સરદારને શ્રધ્ધાંજલિ અર્પણ કરી 400 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ; રાત્રે ભવ્ય ‘આનંદમઠ’ નાટક નિહાળ્યું; એકતાનગરમાં ‘ભારત પર્વ’નું ઉદ્ઘાટન; સાંજે રાષ્ટ્રીય એકતા પરેડમાં સલામી ઝીલશે PM મોદી વડાપ્રધાન…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ; રાત્રે ભવ્ય ‘આનંદમઠ’ નાટક નિહાળ્યું; એકતાનગરમાં ‘ભારત પર્વ’નું ઉદ્ઘાટન; સાંજે રાષ્ટ્રીય એકતા પરેડમાં સલામી ઝીલશે PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના બે દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન આજે (31મી ઓક્ટોબર) સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે એકતાનગર ખાતે યોજાયેલી ’રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીમાં વિશેષ સહભાગી થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલની પ્રતિમાને ભાવસભર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, જે વેળાએ હેલિકોપ્ટર દ્વારા પ્રતિમા પર ભવ્ય પુષ્પવર્ષા કરવામાં આવી હતી.

વડાપ્રધાન મોદીના નિર્ધારિત કાર્યક્રમ મુજબ, સવારે 9:30: સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં 400 કરોડાના વિકાસના કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્તની તકતીનું અનાવરણ કર્યુ હતું. ત્યારબાદ 10:41થી સાંજે 5:10 વાગ્યા સુધી સર્કિટ હાઉસ ખાતે રોકાયા હતા. બાદમાં સાંજે 5:15 વાગ્યે એકતા પથ તરફ રવાના થયા હતા. સાંજે 5:30થી 7:40 વાગ્યા દરમિયાન તેઓ ભવ્ય ’રાષ્ટ્રીય એકતા પરેડ’માં હાજરી આપી સલામી ઝીલશે. એકતાનગર ખાતેના તમામ સત્તાવાર કાર્યક્રમો સંપન્ન થયા બાદ રાત્રે 8:00 વાગ્યે વડાપ્રધાન એકતાનગરથી વડોદરા એરપોર્ટ જવા રવાના થશે અને રાત્રે 9:10 વાગ્યે વડોદરા એરપોર્ટથી દિલ્હી પરત પ્રસ્થાન કરશે.
વડાપ્રધાનની ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે 300 જેટલા કલાકારો દ્વારા ‘આનંદમઠ’ની નાટ્યપ્રસ્તુતિ રજુ કરાઈ હતી. ‘આનંદમઠ’ નાટકના ભવ્ય મંચન દરમિયાન રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’ના નાદ સાથે સમગ્ર પરિસર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની ઐતિહાસિક નવલકથા ‘આનંદમઠ’નો જ ભાગ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘એકતા પ્રકાશ પર્વ’ની મુલાકાત લઈ ભારતની એકતાના પ્રતીક સમા ’એકતા પ્રકાશ પર્વ’ અંતર્ગત રોશનીની અદભુત કૃતિઓ નિહાળી હતી. આ ઉપરાંત નર્મદા ઘાટ ખાતે નર્મદા મહાઆરતીમાં સહભાગી બન્યા હતા. ’નર્મદે હર.. જીવનભર’ના નાદથી એકતાનગર ગુજી ઉઠ્યું હતું.
મહાઆરતી બાદ વડાપ્રધાન સર્કિટ હાઉસ જવા રવાના થયા હતા.

‘આનંદમઠ’ની સાહિત્યિક વિરાસત અને ‘વંદે માતરમ્’ની રાષ્ટ્રભાવનાને રંગમંચ પર જીવંત કરતી વિશેષ પ્રસ્તુતિ વડાપ્રધાન સામે કરવામાં આવી હતી. ‘આનંદમઠ’ મૂળભૂત રીતે બંગાળના વિખ્યાત સાહિત્યકાર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા વર્ષ 1882માં રચાયેલી ઐતિહાસિક નવલકથા છે. ભારતનું રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ મૂળ ‘આનંદમઠ’નો જ એક ભાગ છે. ‘વંદે માતરમ્’ના શબ્દોમાં માતૃભૂમિ પ્રત્યેની ભક્તિ, આદર અને સમર્પણની જે ભાવના વ્યક્ત થાય છે. તેણે સ્વાતંત્ર્યસંગ્રામના સમયગાળામાં રાષ્ટ્રજાગૃતિને પ્રેરણા આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ ગીત સમય જતાં દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક બન્યું. આ રીતે ‘આનંદમઠ’ માત્ર એક સાહિત્યિક કૃતિ બનીને સીમિત રહ્યું નથી, પરંતુ તેણે ભારતીય રાષ્ટ્રવાદની વિચારધારાને સાહિત્ય અને સંસ્કૃતિના માધ્યમથી જનમાનસ સુધી પહોંચાડવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *