ઘુંઘરુંનો રણકાર ઉંમરને હરાવી કરે છે સ્વપ્નાઓ સાકાર

ઉંમરના ચાર-પાંચ દાયકા પછી અનેક અવરોધો વચ્ચે પણ નૃત્યકલા દ્વારા તેઓએ પોતાના જીવનમાં મેળવ્યો છે આનંદ અને આત્મવિશ્વાસ કોઈએ દીકરીને જોઈને,કોઈકે સમય પસાર કરવા,તો કોઈકે…

ઉંમરના ચાર-પાંચ દાયકા પછી અનેક અવરોધો વચ્ચે પણ નૃત્યકલા દ્વારા તેઓએ પોતાના જીવનમાં મેળવ્યો છે આનંદ અને આત્મવિશ્વાસ

કોઈએ દીકરીને જોઈને,કોઈકે સમય પસાર કરવા,તો કોઈકે બાળપણનું સ્વપ્ન સાકાર કરવા શરૂ કરી શાસ્ત્રીય નૃત્યની આરાધના

કોઈ વાત, વિચાર કે પછી લાગણીની લયબદ્ધ, સંગીતમય પ્રસ્તુતિ એટલે નૃત્ય. નૃત્યના ઇતિહાસ વિશે જાણવા મળ્યું નથી પરંતુ આદિ માનવથી લઈને આજ સુધી મનુષ્ય,પશુ,પંખી પોતાની લાગણી વ્યક્ત કરવા માટે ચોક્કસ રીતે,લયમાં હલનચલન કરે તે નૃત્ય ગણવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં દરેક પ્રદેશનું નોખું-અનોખું નૃત્ય છે. દરેક પ્રદેશની કલા અને સંસ્કૃતિ નૃત્યમાં વ્યક્ત થાય છે. ભારત દેશની વાત કરીએ તો નૃત્ય દ્વારા દરેક રાજ્યની પોતિકી કલા અને સંસ્કૃતિ પ્રદર્શિત થાય છે. શાસ્ત્રીય નૃત્યથી લઈને પાશ્ચાત નૃત્ય સુધી નૃત્યના અનેક પ્રકાર છે. કોઈપણ ઉંમરની વ્યક્તિ ખુશી અને લાગણી વ્યક્ત કરવા નૃત્ય કરે છે.

ફિલ્મી ગીતો, લોકગીત,લોકસંગીત,રાસ, ગરબા અને શાસ્ત્રીય રાગો પર પણ નૃત્ય કરવામાં આવે છે. શાસ્ત્રીય નૃત્યના અનેક પ્રકાર છે જે શીખવું કઠિન મનાય છે અને સફળતા મેળવવા તે વર્ષોની સાધના માગી લે છે. ઉડાન કોલમ દર સપ્તાહે મહિલાઓની વાત લઈને આવે છે ત્યારે આજે ’વર્લ્ડ ડાન્સ ડે’ અંતર્ગત એવી મહિલાઓની વાત કે જેમણે ઉંમરના ચાર-પાંચ દાયકા પછી પરિવાર, નોકરી, બાળકોની જવાબદારી નિભાવવા સાથે શાસ્ત્રીય નૃત્યની શરૂૂઆત કરી.અનેક અવરોધો, મુશ્કેલીઓ વચ્ચે પણ ઘુંઘરુંના રણકાર દ્વારા તેઓએ પોતાના જીવનમાં આનંદ અને આત્મવિશ્વાસ અને મેળવ્યો છે.

