દરેક વ્યક્તિ જો પોતાનું મન સ્વસ્થ રાખે તો આખો સમાજ સ્વસ્થ બને છે. માનસિક સ્વસ્થ હોવું એટલે મનની શાંતિ, જીવનનાં દરેક પડાવમાં સકારાત્મક દ્દષ્ટિકોણ ઉપરાંત માનસિક તાણને સંભાળવાની પૂરી ક્ષમતા. વ્યક્તિનું મન સ્થિર હોય ત્યારે જ પોતે પોતાની અંદર છુપાયેલી અઢળક ક્ષમતાઓને ઓળખી શકે છે. આટલું જ નહીં, દરેક સબંધોમાં આવતી નાના મોટી કટુતા વચ્ચે પણ મીઠાશ જાળવી શકે છે અને જીવનમાં આવતી અનેક સમસ્યાઓ સામે હિંમતથી લડી શકે છે. ખુશ રહેનાર વ્યક્તિ તેની આસપાસ હંમેશા પ્રકાશ, સહાનુભૂતિ અને પ્રેમ પાથરે છે.
આધુનિક જીવનશૈલીમાં દરેક જગ્યાએ ઝડપ, સ્પર્ધા, તેમજ બધે અનિશ્ચિતતા વધતા લોકોમાં તણાવ, ચિંતા, ડિપ્રેશન, એકલતા, ભય, ગભરાટ, આર્થિક ચિંતાઓ, વ્યાજના ચક્કર, ઉધારી, કામનું દબાણ, અભ્યાસનો બોજ, એકબીજાથી દેખાદેખી તેમજ આત્મવિશ્વાસનો અભાવ જેવી અનેક સમસ્યાઓ વધી રહી છે. આજ કાલ તો સોશિયલ મીડિયાના દબાણ, કારકિર્દીની ચિંતાઓ ઉપરાંત વ્યક્તિગત સંબંધોમાં જોવા મળતી અસુરક્ષાએ ઘણા લોકોને અંદરથી ખોખલા બનાવી નાખ્યા છે. સૌથી વધુ યુવાવર્ગનો આ સળગતો પ્રશ્ન છે.
સમગ્ર વિશ્વમાં 10 ઓક્ટોબરે “વિશ્વ માનસિક આરોગ્ય દિવસ” ઉજવાય છે. આ દિવસનો હેતુ એ જ છે કે, “માનસિક આરોગ્ય પણ તેટલું જ મહત્વનું છે જેટલું શારીરિક આરોગ્ય.” મનની બીમારીને જ માનસિક રોગી ના કહી શકાય, પરંતુ જે વ્યક્તિ કોઈના કહેવાથી કે સાંભળવાથી દુ:ખી થાય, નાની નાની વાતમાં ચિંતા અનુભવે, વાતવાતમાં નકારાત્મક દૃષ્ટિકોણ અપનાવે તેને પણ મનોરોગી કહી શકાય. આવા રોગો માટે આપણે ખુદ જવાબદાર છીએ. કારણકે જેમ શરીરને સ્વસ્થ રાખવા દવાનો સહારો લઈએ તેમ મનને પણ સ્વસ્થ રાખવા સહાનુભૂતિ જોઈએ.
યોગ્ય આહાર, નિયમિત કસરત, વાંચન, પૂરતી ઊંઘ, યોગ, ધ્યાન, પ્રાર્થના, સંગીત કે કુદરતી વાતાવરણનો સહારો, પરિવાર કે મિત્રો સાથે મનની દરેક લાગણીઓ વહેંચવી જેવી દરેક પ્રક્રિયા માનસિક રોગોથી બચાવે છે. મન જેટલું સ્વસ્થ તેટલી જ વધુ સફળતા. થોડો સમય મોબાઈલ કે સોશિયલ મીડિયા વગર પણ જીવી જાણો. મનને પ્રફુલ્લિત રાખવાના અનેક નુસખા છે, પરંતુ જીવનશૈલી સાથે વણવા તો જાતે જ પડે. જયારે મન થાકે ત્યારે સપનાઓ પણ મૌન થઈ જાય છે. તેથી જ મનને આરામ આપો, તેને અવાજ આપો અને પ્રેમ પણ આપો.
આજે લોકો બહારથી જેટલાં હસતાં ખેલતાં દેખાય છે હકીકતે અંદરથી તૂટેલા પણ હોય છે. સોશિયલ મીડિયાના લાખો ફોલોઅર્સ વચ્ચે પણ એકલો પડતો માણસ પોતાના મનની વાત કોઈને કહી શકતો નથી કે સહી શકતો પણ નથી. આજે આપઘાતના બનાવો પાછળની આ એક નરી વાસ્તવિકતા છે. ટોળામાં પણ એકલતા તેને કોરી ખાય છે અને છેલ્લે આપઘાત કરી બેસે છે.
આધુનિક જીવનની ઝડપે માણસને એટલો આગળ ધકેલી દીધો છે જેથી, માણસે પોતે જ પોતાની સુખ, શાંતિ જાતે હણી નાખ્યા છે. ઘર પરિવારની વચ્ચે રહેતું સંતાન પણ આજે ગુગલના સહારે મોટું થાય છે.લાખો રૂૂપિયાની સ્કૂલની ફી ભર્યા પછી પણ બાળક ચેટ જીપીટી જેવી એપનો સહારો લે છે. અનેક જાતનાં ઈલેક્ટ્રોનિક રમકડાં કે એક્ટિવિટી વચ્ચે પણ બાળક મોબાઈલને જ પ્રાધાન્ય આપે છે.
માનસિક આરોગ્ય એ સુખી સમાજનો સૌથી મોટો આધારસ્થંભ છે. મનને અવગણીને કોઈ કામ થઈ શકતા નથી. આથી સૌથી પહેલું કામ જ મનને સંતુલિત રાખવાનું છે. શારીરિક સ્વાસ્થ્ય માટે લોકો દોડે છે, દવા લે છે, ડાયેટ કરે છે જેવા તો કંઈક નુસખા અજમાવતાં હોય છે. જયારે મન થાકે ત્યારે આપણે જ તેની અવગણના કરીએ છીએ. હકીકત તો એ છે મનનું સ્વાસ્થ્ય જ જીવનની મૂળ શક્તિ છે. આ વિશ્વ આરોગ્ય દિવસ આપણને એ જ યાદ અપાવે છે કે, જીવનનું સાચું સુખ બાહ્ય સફળતામાં નહીં, પરંતુ અંતરના સંતુલનમાં છે.
