શેરબજારમાં સતત ત્રણ દિવસ સુધી તેજી રહ્યા બાદ ફરી એકવાર મોટો કડાકો બોલાઈ ગયો હતો. ગઈકાલે અમેરિકી શેરમાર્કેટમાં ઘટાડા સાથે બંધ થયા બાદ આજે સવારથી જ એશિયાના માર્કેટો દબાણમાં ખુલ્યા હતાં. અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ફેડરલ રિઝર્વના વ્યાજના નિર્ણયો પહેલા રોકાણકારોમાં સાવચેતીનું વલણ જોવા મળતા આજે ભારતીય શેરબજાર પણ તુટ્યુ હતું.
ગઈકાલે 80,234ના લેવલ પર બંધ થયેલ સેન્સેક્સ આજે શરૂઆતના અડધો કલાક સુધી 200 પોઈન્ટની મજબુતી સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. પરંતુ 10:30 વાગ્યા બાદ ભારે વેચવાલીથી શેરબજારમાં ઉંચા મથાળેથી 1529 અંકનો કડાકો નોંધાયો હતો. આજે સેન્સેક્સે ફરી 79,000ની સપાટી તોડી 78,918 સુધી લો બનાવી હતી. નિફ્ટી ગઈકાલના 24,274ના બંધ સામે આજે ફ્લેટ ખુલી હતી. શરૂઆતના સેશનમાં નિફ્ટીમાં 71 પોઈન્ટ જેવો વધારો નોંધાયા બાદ બપોરે 11 વાગ્યા બાદ વેચવાલી હાવી થતાં નિફ્ટીમાં આજે 400 પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો.
ભારતીય શેરબજારમાં આ કડાકો વૈશ્વિક માર્કેટમાં ઘટાડાની અસરને કારણે થયો છે. ગઈકાલે અમેરિકન બજાર કડાકા સાથે જ બંધ થયા હતા. તેની અસર સેન્સક્સે અને નિફ્ટી પર દેખાઈ હતી.