નૃત્યએ આપી જીવનને નવી દિશા
ગત વર્ષ મલેશિયા ખાતે ટીમ સાથે ફોક ડાન્સ પર્ફોર્મ કરનાર આરતીબેન આનંદભાઈ જોષીએ લગ્નના 24 વર્ષ પછી દિયરની બંને દીકરીઓને કથ્થક નૃત્ય કરતી જોઈને પોતે પણ પરમ કથ્થક ડાન્સ એકેડેમીના કલા ગુરુ પલ્લવીબેન વ્યાસ પાસે નૃત્ય શીખવાનું શરૂૂ કર્યું. લગ્ન પછી સંતાન પ્રાપ્તિ ન થતાં માનસિક અને શારીરિક તકલીફો આવી.નિરાશા અને હતાશા વચ્ચે પરિવારના સભ્યોએ કંઈક પ્રવૃત્તિ કરવાનું સૂચન કર્યું અને તેઓએ નૃત્ય પસંદ કર્યું. આ બાબત તેઓ પોતાનો અનુભવ જણાવે છે કે શરૂૂમાં નૃત્ય કરવું કઠિન લાગ્યું હતું.પગ દુખે,કંઈ સમજાય નહીં પરંતુ પલ્લવીબેનનું પ્રોત્સાહન એટલું બધું હતું કે આજે મધ્યમા પ્રથમ સુધી પહોંચી છું. નૃત્ય કરવાથી મન પ્રફુલ્લિત રહે છે,સ્વાસ્થ્ય સારું રહે છે, મનમાં આત્મવિશ્વાસ જાગ્યો છે અને જીવનને જાણે એક દિશા મળી હોય તેવું અનુભવાય છે.મેં જે કાંઈ મેળવ્યું છે તેમાં પરિવારનો સાથ,કલા ગુરુ પલ્લવીબેન જોશીનું પ્રોત્સાહન અને આધ્યાત્મિક ગુરુ પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના આશીર્વાદ ખૂબ મહત્વના છે.

બંને દીકરીઓ સાથે તાલ મિલાવે છે માતા

છેલ્લા 16 વર્ષથી પીજીવીસીએલમાં જુનિયર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા પૂર્વાબેન અંકુરભાઈ જીકાર સ્તુતિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પર્ફોર્મિંગ આર્ટમાં ક્લાગુરુ મીરાબેન નિગમ પાસે ભરતનાટ્યમ્ શીખે છે.તેઓ જણાવે છે કે નાનપણથી જ નૃત્યમાં રસ હતો. એ સમયે થોડા સમય ભરતનાટ્યમ શીખ્યુ પણ બોર્ડની પરીક્ષાના કારણે નૃત્ય છૂટી ગયું.લગ્ન પછી દીકરીઓનો જન્મ અને પરિવારની જવાબદારી હતી.દીકરીઓ થોડી મોટી થતાં એમની સાથે મેં પણ ભરતનાટ્યમ્ શરૂૂ કર્યું.2021માં કોવિડના સમયમાં સાસુના અવસાન બાદ ઘર,પરિવારની જવાબદારી,જોબ અને ડાન્સ કલાસ બધું મેનેજ કરવું અઘરું હતું છતાં પરિવારના સહયોગથી એ સમય પણ પસાર થઈ ગયો.નૃત્યમાં જોડાયા બાદ વ્યસ્ત જીવનમાં આવતા તણાવથી ખૂબ જ રાહત અને ખુશી અનુભવાય છે. કંઈક નવું કરવાનો આનંદ થાય છે. કોઈપણ ઉંમરે કંઈ પણ નવું શીખી શકાય છે.મારી આ સફરમાં મારા પતિ અને સાસુ-સસરા તેમજ બંને દીકરીઓ અને ગુરુ મીરાબેન નિગમનો સાથ ખૂબ મહત્વનો છે.

58 વર્ષની ઉંમરે પૂર્ણ કર્યું આરંગેત્રમ્
જાગૃતિબેન પંકજભાઈ મહેતાએ 15 વર્ષની ઉંમરે રાષ્ટ્રીય શાળામાં શિનોય સર પાસે નૃત્ય શીખવાનું શરૂૂ કર્યું હતું અને અત્યારે 58 વર્ષની ઉંમરે તાંડવ નર્તન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્લાસિકલ ડાન્સના કલાગુરુ જીગ્નેશભાઈ સુરાણી અને ક્રિષ્નાબેન પાસે આરંગેત્રમ્ પૂર્ણ કર્યું છે.નૃત્ય તરફ પોતાના લગાવ બાબત તેઓએ જણાવ્યું કે ફિલ્મોમાં વૈજન્તીમાલા, હેમામાલીનીને નૃત્ય કરતા જોઈને મને પણ અર્થપૂર્ણ નૃત્ય શીખવામાં રુચી જાગી.લગ્ન પછી ઘરની જવાબદારી, સામાજિક વ્યવહાર વગેરે સાથે નૃત્ય કરવું અઘરું લાગતું.શાસ્ત્રીય નૃત્યની સમજ ના અભાવના કારણે સારા નરસા અનુભવો પણ થયા આમ છતાં જ્યારે આરંગેત્રમ્ સુધી પહોંચી ત્યારે પરિવાર સહિત દરેકે પ્રશંસા કરી અને પ્રોત્સાહન આપ્યું.તેઓ માને છે કે નૃત્ય એક સાધના છે. ભાવ અને લાગણીઓ તમે નૃત્ય દ્વારા પ્રસ્તુત કરી શકો છો.પોતાની આ સફર માટે તેઓ ગુરુજનો અને પરિવારજનોનો આભાર માને છે.

