આંધ્ર પ્રદેશના તિરુપતિમાં તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ ઓફિસર મેન્ડુ લોકનાથમ સાથે જોડાયેલા સ્થળોએ એન્ટી-કરપ્શન બ્યુરો (ACB)એ દરોડા પાડ્યા છે. ACB એ તેમની સામે આવકના જાણીતા સ્ત્રોત કરતાં વધુ સંપત્તિ હોવાના આરોપસર કેસ નોંધ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તપાસ દરમિયાન 2 કિલો સોનું, 6.5 કિલો ચાંદી, ₹12.5 લાખ રોકડ, ચાર ફિક્સ્ડ ડિપોઝિટ અને મિલકત સંબંધિત દસ્તાવેજો મળી આવ્યા હતા. જપ્ત અને ઓળખાયેલી સંપત્તિનું પ્રાથમિક મૂલ્યાંકન આશરે ₹5 કરોડ હોવાનું જણાવાયું છે, જોકે સંપત્તિનું બજારમૂલ્ય વધુ હોઈ શકે છે.
ACBની સાત ટીમોએ એકસાથે લોકનાથમ સાથે જોડાયેલા વિવિધ સ્થળોએ તપાસ શરૂૂ કરી હતી. તપાસનું નેતૃત્વ ACBના DSP શ્રીનિવાસ રાવે કર્યું હતું. લોકનાથમનું નિવાસસ્થાન, તેમના કાર્યાલય અને સંબંધીઓ સાથે જોડાયેલા સ્થળો તપાસના દાયરામાં હતા. અહેવાલો મુજબ, તિરુપતિમાં તેમના નિવાસસ્થાન ઉપરાંત સંબંધીઓના મકાનો અને અન્ય મિલકતોની પણ તપાસ કરવામાં આવી હતી. તેમના નામે અથવા સંબંધિત બેંક લોકરની વિગતોની પણ તપાસ કરવામાં આવી હતી.
આ કાર્યવાહીનો સંબંધ તિરુમલા લાડુ માટે વપરાતા ઘીમાં કથિત ભેળસેળના કેસની તપાસ દરમિયાન સામે આવેલી માહિતી સાથે હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. CBIની આગેવાની હેઠળની SITએ આ કેસમાં તપાસ પૂર્ણ કરીને જાન્યુઆરી 2026માં ચાર્જશીટ દાખલ કરી હતી. ACB અધિકારીઓના જણાવ્યા મુજબ, તપાસ દરમિયાન TTDના કેટલાક કર્મચારીઓની સંપત્તિ સંબંધિત માહિતી સામે આવી હતી. તેના આધારે લોકનાથમ સામે આવક કરતાં વધુ સંપત્તિનો કેસ નોંધાયા બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી.
મેન્ડુ લોકનાથમ હાલમાં તિરુમલા મંદિરના ડેપ્યુટી ઊઘ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. અહેવાલો અનુસાર, તેઓ અગાઉ પણ TTD માં વિવિધ હોદ્દાઓ પર સેવા આપી ચૂક્યા છે. ACBની તપાસ હજુ ચાલુ છે અને સંપત્તિ, દસ્તાવેજો તથા રોકાણોની વિગતોની ચકાસણી કરવામાં આવી રહી છે. આરોપોની અંતિમ કાનૂની સ્થિતિ તપાસ અને આગળની ન્યાયિક પ્રક્રિયા બાદ જ સ્પષ્ટ થશે.
