અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ મંત્રણા ઘોંચમાં પડી છે તેથી ટેન્શન વધ્યું છે ત્યારે અમેરિકન પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે નવો ફણગો ફોડયો છે કે ઇરાન ઇઝરાયલ સાથે અબ્રાહમ એકોર્ડ કરી શકે છે. ડોનલ્ડ ટ્રમ્પે સઉદી અરેબિયા, કતાર, તૂર્કી, ઈજિપ્ત, જોર્ડન, પાકિસ્તાન સહિતના ટોચના મુસ્લિમ દેશોને અબ્રાહમ એકોર્ડ પર સહી કરવા વિનંતી કરેલી. બીજા દેશોએ તો જવાબ આપ્યો નથી પણ પાકિસ્તાને ઘસીને ના પાડી દીધી છે. ટ્રમ્પે ઈરાન ઈઝરાયલ સાથે કરાર કરશે એવો દાવો કર્યો છે પણ ઇરાને ટ્રમ્પના દાવાનો કોઈ જવાબ આપ્યો નથી. ટ્રમ્પ સફેદ જૂઠ બોલવા પંકાયેલા છે અને આંખનું મટકુંય માર્યા વિના પૂરા આત્મવિશ્વાસથી ગમે તેવું જૂઠાણું ચલાવી શકે છે એ જોતાં ટ્રમ્પની વાતમાં કેટલો દમ છે એ ખબર નથી પણ ખરેખર ટ્રમ્પની વાત સાચી હોય તો આ બહુ મોટી ઘટના કહેવાય કેમ કે અત્યારે ઈઝરાયલ આકરા પાણીએ છે ને ઈરાન સામે હુમલા બંધ કરવા તૈયાર નથી. આ માહોલમાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે કરાર થાય બહુ મોટું આશ્ચર્ય કહેવાય.
મિડલ ઈસ્ટમાં અત્યારે મુસ્લિમોની બહુમતી છે. યહૂદીઓ ઈઝરાયલ પૂરતા મર્યાદિત છે જ્યારે ખ્રિસ્તીઓની વસતી બહુ નથી પણ વિશ્વમાં ખ્રિસ્તીઓ બહુમતીમાં છે. અબ્રાહમને નામે થયેલા કરારને બધા સ્વીકારશે એ આશામાં ટ્રમ્પે અબ્રાહમ એકોર્ડની જાહેરાત કરાવેલી પણ આરબ દેશોને અત્યાર સુધી તેમાં રસ પડયો નથી. ઈઝરાયલ અબ્રાહમ એકોર્ડમાં એક પક્ષકાર છે જ્યારે બીજા પક્ષકાર તરીકે અલગ અલગ આરબ રાષ્ટ્રો હશે. મતલબ કે આ દ્વિપક્ષી કરાર છે અને અત્યાર લગીમાં સંયુક્ત આરબ અમીરાત (યુએઈ), બહેરીન અને મોરોક્કો એ ત્રણ મુસ્લિમ દેશોએ જ અબ્રાહમ એકોર્ડ પર સહી કરી છે. તેમાં પણ ઈરાને હુમલા કરતાં બહેરીન અને યુએઈએ તેની સાથેના રાજદ્વારી સંબંધો તોડી નાખ્યા છે તેથી હવે માત્ર મોરોક્કો અને ઈઝરાયલ વચ્ચે જ અબ્રાહમ એકોર્ડ છે. મુસ્લિમ દેશો આ કરારથી દૂર ભાગે છે તેનાં કારણ સમજવા જેવાં છે.
આ કરારમાં ઈઝરાયલ સાથે મુસ્લિમ દેશો ભાઈચારાથી રહે ને શાંતિથી વર્તે તેના સિવાય બીજું કશું નથી છતાં મુસ્લિમ રાષ્ટ્રો તૈયાર નથી તેનું કારણ મુસ્લિમો અને યહૂદીઓની એકબીજા માટેની નફરત છે. મુસ્લિમોનો બહુમતી વર્ગ ઈઝરાયલ સાથે હાથ મિલાવનારા દેશને ગદ્દાર માને છે તેથી મુસ્લિમ રાષ્ટ્રોનો જે પણ શાસક અબ્રાહમ એકોર્ડ પર સહી કરે તેનું તપેલું ચડી જાય. ટ્રમ્પે અત્યારે ઈરાન અબ્રાહમ એકોર્ડ્સમાં જોડાશે એવો દાવો કર્યો એ વાત માનવામાં નથી આવતી તેનું કારણ પણ ઈઝરાયલ માટેની નફરત છે. ઈરાન તો ઈઝરાયલ સામે યુદ્ધ કરી રહ્યું છે તેથી તેની નફરત તો વધારે છે. ભૂતકાળમાં મુસ્લિમ દેશોએ ઈઝરાયલને માન્યતા આપી ત્યારે પણ ઈરાને તેમને પેલેસ્ટાઈનનાં લોકો સાથેની ગદ્દારી ગણાવી હતી. હવે એ જ ઈરાન પોતે ગદ્દારી કરવા તૈયાર થઈ જાય એ વાત માન્યામાં નથી આવતી.