કોઈપણ ઉંમરે શરૂ કરી શકાય ગમતી પ્રવૃત્તિ

દીકરીને નૃત્યના ક્લાસમાં મૂકવા જતાં અને તેની રાહમાં બહાર બેસી સમય વેડફવા કરતા, ડાન્સ ક્લાસમાં જોડાઈને સમયનો સદુપયોગ કરવા હિનાબેન કિરણભાઈ સોજીત્રાએ દીકરી સાથે નૃત્ય શરૂૂ કર્યું. છેલ્લા 12 વર્ષથી તેઓ તાંડવ નર્તન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્લાસિકલ ડાન્સના કલાગુરુ જીગ્નેશભાઈ સુરાણી અને ક્રિષ્નાબેનના માર્ગદર્શન હેઠળ નૃત્ય સાધના કરી રહ્યા છે.તેઓએ જણાવ્યું કે મેં અને દીકરી જિયાએ વિષારદ પૂર્ણ કર્યું છે. જિયાને મળેલી તક ઝડપીનેNational institution of dram અને ઘણા પ્રખ્યાત નાટક ભજવ્યા અને શ્રેષ્ઠ અભિનેત્રીના એવોર્ડ પણ જીતેલ છે.રમત રમતમાં શરૂૂ કરેલ નૃત્યની પ્રવૃત્તિ એ હૃદયનો આનંદ,આત્મસંતોષ અને જીવનની સુંદરતા આપી છે. સંયુકત કુટુંબની જવાબદારી, દીકરીને લેવા-મૂકવાની જવાબદારી સાથે મારી પ્રેકટિસ સાથે ધન્યવાદ તો મારા 7 વર્ષના બીજા બાળકનો કે જે ક્લાસમાં સાથે આવે ને ત્યાં રમ્યા કરે. મારાથી પ્રોત્સાહિત થનાર લોકોને માર્ગદર્શન આપું છું અને સૌને એટલું જ કહેવાનું કે ગમતી પ્રવૃત્તિ શરૂૂ કરવા માટે કોઈ ઉંમર નડતી નથી.

દાદી બન્યા પછી પણ નૃત્યની સફર છે અવિરત

45 વર્ષની ઉંમરે જ્યારે માતા-પિતાનું ઘર શિફ્ટ થઈ રહ્યું હતું ત્યારે બાળપણના મારા ઘુંઘરું બતાવીને માતાએ ’આનું શું કરવું છે’? એમ પૂછયું ત્યારે ફરી એકવાર નૃત્ય કરવા મારા પગ થિરકવા લાગ્યા. આ શબ્દો છે 63 વર્ષના પ્રીતિબેન રણજીતભાઈ લાલચંદાનીના.જેઓ સીએ છે, બેડમિન્ટનમાં નેશનલ લેવલ સુધી રમ્યા છે તેમજ ફિઝિકલ ફિટનેસ માટે ખૂબ મહેનત કરે છે. શાસ્ત્રીય નૃત્ય શરૂૂ કરવા માટે તેઓએ સ્પંદન ડાન્સ એકેડેમીના કલાગુરુ દંપત્તી ડો.નિખીલભાઈ ભટ્ટ અને દિવ્યાબેન ભટ્ટનો સંપર્ક કર્યો જ્યાં નાનપણમાં તેની દીકરી કથ્થક શીખતી હતી. હાલ તેઓ અમેરિકા છે અને 9 મહિનાના પૌત્રની સંભાળ રાખી રહ્યા છે. તેઓએ જણાવ્યું કે કોઈપણ કાર્યમાં મુશ્કેલી તો આવશે. મારા જીવનમાં પણ સાસુની બીમારી, માતાની અલઝાઇમરની બીમારી તેમજ બીજા પણ અનેક બનાવો આવ્યા છતાં સફર ચાલુ જ રહી. જે પણ કરો તેમાં ફોકસ રહીને કરશો તો સફળ જરૂૂર થશો. પોતાની આ યાત્રા માટે તેઓ પોતાના પરિવાર અને ખાસ કલાગુરુ દંપતીનો આભાર માને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *