ગાંધીનગર મહાનગરપાલિકાની બે મહિલા કર્મચારીઓનો કેનાલમાં કૂદી આપઘાત

પરિવારજનોને ફોન કર્યા બાદ લગાવી મોતની છલાંગ, કામનું ભારણ હોવાની આશંકા ગાંધીનગરના નભોઈ કેનાલ પર ગત રાત્રિએ એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના બની છે.…

પરિવારજનોને ફોન કર્યા બાદ લગાવી મોતની છલાંગ, કામનું ભારણ હોવાની આશંકા

ગાંધીનગરના નભોઈ કેનાલ પર ગત રાત્રિએ એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના બની છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતી બે યુવતીઓએ અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવીને સામુહિક આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ફાયર બ્રિગેડની ટીમે કલાકોના સર્ચ ઓપરેશન બાદ ઝુંડાલ કેનાલમાંથી બંને યુવતીઓના મૃતદેહ બહાર કાઢ્યા છે.

મૃતક યુવતીઓની ઓળખ સેજલ જશવંતભાઈ પટેલ અને રિપલ રાકેશભાઈ રાવત તરીકે થઈ છે. આ બંને યુવતીઓ ગઈકાલે રાત્રે નભોઈ કેનાલ પર પહોંચી હતી. કેનાલમાં પડતા પહેલા બંનેએ પોતપોતાના પરિજનોને ફોન કરીને પોતે આપઘાત કરવા જઈ રહી હોવાનું જણાવ્યું હતું. અચાનક આવેલા આ ફોનથી ગભરાયેલા પરિવારો તાત્કાલિક કેનાલ પર પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતા જ અડાલજ અને ગાંધીનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. રાત્રિના અંધકારમાં જ ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે કેનાલમાં શોધખોળ શરૂૂ કરી હતી. પાણીનો પ્રવાહ વધુ હોવાથી બંને યુવતીઓ તણાઈ ગઈ હતી, જેમના મૃતદેહ છેક ઝુંડાલ કેનાલ પાસેથી મળી આવ્યા હતા. પોલીસે બંને લાશનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે.

બંને યુવતીઓ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સાથે નોકરી કરતી હતી અને તેમની વચ્ચે ગાઢ મિત્રતા હોવાનું પણ સામે આવ્યું છે. જોકે, બંનેએ આટલું આત્યંતિક પગલું કેમ ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. નોકરીનું ભારણ, અંગત સમસ્યા કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે દિશામાં પોલીસે તપાસ શરૂૂ કરી છે.
જીએમસીના કર્મચારી વર્ગમાં પણ આ ઘટનાને લઈને ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે. એકસાથે બે આશાસ્પદ યુવતીઓના મોતથી તેમના પરિવારો પર આભ તૂટી પડ્યું છે. હાલમાં અડાલજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *