ભાજપમાં સત્તાની ‘રેસ’ શરૂ: એક જૂથે આનંદીબેનના નામે ‘ખેલ’ પાડયો, બીજા જૂથે ‘કોળી’ના નામે કુકરી ગાંડી કરી

વડાપ્રધાનની ગુજરાત મુલાકાત બાદ શરૂ થયા રાજકીય દાવપેચ, રાજ્યની સૌથી બે મોટી જ્ઞાતિને સામ-સામે મુકી ‘ત્રીજા’ને ગોઠવવાનો ખેલ? અનાર પટેલની સામાજિક ‘સેવા’ માટે સંસ્થાઓમાં એન્ટ્રી…

વડાપ્રધાનની ગુજરાત મુલાકાત બાદ શરૂ થયા રાજકીય દાવપેચ, રાજ્યની સૌથી બે મોટી જ્ઞાતિને સામ-સામે મુકી ‘ત્રીજા’ને ગોઠવવાનો ખેલ?

અનાર પટેલની સામાજિક ‘સેવા’ માટે સંસ્થાઓમાં એન્ટ્રી બાદ આનંદીબેનના હરિફ જૂથે પણ રાજકીય ચોપાટ માંડી

ચૂંટણીના એક વર્ષ પહેલા જ બળીયા જૂથો બાથે વળગ્યા, દિલ્હીથી દોરી સંચારનું ‘રાજકીય બેટલ ફિલ્ડ’ બનતું ગુજરાત, નેતાઓ-કાર્યકરો સેન્ડવીચ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હજુ એક વર્ષની વાત છે ત્યાં 30 વર્ષથી સતાનું સુખ ભોગવતા ભાજપમાં અત્યારથી જ સત્તાની રેસ શરૂ થઇ ગઇ છે અને ગામડાથી માંડી દિલ્હી સુધી વજન ધરાવતા ભાજપના બે જુથો વચ્ચે રાજકીય દાવપેચ અને સોગઠાની ગોઠવણો શરૂ થતા ભાજપના નેતાઓ અને કાર્યકરોની હાલત સેન્ડવીચ જેવી થઇ ગઇ છે.

દરેક ચૂંટણીમાં સતા માટે અલગ- અલગ દાવપેચ ખેલાતા હોય છે તેમાં આ વખતે રાજયની સૌથી બે મોટી જ્ઞાતિ પટેલ અને કોળી સમાજના નામે ભાજપના બે જુથો વચ્ચે સતાની ‘રેસ’ શરૂ થઇ હોય તેવું જણાય છે.
વડાપ્રધાન મોદીએ તાજેતરમાં ગુજરાતની મુલાકાત લઇ બંધબારણે સરકાર અને સંગઠનની બેઠક યોજયા બાદ અચાનક જ રાજકીય ઉથલપાથલ શરૂ થવા માંડી છે. ભાજપના એક જુથે આનંદીબેન પટેલના નામે ખેલ પાડયો છે તો બીજા જુથે કોળી સમાજના નામે ‘કુકરી’ ગાંડી કરી દીધી છે.

પાટીદાર અનામત આંદોલનમાં આનંદીબેન પટેલે મુખ્યમંત્રી પદ ગુમાવ્યા બાદ છેલ્લા કેટલાક સમયથી તેના પુત્રી અનાર પટેલ સામાજિક સંસ્થાઓ સાથે જોડાઇ સમાજસેવામાં સક્રિય થતા તેના અલગ જ રાજકીય અનુમાનો અને અટકળો થવા લાગ્યા હતા.

આ બધાની વચ્ચે નિવૃતિના આરે ઉભેલા મુળ કોંગ્રેસી અને હાલ ભાજપ સરકારના કેબિનેટમંત્રી કુંવરજીભાઇ બાવળીયાના કાર્યક્રમમાન કોળી સમાજને મુખ્યમંત્રી પદ આપવાનો નારો લાગ્યો અને ત્યારબાદ કોળી સમાજના માતાજીના માંડવામાં ભાજપના ધારાસભ્ય પબુભા માણેકે પણ મુખ્યમંત્રી કોળી સમાજના હોવા જોઇએ તેવું જણાવી રાજકીય કુકરી ગાંડી કરી હતી.

આ દરમિયાન ‘પાસ’ના પૂર્વ ક્ધવીનર દિનેશ બાંભણીયાએ અનારબેન પટેલની હાજરીમાં પાટીદાર અનામત આંદોલનના નામે આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદેથી હટાવાયાનો અફસોસ વ્યક્ત કરી રાજકીય તખ્તો ગરમ કરી દીધો હતો.આમ ગુજરાતથી પ્રથમ અને બીજા નંબરની મે મોટી જ્ઞાતિના રાજકીય લોબિંગ શરૂ થયા તેની પાછળ ત્રીજુ જ ગણિત હોવાનું રાજકીય પંડીતો માની રહ્યા છે. કેટલાક રાજકીય નિષ્ણાંતોના કહેવા મુજબ ચૂંટણી પહેલા બે મોટી જ્ઞાતિને સામસામે મુકી ‘ત્રીજા’ને ગોઠવવાનો રાજકીય ખેલ અત્યારથી જ શરૂ થઇ ગયો છે અને આ ખેલનો દોરી સંચાર પણ દિલ્હીથી થતો હોવાનું કહેવાય છે. આગામી દિવસોમાં હજુ નવા-નવા રાજકીય દાવપેચ જોવા મળે તેવી પુરી શકયતા છે.

કોળી સમાજને દરેક ક્ષેત્રે યોગ્ય-મોટુ રાજકીય સ્થાન મળવું જોઇએ: સોલંકી
તાજેતરમાં કોળી સમાજના અગ્રણી નેતાઓ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી પદ તેમજ વિધાનસભાની ચૂંટણીઓમાં વધુ ટિકિટો ફાળવવાની માગ ઉઠાવવામાં આવી છે, જ્યાં મંત્રી પરસોત્તમ સોલંકીએ ધારાસભ્ય પબુભા માણેકના આ નિવેદનને સમર્થન આપીને સમાજને દરેક ક્ષેત્રે મોટું અને યોગ્ય રાજકીય પ્રતિનિધિત્વ મળવું જોઈએ તેવી અપેક્ષા વ્યક્ત કરી છે. પરસોત્તમ સોલંકીએ સ્પષ્ટ કર્યું છે કે કોળી સમાજ સંખ્યાની દૃષ્ટિએ અત્યંત પ્રભાવશાળી અને મોટો વર્ગ હોવાથી તેને દરેક સ્તરે યોગ્ય સ્થાન મળવું અનિવાર્ય છે. તેમણે આગામી વિધાનસભા ચૂંટણીઓમાં સમાજના ઉમેદવારોને વધુ પ્રમાણમાં ટિકિટો ફાળવવાની પણ હિમાયત કરી છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે મુખ્યમંત્રી પદની જાહેરમાં ચર્ચા કરવી તેમને યોગ્ય નથી લાગતી, પરંતુ સમાજનો હક્ક અને મોટું સ્થાન મળવું જ જોઈએ.

કુંવરજી બાવળીયામાં મુખ્યમંત્રી બનવાની લાયકાત : ઋષિભારતી
ઋષિ ભારતી દ્વારા તાજેતરમાં પબુભા માણેકના નિવેદનને ખુલ્લું સમર્થન આપવામાં આવ્યું છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતના ઈખ પદે કોળી સમાજના નેતાની માંગ બિલકુલ વ્યાજબી છે. રાજ્યમાં સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખીને હવે સત્તાના શીર્ષ સ્થાને પણ યોગ્ય પ્રતિનિધિત્વ મળવું જોઈએ. રાજ્યમાં જ્ઞાતિ આધારિત વોટ બેંક અને રાજકીય ભાગીદારી અંગે વાત કરતા ઋષિ ભારતીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કોળી અને ઠાકોર સમાજની વસ્તી ખૂબ મોટી છે અને આશરે 1.30 કરોડ જેટલા મતદારો આ સમાજના છે. તેમ છતાં શાસન કે પક્ષમાં આ સમાજને જોઇએ તેટલા સારા અને વજનદાર મંત્રીપદો આપવામાં આવ્યા નથી. અત્યાર સુધીના ઇતિહાસ પર નજર કરીએ તો સૌથી વધુ ઈખઓ પાટીદાર (પટેલ) સમાજના થયા છે. ઋષિ ભારતીએ દાવો કર્યો છે કે કુંવરજી બાવળિયામાં ગુજરાતના ઈખ બનવાની પૂરેપૂરી લાયકાત અને અનુભવ રહેલો છે.

પાર્ટીને ગાળો આપતા હતા તે આજે ધારાસભ્ય બની ગયા, હાર્દિક ખુલાસો કરે

ખોડલધામના પ્રવકતાની માંગણી
ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ તાજેતરમાં એક નિવેદન આપીને હાર્દિક પટેલને આડેહાથ લીધા છે. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે ભૂતકાળમાં જે લોકો પાર્ટીને ગાળો આપતા હતા, તેઓ આજે ધારાસભ્ય કેમ બની ગયા? સાથે જ, આનંદીબેન પટેલે કેમ રાજીનામું આપવું પડ્યું હતું તે અંગે હાર્દિક પટેલે ખુલાસો કરવો જોઈએ તેમ જણાવ્યું હતું.
આ ઉપરાંત, તેમણે હાર્દિક પટેલને ખાસ ટાંકીને પૂછ્યું હતું કે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કયા સંજોગોમાં અને શા માટે પોતાનું રાજીનામું આપવું પડ્યું હતું? તે બાબતે હાર્દિક પટેલે સ્પષ્ટતા કરવી અનિવાર્ય છે. હસમુખ લુણાગરિયાના આ આક્રમક નિવેદને પાટીદાર સમાજ અને રાજકારણ વચ્ચેના સમીકરણોને ફરી એકવાર ચર્ચામાં લાવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *