ત્રણ વર્ષમાં એક કરોડથી વધુ વેરો ચૂકવતા કરદાતાઓની સંખ્યા એક લાખ વધી
ભારતમાં કરોડપતિઓની સંખ્યામાં ઝડપથી વૃદ્ધિ થઈ રહી છે. છેલ્લા ત્રણ વર્ષમાં એક કરોડથી વધુ વેરો આપતા કરોડપતિઓની સંખ્યામાં એક લાખનો વધારો નોંધાયો છે. તેમા કોવિડ રોગચાળા પછી ટેક્સ ચૂકવનારા લોકોની સંખ્યામાં ઝડપી વૃદ્ધિ થઈ છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં આઇટીઆર રિટર્નનું ફાઇલિંગ પણ વિક્રમજનક સ્તરે પહોંચી જઈને 7.28 કરોડને આંબી ગયું છે.
ઇન્કમ ટેક્સ ફાઈલ કરનારાઓમાં 5.27 કરોડ લોકોએ નવી વેરા પદ્ધતિ પસંદ કરી છે. અહેવાલ મુજબ કરોડપતિ ટેક્સ પેયર્સની સંખ્યામાં થયેલા વધારાનું કારણ શેરબજારમાં તેજી છે. આ સિવાય કેટલીક કંપનીઓએ જબરદસ્ત નફો નોંધાવ્યો તે છે. તેની સાથે વેતનવૃદ્ધિ પણ મહત્ત્વનું કારણ છે.
આ ઉપરાંત કરવેરાના નિયમોમાં ફેરફાર કરવામાં આવતા અને તેને વધુ સરળ કરવાની સાથે તેનો કડક રીતે અમલ કરવામાં આવતા કરોડપતિ કરદાતાઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. જ્યારે પણ કોઈ કરદાતાની આવક અને ચૂકવવામાં આવેલા વેરા વચ્ચે અંતર જોવા મળે છે ત્યારે આવકવેરા વિભાગ તેની સામે નોટિસ જારી કરે છે.
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ ઇન્કમ ટેક્સ વિભાગના આંકડાના આધારે કરદાતાની સંખ્યાને લઈને રિપોર્ટ જારી કર્યો છે. તેમા કરદાતાની સંખ્યા કયા હિસાબે વધી છે તે જણાવવામાં આવ્યું છે. અહેવાલ મુજબ નાણાકીય વર્ષ 2012-13ની તુલનાએ 2013-14માં કરોડપતિ કરદાતાઓની સંખ્યામાં 40 હજારનો વધારો થયો હતો. જ્યારે 2020-21માં કરોડપતિ કરદાતાઓની સંખ્યા 1.20 લાખ સુધી પહોંચી ગઈ. તેના પછીના વર્ષે નવેમ્બરમાં આ સંખ્યા 1.30 લાખ થઈ. આકારણી વર્ષ 2022-23માં કરોડપતિ કરદાતાની સંખ્યા નોંધપાત્ર રીતે વધીને 1,90,000 પહોંચી ગઈ.
