ન્યૂયોર્ક શહેરના મેનહટનમાં યુએન મુખ્યાલયની બહાર વિરોધ પ્રદર્શનમાં તિબેટીયન ધ્વજ લઈને આવેલા એક વ્યક્તિનું હોસ્પિટલમાં મૃત્યુ થયું. પ્રદર્શનકારીની ઓળખ તેના મિત્ર દ્વારા લોબગા રંગઝેન તરીકે કરવામાં આવી હતી, જે લગભગ 20 વર્ષથી અમેરિકામાં રહેતો હોવાનું કહેવાય છે.
અહેવાલ મુજબ, આ ઘટના ન્યુ યોર્ક શહેરના પૂર્વ 43મી સ્ટ્રીટ અને ફર્સ્ટ એવન્યુ નજીક સાંજે 7 વાગ્યાની આસપાસ બની હતી. સર્વેલન્સ ફૂટેજમાં રંગઝેન પરંપરાગત સાધુના વસ્ત્રોમાં સજ્જ દેખાય છે. સાંજના વ્યસ્ત રસ્તા પર પોતાને આગ લગાવતા પહેલા, તેણે ફૂટપાથ પર તિબેટીયન ધ્વજ મૂક્યો.
આગમાં લપેટાયા પછી એક મિનિટથી પણ ઓછા સમયમાં, તે જમીન પર પડી ગયો, જ્યારે ટ્રાફિક ચાલુ રહ્યો અને કારના હોર્ન વાગવા લાગ્યા. પોલીસ અધિકારીઓ અને સુરક્ષા કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી ગયા અને 15 સેક્ધડમાં આગ બુઝાવી દીધી. અધિકારીઓએ જણાવ્યું કે તે વ્યક્તિને બેલેવ્યુ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો.
પોલીસે વિસ્તારને ઘેરી લીધો અને તપાસ હાથ ધરી ત્યારે તિબેટીયન ધ્વજ લગભગ એક કલાક સુધી ઘટનાસ્થળે રહ્યો. સ્થળ પર હાજર પોલીસ કર્મચારીઓ પત્રિકાઓ એકત્રિત કરતા જોવા મળ્યા; તેમાંથી એકમાં ચીનને તિબેટ છોડવાની માંગણી કરતો સૂત્ર લખેલો હતો.
