ખંભાળિયા નગરપાલિકાને શહેરમાં રખડતાં ઢોર બાબતે અલ્ટીમેટમ

ઢોરની ઢીંકે માસૂમ બાળકના અપમૃત્યુ બાદ લોકોમાં રોષ ખંભાળિયા શહેરમાં છેલ્લા ઘણા સમયથી રસ્તો રઝળતા ઢોરનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. અહીંના મુખ્ય માર્ગો…

ઢોરની ઢીંકે માસૂમ બાળકના અપમૃત્યુ બાદ લોકોમાં રોષ

ખંભાળિયા શહેરમાં છેલ્લા ઘણા સમયથી રસ્તો રઝળતા ઢોરનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. અહીંના મુખ્ય માર્ગો પર તથા ગલીઓમાં રખડતાં ઢોરના કારણે નગરજનોને વ્યાપક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઢોરના આ અનહદ ત્રાસ અંગે નગરજનો દ્વારા નગરપાલિકા સત્તાવાહકોને વારંવાર રજૂઆતો કરવા છતાં અને ગુજરાત હાઇકોર્ટના આદેશ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.

થોડા દિવસો પૂર્વે શહેરમાં રસ્તે રખડતાં આખલાએ એક માસૂમ બાળકનો જીવ લીધો હતો. જેથી માનવ અધિકાર પંચના કાર્યકર અને જાગૃત નાગરિકો દ્વારા ખંભાળિયા નગરપાલિકાને કાનૂની નોટિસ આપવામાં આવી છે.

જેમાં માંગણી કરવામાં આવી છે કે “48 કલાકમાં રખડતાં ઢોરને પકડી સુરક્ષિત ડબ્બે પૂરવામાં આવે. ઉપરાંત 24ડ7 ’ઢોર પકડ પાર્ટી’ તૈનાત કરવામાં આવે. આ સાથે ખાનગી માલિકીના પશુઓના માલિક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. જાહેર રસ્તા ઉપર, સોસાયટીના પ્લોટોમાં, નદી કાંઠે વિગેરે જગ્યાએ ઘાંસચારો કે એઠવાડ નાખવા પર પ્રતિબંધ લગાવવામાં આવે. નગરપાલિકા દ્વારા 24ડ7 ટોલ ફ્રી ટેલિફોન નંબર જાહેર કરવામાં આવે જેના ઉપર ફરિયાદ નોંધાવી શકાય અને આ આવેલ ફરિયાદનું તાત્કાલિક ધોરણે નિવારણ કરવામાં આવે.”

જો તંત્ર દ્વારા માંગણી મુજબ કાર્યવાહી કરવામાં નિષ્ફળ જશે. તો કાયદા મુજબ અદાલતના દ્વાર ખખડાવવામાં આવશે તેમ પણ વધુમાં જણાવાયું છે. આ પત્રની નકલ મુખ્યમંત્રી, ગૃહમંત્રી, નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર, જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાને પણ મોકલવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *