આંદામાન અને નિકોબાર ટાપુની નજીક સમુદ્રની સપાટી પર હાલમાં વાદળોનું સામ્રાજ્ય અને પવનોના વેગમાં ઘણો ફેરફાર જણાઇ રહ્યો છે. આ લક્ષણો જલદીથી ચોમાસું બેસે એવા જણાઇ રહ્યા છે. સામાન્ય રીતે મોસમી વરસાદ મેના બીજા કે ત્રીજા અઠવાડિયામાં આ ભાગમાં દાખલ થાય છે, પરંતુ આ વખતે એક અઠવાડિયું પહેલા દાખલ થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે, એમ હવામાન સંબંધિત નિષ્ણાતોનો મત છે.
નિકોબાર ટાપુ પર મોસમી વરસાદ ક્યારે દાખલ થાય છે તેના પર ભારતના નૈઋત્યના મોસમી પવનોની પ્રગતિ, વેગ, સમય અને વરસાદનો અંદાજ લગાવવામાં આવે છે. નિકોબાર ટાપુ પર મોસમી વરસાદ સામાન્ય રીતે 15મી મેની આસપાસ દાખલ થાય છે.
ભારતમાં મોસમી વરસાદ સૌથી પહેલા અહીં જ આવે છે.
આ વખતે અહીં 10મી મેના રોજ મોસમી વરસાદ દાખલ થવાનો અંદાજ છે. આ અગાઉ 17 વર્ષ પહેલા 2007 અને 2008માં 10મી મેના રોજ નિકોબારમાં મોસમી વરસાદ પડવાની શરૂૂઆત થઇ હતી. અહીં 3000-3800 મિલિમીટર વરસાદ પડે છે, જે દેશના અન્ય ભાગની સરખામણીમાં વધુ છે.
છેલ્લા કેટલાક દિવસથીમાં હવામાનમાં બહુ મોટો ફેરફાર જણાઇ રહ્યો છે. એપ્રિલમાં દેશના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો હતો. હવે મે મહિનાની શરૂૂઆતમાં હવામાન વિભાગે નવી આગાહી કરી છે જે અનુસાર આગામી 24 કલાકમાં રાજ્યના કેટલાક ભાગમાં હવામાનમાં ફેરફાર થવાની શક્યતા છે જેમાં પુણે, મુંબઈ શહેર તથા પરાં વિસ્તારના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાઇ શકે છે.
આ સિવાય વિદર્ભનું અકોલા સૌથી ગરમ શહેર બન્યું છે. મરાઠવાડાનું તાપમાન વધવાની શક્યતા છે. મેની શરૂૂઆતમાં મુંબઈમાં આકાશ સ્વચ્છ રહેશે, પણ હીટવેવની કોઇ ચેતવણી નથી. મરાઠવાડામાં કેટલીક જગ્યાએ તાપમાન વધેલું હશે જ્યારે ધારાશિવ, લાતુર, નાંદેડમાં વાદળિયું વાતાવરણ રહેશે અને વરસાદના ઝાપટાં પણ પડી શકે છે. ઉત્તર કોંકણને બાદ કરતા અન્ય જિલ્લામાં હીટવેવની ચેતવણી છે.
