અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં શેરબજારને હચમચાવી દેનારા લિબરેશન ડે ટેરિફની જાહેરાત કરી હતી, જેના પગલે શેરબજારમાં ભારે અસ્થિરતા જોવા મળી. આ ટેરિફની નીતિમાં અચાનક યુ-ટર્ન લેતાં ટ્રમ્પે ઘણા દેશો સામેના કડક ટેરિફને 90 દિવસ માટે હળવા કરવાનો નિર્ણય જાહેર કર્યો, જેની અસરે શેરબજારમાં રાહતનો મોટો ઉછાળો જોવા મળ્યો. જોકે, આ નિર્ણયની સાથે જ ટ્રમ્પ પર શેરબજારમાં ચાલાકી અને ઇનસાઇડર ટ્રેડિંગના ગંભીર આરોપો લાગ્યા છે. ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓએ આ મામલે તપાસની માગણી કરી છે, જેનાથી અમેરિકન રાજકારણમાં નવો વિવાદ સર્જાયો છે.
આ ઘટનાક્રમની શરૂૂઆત થઈ 2 એપ્રિલે, જ્યારે ટ્રમ્પે નલિબરેશન ડેથ ટેરિફની જાહેરાત કરી. આ નીતિએ શેરબજારને બેર માર્કેટની આરે લઈ જઈને નબ્લેક મન્ડે 2.0’ની ચિંતા વધારી હતી. પરંતુ બુધવારે ટ્રમ્પે ચીન સિવાયના દેશો પરના ટેરિફ હળવા કરવાની જાહેરાત કરતાં શેરબજારમાં રાહતનો દોર શરૂૂ થયો. એસએન્ડપી 500 ઇન્ડેક્સમાં લગભગ 10 ટકાનો ઉછાળો નોંધાયો, જે 2008 પછીનો સૌથી મોટો એક દિવસનો વધારો હતો. નાસ્ડેકમાં 12 ટકા અને ડાઉ જોન્સમાં 8 ટકાનો વધારો થયો. આ ઉછાળાની અસર એશિયા અને યુરોપના બજારોમાં પણ જોવા મળી, જ્યાં લંડનનો એફટીએસઈ 100 ઇન્ડેક્સ 4 ટકા વધ્યો.
આ બધું શરૂૂ થયું ટ્રમ્પના બે સોશિયલ મીડિયા પોસ્ટથી. બુધવારે સવારે શેરબજાર ખુલ્યા બાદ ટ્રમ્પે તેમના ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર લખ્યું, આ ખરીદીનો સારો સમય છે! ડીજેટી. આ પોસ્ટ બાદ ટ્રમ્પ મીડિયા એન્ડ ટેક્નોલોજી ગ્રૂપના શેર, જેનું ટીકર ડીજેટી છે, એકાએક વધ્યા. શેરની કિંમત 16.69થી વધીને 20.40 સુધી પહોંચી, જે 22.2 ટકાનો ઉછાળો દર્શાવે છે. આ શેરે દિવસના અંતે 21 ટકાથી વધુનો વધારો નોંધાવ્યો, જે આ વર્ષનું તેનું સૌથી મજબૂત પ્રદર્શન હતું. આ જ રીતે, ટેસ્લાના શેરમાં પણ 22 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો, જે 2013 પછીનું તેનું શ્રેષ્ઠ પ્રદર્શન હતું.
આ ઘટનાઓએ ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓમાં રોષ ફેલાવ્યો. કેલિફોર્નિયાના રિપ્રેઝન્ટેટિવ માઇક લેવિને સોશિયલ મીડિયા પર લખ્યું, આ શેરબજારમાં ચાલાકી નથી તો શું છે? જો તમે ટ્રમ્પના સમર્થક હો અને તેમની સલાહ મુજબ ખરીદી કરી હોય, તો તમે મોટો નફો કર્યો. પરંતુ જો તમે નિવૃત્ત વ્યક્તિ, વરિષ્ઠ નાગરિક કે મધ્યમ વર્ગના હો અને જોખમ ન લઈ શક્યા હો, તો તમે નુકસાનમાં છો.
વ્હાઇટ હાઉસે આક્ષેપો ફગાવ્યા
વ્હાઇટ હાઉસે આ આરોપોને ફગાવી દીધા છે. પ્રેસ સેક્રેટરી કેરોલિન લીવિટે આને ટ્રમ્પની આર્ટ ઓફ ધ ડીલની શૈલી ગણાવી, જ્યારે વ્હાઇટ હાઉસના પ્રવક્તા કુશ દેસાઈએ જણાવ્યું કે રાષ્ટ્રપતિની જવાબદારી છે કે તેઓ બજારો અને અમેરિકનોને આર્થિક સુરક્ષાની ખાતરી આપે.