રૂચાબેન ભટ્ટ તેમના સ્ટુડન્ટ સાથે છેલ્લા 25 વર્ષથી શિવજીની જ સ્તુતિઓ પ્રસ્તુત કરી પોતાની કલા તેમના ચરણોમાં અર્પણ કરે છે
શાસ્ત્રીય નૃત્ય કરનાર વ્યક્તિ ઊઠે, બેસે કે વાત કરે તો તેનામાં કલાની આભા આવવી જોઈએ: રૂચા ભટ્ટ
અમદાવાદમાં ભરતનાટ્યમ નૃત્ય શીખવતી સંસ્થાનો કાર્યક્રમ જોવા 55 વર્ષથી મોટી ઉંમરના એક બહેન આવે છે. એક પછી એક પ્રસ્તુતિ જોઈને તેઓને નાનપણમાં શીખેલ ભરતનાટ્યમની મુદ્રાઓ યાદ આવવા લાગી,ભરતનાટ્યમ સાથેની લાગણીઓ તાજી થઈ ફરી શીખવાનો વિચાર કર્યો પણ મનમાં પ્રશ્ન હતો કે, “આ ઉંમરે હું શીખી શકીશ?” એ પ્રશ્નના જવાબમાં સંસ્થાના સંચાલક, નૃત્ય કલાકાર બહેને જણાવ્યું કે કલા શીખવા માટે કોઈ ઉંમરની મર્યાદા હોતી નથી. આમ ફરી નૃત્ય સાધનામાં જોડાઈને 57 વર્ષની ઉંમરે પેલા બહેને આરંગેત્રમ પૂર્ણ કર્યું,જેની નોંધ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાઈ છે. એ મહિલાને આગળ આવવા પ્રોત્સાહન પૂરું પાડનાર એ કલાગુરુ એટલે અમદાવાદના નૃત્ય સંગીતમાં 40 વર્ષથી પ્રવૃત્ત અને અનેક એવોર્ડ પ્રાપ્ત કરનાર રુચા ભટ્ટ. દક્ષિણ ભારતની નૃત્યકલા આજે ગુજરાતમાં પણ એટલી જ લોકપ્રિય છે. ભરત નાટ્યમને પ્રસિધ્ધ બનાવવા અનેક કલા ગુરુનો ફાળો છે જેમાંના એક છે રુચાબેન ભટ્ટ.
મુંબઈમાં જન્મ અને બીએ સુધીના અભ્યાસ સાથે ભરતનાટ્યમમાં માસ્ટર તથા અલંકાર કર્યું.પિતાજી અને દાદા બંનેને સંગીતમાં રસ હતો એટલે ઘરમાં પણ કલારસિક, જાણીતા કલાકારોના કાર્યક્રમ યોજાતા.આ સમયે નાની દીકરી રુચાના પગ સંગીતના તાલે થીરકતા. કંઈ શીખ્યા વગર દીકરીની નૃત્ય અને સંગીત પ્રત્યેની સૂઝ જોઈને સ્વજનો, મિત્રોએ વ્યવસ્થિત તાલીમ લેવા માટે સૂચન કર્યું. નાનપણથી નૃત્ય તો ગમતું જ હતું એવામાં ઈલાક્ષીબેન ઠાકોરને ત્યાં પદ્ધતિસરની તાલીમ શરૂૂ થઈ.નૃત્યની સાથે સાથે તેઓએ નાટકમાં કામ કર્યું અને મોડેલિંગ પણ કર્યું. એ સમયે કોઈ સમજ નહોતી પરંતુ જેમ જેમ કામ આવતું ગયું તેમ શીખતા ગયા.
ઉંમર થતાં લગ્ન થયા,ત્યાં પણ નૃત્ય અને સંગીત પ્રત્યેનો રસ જળવાઈ રહ્યો.સસરા બાંસુરી વગાડતા અને પરિવારને પણ કલા પ્રત્યે રસ હતો. લગ્ન બાદ નૃત્યની યાત્રા ચાલુ રાખવામાં સૌથી મોટો ફાળો પતિ મયંક ભાઈ ભટ્ટનો છે.લગ્ન કરીને આવ્યા ત્યારે સાસુ સસરા સહિત સંયુક્ત કુટુંબ હતું.લગ્ન પછી દીકરા-દીકરીના જન્મ બાદ નૃત્ય અને પરિવારની જવાબદારી એમ બંને ગાડી પેરેલલ ચાલતી રહી.તેઓ જણાવે છે કે, “ઘર પરિવારની પ્રાયોરિટી મારા માટે વધુ મહત્ત્વની હતી તેથી પરિવારની સંભાળ રાખવા સાથે જે કંઈ નૃત્ય પ્રવૃત્તિ થાય તે જ કરતી,આમ ઘરે ક્લાસીસ શરૂૂ કર્યા.જેને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો. સમજ સાથે નૃત્ય કરવા અને નિપૂણતા મેળવવા માટે વિમલાબેન પાર્થ સારથી પાસે કર્ણાટકી સંગીત પણ શીખ્યું.આ બધા વચ્ચે જીવનના ત્રણ દાયકા ક્યાં જતા રહ્યા ખબર પણ ન પડી પરંતુ આજે જીવન પ્રત્યે સંતોષ છે.લોકોનો પ્રેમ અને ઇશ્વરના આશીર્વાદ માગ્યા વગર મળ્યા છે તેની ખુશી છે.”
