પશ્ચિમ બંગાળ બાદ મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયુ છે. ટીએમસીની જેમ શિવસેના યુબીટીમાં પણ સાંસદોએ બળવાખોરી કરી છે. ત્યારે હવે સૂત્રોના જણાવ્યા અનુસાર, શિવસેના (ઉદ્ધવ ઠાકરે) ને મોટો ઝટકો લાગ્યો હોવાનું સામે આવ્યું છે. કારણ કે આજે યોજાયેલી સંસદીય પક્ષની બેઠકમાં પાર્ટીના નવ લોકસભા સાંસદોમાંથી છ સાંસદો હાજર રહ્યા ન હતા.
ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેના (UBT) એ આજે તેના સાંસદોની એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. શિંદેના 2022ના બળવાની આસપાસની પરિસ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે, ઉદ્ધવ જૂથે તેના તમામ નવ સાંસદોને દિલ્હીમાં બેઠક માટે બોલાવ્યા છે અને ’ત્રણ-લાઇનનો વ્હીપ’ જારી કરીને તેમને રૂૂબરૂૂ હાજર રહેવા સૂચના આપી છે. પરંતુ સંસદ ભવનમાં પાર્ટી કાર્યાલયમાં બોલાવવામાં આવેલી બેઠકમાં ફક્ત ત્રણ સાંસદો હાજર હતા; અરવિંદ સાવંત, અનિલ દેસાઈ અને રાજાભાઈ વાજે બેઠકમાં હાજરી આપી હતી.
એવા અહેવાલો છે કે બળવાખોર સાંસદોનો એક જૂથ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનામાં જોડાવાની તૈયારી કરી રહ્યા છે. આ કટોકટીની બેઠક એવા અહેવાલો સામે આવ્યાના એક દિવસ પછી જ થઈ છે કે બળવાખોર જૂથે પાર્ટીના નવ લોકસભા સાંસદોમાંથી છનો ટેકો દાવો કર્યો હતો અને લોકસભા સ્પીકર ઓમ બિરલાનો સંપર્ક કર્યો હતો, જેનાથી મહારાષ્ટ્રમાં એક નવું રાજકીય તોફાન શરૂૂ થયું છે.
એકનાથ શિંદે જૂથે દાવો કર્યો હતો કે ઉદ્ધવના નેતૃત્વ હેઠળના શિવસેનાના છ સાંસદોએ પક્ષપલટો કર્યો છે. શિવસેનાના એમએલસી ચંદ્રકાંત રઘુવંશીએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં ’ઓપરેશન ટાઇગર’ શરૂૂ કરવામાં આવ્યું છે, જે હેઠળ છ સાંસદોએ એકનાથ શિંદેને ટેકો આપવાનું વચન આપ્યું હતું.
