અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ચીન પર આકરા ટેરિફ લાદવાની જાહેરાત કરી ત્યારે બહુ ફડાકા માર્યા હતા. ટ્રમ્પે ઉપરાછાપરી ટેરિફ લાદીને ચીન હવે પછી અમેરિકાની ભલમનસાઈનો દુરૂૂપયોગ નહીં કરી શકે એવા દાવા કરેલા. ટ્રમ્પે ચીનને દબાવવા માટે ઘડાધડ ટેરિફ લાદીને ટેરિફનો દર 150 ટકાને પાર કરાવી દીધો હતો, પણ એક મહિનામાં તો ટ્રમ્પ હાંફી ગયા અને ચીન સાથે પાછી દોસ્તી કરી લીધી. મજાની વાત એ છે કે, ચીનને પતાવી દેવાની વાતો કરનારા ટ્રમ્પે સામેથી ચીન સાથેનો વ્યાપાર પૂર્વવત્ કરવા દોસ્તીનો હાથ લંબાવ્યો અને તેના પગલે સ્વિટ્ઝર્લેન્ડના જીનિવામાં અમેરિકા અને ચીન વચ્ચે ચાલેલી મંત્રણાના અંતે સોદાબાજી થઈ ગઈ છે.
જીનિવામાં બે દિવસની વાતચીત બાદ બંને દેશો વચ્ચે થયેલા કરાર પ્રમાણે બંને દેશો એકબીજા પર આકરા ટેરિફ હમણાં સ્થગિત કરશે અને ભવિષ્યમાં કઈ રીતે વ્યાપાર કરવો તેનું નવું મિકેનિઝમ તૈયાર કરશે. ગયા મહિને ટ્રમ્પે ચીની માલ પર 145 ટકા ટેરિફ લાદ્યો હતો, ચીને પણ અમેરિકન માલ પર 125 ટકા સુધીનો ટેરિફ લાદ્યો હતો. વિશ્વની બે સૌથી મોટી આર્થિક મહાસત્તા વચ્ચેનો વાર્ષિક 600 અબજ ડોલરનો વેપાર લગભગ બંધ થઈ ગયો હતો અને બંનેની આર્થિક હાલત ખરાબ થવા માંડી હતી. છેવટે ટ્રમ્પે નમતું જોખતાં બંને વચ્ચે પાછી દોસ્તી થઈ ગઈ.
ડોનલ્ડ ટ્રમ્પે અમેરિકાનું પ્રમુખપદ સંભાળતા જ આખી દુનિયામાં ટેરિફ વોર છેડી દીધી હતી અને ચીન સહિતના દેશો સૌથી પહેલાં અમેરિકાના ટેરિફનો વાર લાગ્યો હતો. ટ્રમ્પે ચીનમાંથી ફેન્ટાનિલ ઠાલવવામાં આવે છે અને તેના કારણે અમેરિકાનું યુવાધન બરબાદ થઈ ગયું છે એવો દાવો કરીને યુનાઇટેડ સ્ટેટ્સમાં ફેન્ટાનિલ સંકટને નેશનલ ઈમરજન્સી જાહેર કરી હતી. ચીન પર દોષારોપણ કરીને ફેબ્રુઆરીમાં ચીનના માલ પર 20 ટકા ટેરિફ લાદ્યો હતો. એ પછી એપ્રિલમાં ટ્રમ્પે ચીની ઈમ્પોર્ટ પર 34 ટકા રેસિપ્રોકલ ટેરિફ લાદ્યો કેમ કે ચીનમાં અમેરિકાના માલ પર 34 ટકા ટેક્સ લગાવાયો છે. ચીને અમેરિકા સામે ઝૂકીને ડયૂટી ઘટાડવાનો ઈનકાર કરતાં ટ્રમ્પ એ પછી ટેરિફ પર ટેરિફ લાદતા ગયા અને ટેરિફ દર 150 ટકાની આસપાસ પહોંચી ગયો.
