તથા એફઆઇઆર નોંધવાની માંગ કરી છે. પોલીસે વાલીઓની રજૂઆતના આધારે સમગ્ર મામલે તપાસ શરૂૂ કરી છે.
વાલીઓના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક મહિનાથી હોસ્ટેલમાં પાણી, જમવાનું અને અન્ય પાયાની સુવિધાઓને લઈને ફરિયાદો મળી રહી હતી. વિદ્યાર્થિનીઓએ પોતાના વાલીઓને હોસ્ટેલમાં અયોગ્ય સવાલો પૂછવામાં આવતા હોવા, ખરાબ વર્તન અને છેડછાડ થતી હોવાની વાત કરી હોવાનું પણ વાલીઓએ જણાવ્યું છે.
વાલીઓના જણાવ્યા પ્રમાણે આ અંગે અગાઉ ગૃહમાતા તેમજ સંબંધિત અધિકારીઓ સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી હતી. જોકે, સમસ્યાઓનું નિરાકરણ ન આવતા અંતે પોલીસ સમક્ષ રજૂઆત કરવાની ફરજ પડી હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે. હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલી રહી છે અને વિદ્યાર્થિનીઓ સાથે છેડછાડના આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ હજુ સુધી થઈ નથી.
