હૈદરાબાદના વારંગલના માઇક્રો-આર્ટિસ્ટ અજયકુમાર મત્તેવાડાની કળા તો હવે ઇન્ટરનેશનલ લેવલ પર પ્રશંસા પામી ચૂકી છે. જોકે તાજેતરમાં અજયકુમારે એક નવું સર્જન કરીને લોકોને ચકિત કરી દીધા છે. બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં આવેલું દુનિયાની સાત અજાયબીઓમાં સ્થાન ધરાવતું ક્રાઇસ્ટ ધ રિડીમરની પ્રતિમા અજયકુમારે સોયના કાણાની અંદર કંડારી છે. આ મૂળ પ્રતિમા લગભગ 98 ફુટ ઊંચી છે, પરંતુ માઇક્રો આર્ટિસ્ટે બનાવેલી મૂર્તિ સોયના કાણામાં બનાવેલી છે જેની લંબાઈ માત્ર 1.1 મિલીમીટર છે.
આટલું સૂક્ષ્મ કદ હોવા છતાં માઇક્રોસ્કોપમાં જોઈએ તો શિલ્પની તમામ ડિટેલ એમાં જોવા મળે છે. આ મૂર્તિ બનાવવા માટે મીણ, પ્લાસ્ટિક પાઉડર અને ઇયળના વાળનો ઉપયોગ કર્યો છે. આ મૂર્તિ બનાવતાં અજયકુમારને બે મહિના લાગ્યા હતા.