છેલ્લા 40 વર્ષથી સ્ટેજ સાથે સંકળાયેલા રૂચાબેને 35,000 થી વધુ શિષ્યો તૈયાર કર્યા છે.શાસ્ત્રીય નૃત્ય સાથે ગરબા અને લોકનૃત્યની પરંપરા પણ તેઓએ જીવંત રાખી છે.તેઓને ગુજરાત ગૌરવ પુરસ્કાર સહિત અનેક એવોર્ડ વડે સન્માનિત કરવામાં આવ્યા છે.ગુજરાતના જાણીતા દૈનિક ન્યૂઝ પેપર દ્વારા 100 પાવરફુલ પર્સનાલિટી નો કોફી ટેબલ બુકમાં સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં એક છે રૂચાબેન.22014થી નેશનલ કલાસિકલ ડાન્સ ફેસ્ટિવલનું આયોજન કરે છે જેમાં ગુજરાતના સ્થાનિક તેમજ ભારતનાં વિવિધ રાજ્યોમાંથી નૃત્યકારો આવી નૃત્ય પ્રસ્તુતિ કરે છે.આજે નૃત્ય અને કલા જગતમાં તેમનું આગવું નામ છે ત્યારે તે પોતાની સફળતાનો શ્રેય પતિ મયંક ભટ્ટ, પરિવારજનો તેમજ ગુરુ ઇલાક્ષીબેન ઠાકોર, ગુરુ ભાસ્કર મેનન, તેમજ ગુરુ વિમલાબેન પાર્થ સારથીને આપે છે. “નિયમિત બે કલાક પ્રેક્ટિસ કરતા રૂૂચા ભટ્ટ જણાવે છે કે ફક્ત નૃત્ય કરવાથી કામ પતી જતું નથી પરંતુ વાંચન જરૂૂરી છે રિસર્ચ વર્ક જરૂૂરી છે. આ વિશાળ સમુદ્ર છે જેમાં ડૂબકી મારી મોતી શોધવાના છે” તેમને પોતાના જીવનથી ખૂબ જ સંતોષ છે છેલ્લા શ્વાસ સુધી નૃત્યને વળગી રહેવાની અને સારી વસ્તુ નવી પેઢી સુધી પહોંચે તે તેમની ઈચ્છા છે.રૂચાબેન ભટ્ટને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
પરફોર્મિંગ સિવાય નૃત્ય ઘણું બધું શીખવે છે
શાસ્ત્રીય નૃત્ય માટે તેઓનો લગાવ અલગ જ છે.તેઓ જણાવે છે કે, “ક્યારેક ક્યાંય અટવાયા હોય કે કોઈ ટેન્શન હોય તો નૃત્યના શરણે જવાનું ગમે છે. જીવન પ્રત્યે ખૂબ સંતોષ છે. નૃત્ય એક મુક્ત કલા છે જેને ઉંમરનો બાધ નડતો નથી. કલા અંદરથી આવે છે. કોઈ વ્યક્તિ ઊઠે, બેસે કે વાત કરે તો તેનામાં કલાની આભા આવવી જોઈએ. નૃત્ય પરફોર્મિંગ સિવાય ઘણું બધું શીખવે છે. વિદ્યા એ ગોખવાની વસ્તુ નથી સમજીને કરવાની જરૂૂર છે ફક્ત સર્ટિફિકેટ માટે કલા શીખો તે યોગ્ય નથી. જીવનના ખૂબ મહત્ત્વના વર્ષો તમે ગુરુને આપો છો તો તેમાં ફક્ત કલા નહીં પરંતુ માનસિક અને આધ્યાત્મિક પ્રગતિ પણ થતી હોય છે.”
વિશેષ રચનાઓ…શિવજીના ચરણોમાં
છેલ્લા 25 વર્ષથી દર વર્ષે મહાશિવરાત્રીએ યોજાતા વિશેષ કાર્યક્રમમાં પાંચ વર્ષના સ્ટુડન્ટ થી લઈને તેઓ પોતે ભાગ લે છે આ બાબત તેઓએ જણાવ્યું કે, “ભરતનાટ્યમના આરાધ્ય નટરાજ શિવનું સ્વરૂૂપ છે. શિવ અને પાર્વતીમાંથી નૃત્યનો પ્રારંભ થયો છે તેથી આ નૃત્ય કલા શિવને સમર્પિત કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરીએ છીએ. મહાશિવરાત્રીના પાવન દિવસે ફક્ત શિવની જ સ્તુતિ સાથે તેઓ નૃત્ય રજૂ કરે છે.નવરંગપુરા કામનાથ મંદિર દ્વારા આ કાર્યક્રમની ખૂબ જ સરાહના થઈ ત્યારથી આ કાર્યક્રમ કામનાથ મંદિરના પ્રાંગણમાં જ યોજાય છે. જેમાં શિવના સ્તોત્ર, બિલ્વાષ્ટકમ, શિવનું મહાત્મય વગેરેથી લઈને દરેક રચનાઓ શિવજીને સમર્પિત કરવામાં આવે છે. આ વર્ષે પણ 65 જેટલા કલાકારો ભાગ લેવાના છે.” જેમાં દરેક વ્યક્તિ પોતાની નૃત્યની સાધના શિવને અર્પણ કરી શિવમય બનશે.
Wrriten By; Bhavna Doshi