કોડીનાર શહેરની બિલેશ્વર સોસાયટીમાં રહેતા અને મૂળ કોડીનાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના એક હિન્દુ પરિવારની દીકરી સહિત બે સગીરાઓના ધર્મ પરિવર્તનના પ્રયાસના ચકચારી પ્રકરણમાં પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. આ ત્રણેય આરોપીઓને આજે પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે પાંચ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. બીજી તરફ, આ સમગ્ર પ્રકરણમાં અન્ય શખ્સોની સંડોવણી તેમજ મોટા નેટવર્કની શક્યતા અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. રાજ્ય સરકારે પણ ઘટનાની ગંભીર નોંધ લઈને તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી છે.
આ પ્રકરણમાં ઝડપાયેલા આરોપીઓમાં કોડીનારના અબ્દુલ સંધિ, મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ઉનાવા ગામે દાતારની દરગાહના મૌલવી આસિફ કવાલી ઉર્ફે મરાઠી અને ધોરાજીના નિષાદ કાજીનો સમાવેશ થાય છે. પોલીસને આ ત્રણ આરોપીઓ ઉપરાંત અન્ય શખ્સોની પણ સંડોવણી હોવાની આશંકા છે. પાંચ દિવસના રિમાન્ડ દરમિયાન સમગ્ર ઘટનાની કડીઓ, સગીરાઓને ઉનાવા લઈ જવા પાછળની ભૂમિકા અને અન્ય સંભવિત સંડોવાયેલા લોકો અંગે તપાસ કરવામાં આવશે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનારની બંને સગીરાઓને મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ઉનાવા ગામે આવેલી દાતાર બાપુની દરગાહ ખાતે લઈ જવામાં આવી હતી.
જ્યાં કોડીનાર પોલીસે દરોડા દરમિયાન બંને સગીરાઓને બુરખો પહેરેલી હાલતમાં શોધી કાઢી હતી. બે દિવસ પહેલાં પ્રકાશમાં આવેલી આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે.આ સમગ્ર ઘટનાને લઈને આજે પોલીસે વિધિવત પ્રેસ કોન્ફરન્સ યોજી તપાસની વિગતો જાહેર કરી હતી. દરમિયાન આ પ્રકરણને લગતો આશરે છ મિનિટનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં ધોરણ-8માં અભ્યાસ કરતી એક સગીરાએ આરએસએસના એક આગેવાન સમક્ષ સમગ્ર ઘટનાક્રમની વિગતો જણાવી હોવાનું સામે આવ્યું છે.વીડિયોમાં સગીરાના જણાવ્યા અનુસાર, તેની એક બહેનપણીનું હિન્દુ નામ બદલીને ’કાજી નાયરા’ રાખવામાં આવ્યું હતું. તેમજ ઉનાવા ગામની દાતાર બાપુની દરગાહમાં બંને સગીરાઓને ત્રણ દિવસ સુધી રાખવામાં આવી હતી. આ દરમિયાન કલમા પઢાવવામાં આવ્યા હોવા અને બુરખો પહેરાવવામાં આવ્યો હોવાનો પણ સગીરાએ આક્ષેપ કર્યો છે.
બે સગીરાઓને કોડીનારથી ઉનાવા સુધી કોણ અને કઈ રીતે લઈ ગયું? આ સમગ્ર ઘટનામાં અન્ય કેટલા લોકોની ભૂમિકા છે? નામ બદલવા અને ધર્મ પરિવર્તન સંબંધિત પ્રક્રિયામાં કોણ કોણ સામેલ હતું? તેમના લગ્ન કરાવવાની પણ શક્યતા નકારી શકાતી નથી સહિતના અનેક સવાલોના જવાબ મેળવવા પોલીસ તપાસ કરી રહી છે. જઈંઝની રચના બાદ હવે આ પ્રકરણની તપાસ વધુ વ્યાપક બનવાની શક્યતા છે. હાલ ત્રણેય આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર થતાં પોલીસ દ્વારા સમગ્ર ઘટનાના મૂળ સુધી પહોંચવા તપાસ હાથ ધરવામાં આવી છે.
