લાઓસમાં બંધક બનાવાયેલી આણંદની બે બહેનોનું આર્મીની મદદથી દિલધડક રેસ્કયુ

ગુજરાતના આણંદ જિલ્લાની બે સગી બહેનો આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરી નેટવર્કનો શિકાર બની હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. થાઈલેન્ડમાં પ્રતિષ્ઠિત નોકરી અપાવવાની લાલચ આપીને આ…

ગુજરાતના આણંદ જિલ્લાની બે સગી બહેનો આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરી નેટવર્કનો શિકાર બની હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. થાઈલેન્ડમાં પ્રતિષ્ઠિત નોકરી અપાવવાની લાલચ આપીને આ બંને બહેનોને વિદેશ બોલાવવામાં આવી હતી, પરંતુ ત્યાં પહોંચ્યા બાદ ગેરકાનૂની રીતે તેમને લાઓસ સરહદે લઈ જઈને બંધક બનાવી દેવાઈ હતી. દીકરીઓનો પરિવાર સાથે સંપર્ક તૂટી જતાં પરિવારે તમામ આશા છોડી દીધી હતી. જોકે, આણંદના સાંસદ મિતેશ પટેલ ની સમયસૂચકતા અને કેન્દ્ર સરકારના હસ્તક્ષેપ બાદ ચલાવાયેલા ’ઓપરેશન મહીસાગર 2.0’ ના કારણે બંને દીકરીઓનો હેમખેમ બચાવ થયો છે.

પરિવારની રજૂઆત બાદ સાંસદ મિતેશ પટેલે તાત્કાલિક વિદેશ મંત્રાલય અને લાઓસ સ્થિત ભારતીય દૂતાવાસનો સંપર્ક સાધ્યો હતો. ભારતીય એમ્બેસીના અધિકારીઓએ લાઓસની સ્થાનિક સુરક્ષા એજન્સીઓ સાથે મળીને કૂટનીતિક સ્તરે દીકરીઓનું લોકેશન ટ્રેસ કર્યું હતું. પાકી વિગતો મળતાં જ લાઓસ આર્મી અને ભારતીય દૂતાવાસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને તસ્કરોના અડ્ડા પર દરોડો પાડ્યો હતો અને 20 દિવસની ભારે જહેમત બાદ બંને બહેનોને મુક્ત કરાવી લીધી હતી. આણંદની બંને દીકરીઓ હાલ સુરક્ષિત આશ્રયસ્થાને છે અને કાનૂની પ્રક્રિયા પૂર્ણ થતાં જ ટૂંક સમયમાં વતન પરત ફરશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ અઝરબૈજાનમાં ફસાયેલા ગુજરાતી યુવાનોને બચાવવા ’ઓપરેશન મહીસાગર’ ચલાવાયું હતું, ત્યારબાદ આ આણંદની દીકરીઓ માટેનું ’ઓપરેશન મહીસાગર 2.0’ પણ સફળ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *