વડોદરાની સરકારી સયાજી હોસ્પિટલમાં દર્દીઓ સાથે સ્વજનોને પણ હાલાકી
મધ્ય ગુજરાતના હજારો ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે આશાનું કેન્દ્ર ગણાતી વડોદરાની સરકારી સયાજી (જજૠ) હોસ્પિટલ ફરી એકવાર પોતાની કથળતી વ્યવસ્થા અને બેદરકારીને કારણે વિવાદમાં સપડાઈ છે. હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ માટે પ્રાથમિક જરૂૂરિયાત ગણાતા સ્ટ્રેચર કે વ્હીલચેર જ ગાયબ જોવા મળતા દર્દીઓ અને તેમના સ્વજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
તાજેતરમાં જ સામે આવેલી કાળજું કંપાવનારી ઘટના મુજબ, ગંભીર હાલતમાં હોસ્પિટલ પરિસરમાં પહોંચેલા એક દર્દી માટે તેમના પરિજનોએ ચારેય તરફ સ્ટ્રેચર કે વ્હીલચેર માટે દોડધામ કરી હતી.
જોકે, હોસ્પિટલના કોઈપણ વોર્ડ કે ઘઙઉ પાસે પરિવહનનું એકપણ સાધન ઉપલબ્ધ બન્યું ન હતું. આખરે લાચાર બનેલા પરિજનો પોતાના ગંભીર દર્દીને પીઠ પર ઊંચકીને એક વોર્ડથી બીજા વોર્ડ અને આખરે ઘઙઉ સુધી લઈ જવા મજબૂર બન્યા હતા.
હોસ્પિટલની સુપર સ્પેશિયાલિટીની ઈમેજ વચ્ચે આવા દ્રશ્યો તંત્રની ઘોર અસંવેદનશીલતા ખુલ્લી પાડે છે. સામાજિક કાર્યકરો અને દર્દીઓના સ્વજનો દ્વારા અગાઉ પણ અનેકવાર ઘઙઉ અને અલગ-અલગ વોર્ડની બહાર પૂરતા પ્રમાણમાં સ્ટ્રેચર-વ્હીલચેર મૂકવા માટે લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. આમ છતાં, હોસ્પિટલ પ્રશાસન કોઈ જ નક્કર કામગીરી ન કરતું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.
વડોદરા શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને પડોશી જિલ્લાઓમાંથી મોટી આશા સાથે આવતા ગરીબ દર્દીઓ માટે આ પ્રકારનું વાતાવરણ અત્યંત અમાનવીય સાબિત થઈ રહ્યું છે. વારંવાર ઊભી થતી આ જટિલ સમસ્યા સામે હવે લોકરોષ ચરમસીમાએ પહોંચ્યો છે. લોકોની માગ છે કે હોસ્પિટલ તંત્ર તાત્કાલિક ધોરણે પૂરતી સુવિધાઓ ઊભી કરે જેથી કોઈ સ્વજનને પોતાના દર્દીને આ રીતે ઊંચકીને દોડવું ન પડે.
