ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત જિલ્લા કલેકટર ડો. મનીષ કુમાર બંસલના વિશેષ અભિગમ હેઠળ શરૂૂ કરાયેલા ’મિશન બાલમન’ પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લાની તમામ મોટી શાળાઓમાં અને કોલેજોમાં કષ્ટબિન મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અનોખા પ્રોજેક્ટનો પ્રારંભ મોરારિ બાપુની વિશેષ ઉપસ્થિતિમાં ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ ખાતેથી કરવામાં આવ્યો હતો.
આ તકે મોરારિ બાપુએ આશીવચન પાઠવતા પદ્મશ્રી દુલા ભાયા કાગના દુહાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, “એક રંગાને ઉજળા, જેને ભીતર બીજી ન ભાત, એને વાલી દવલી વાત, કહેજે દિલની કાગ.” ‘કષ્ટબિન’ પણ એક એવી જ ‘એક રંગી અને ઉજળી’ પહેલ છે, જેમાં વિદ્યાર્થીઓ પોતાની અંદરની વાત નિ:સંકોચ રીતે વ્યક્ત કરી શકે છે.
તેમણે જણાવ્યું કે, અનેક વિદ્યાર્થીઓ સંકોચ, શરમ કે અન્ય કોઈ કારણસર પોતાની મૂંઝવણ કે સમસ્યા માતા-પિતા, વડીલો, શિક્ષકો કે મિત્રો સમક્ષ જણાવી શકતા નથી. તેમના માટે આ ’કષ્ટબિન’ માત્ર એક પેટી નથી, પરંતુ એક માધ્યમ અને એક સંવેદનશીલ વ્યવસ્થા છે. વિદ્યાર્થીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી સમસ્યાઓનું યોગ્ય દોહન કરી નિષ્ણાતો દ્વારા તેનું નિરાકરણ લાવવામાં આવશે. જેના પરિણામે આપણી યુવા પેઢી માનસિક રીતે વધુ સ્વસ્થ અને સશક્ત બનશે.
મોરારી બાપુએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, તમારી જે કોઈ મૂંઝવણ હોય તે આ પેટીમાં આહુતિરૂૂપે નાખજો. આ એક યજ્ઞ છે. તમારી સામે યજ્ઞકુંડ છે અને તેમાં તમારી સમસ્યાઓને નિ:સંકોચ આહુતિ તરીકે અર્પણ કરજો. તેમણે ઉમેર્યું હતું કે, સંકોચ વિના પોતાની સમસ્યાઓ વ્યક્ત કરવામાં આવશે તો તેના પરિણામો જીવનમાં ખૂબ સુંદર આવી શકે છે. આવા સમયે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા હાથ ધરાયેલું આ પગલું એક યજ્ઞ સમાન છે. તેમણે વિદ્યાર્થીઓને પોતાની સમસ્યાઓ નિર્ભયતાથી વ્યક્ત કરવા અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, આ યજ્ઞમાં અર્પણ કરવામાં આવેલી આહુતિનો પ્રસાદ પ્રસન્નતા અને સુખદ જીવનના રૂૂપમાં પ્રાપ્ત થાય તેવી શ્રદ્ધા અસ્થાને નથી.
કલેકટર ડો. મનીષ કુમાર બંસલે જણાવ્યું હતું કે ‘મિશન બાલમન’ અંતર્ગત છેલ્લા એક વર્ષથી ભાવનગર જિલ્લામાં વિદ્યાર્થીઓ સાથે સાયકોલોજિસ્ટ, સાયકિયાટ્રિસ્ટ સહિતના નિષ્ણાતો દ્વારા સંવાદ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન વિદ્યાર્થીઓને પોતાની સમસ્યા કે લાગણી કોઈની સામે વ્યક્ત કરવામાં સંકોચ અનુભવાતો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.લોકો શું વિચારશે તેવા ભયના કારણે સમસ્યા વધુ ગંભીર બનતી હોય છે. આથી વિદ્યાર્થીઓ પોતાની વાત નિસંકોચ રજૂ કરી શકે તે હેતુથી શાળાઓમાં પારદર્શક ’કષ્ટબિન’ મૂકવાનો પ્રયોગ શરૂૂ કરવામાં આવ્યો છે. તેમાં વિદ્યાર્થીઓ પોતાના મનની વાત લખીને રજૂ કરી શકશે.
આ તકે ડો. નિમિત્ત ઓઝાએ ‘કષ્ટબિન’ પહેલને વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને તેમની સમસ્યાઓના નિરાકરણ માટે મહત્વપૂર્ણ માધ્યમ ગણાવતા જણાવ્યું હતું કે, શાળાના આચાર્ય અને શિક્ષકોએ શરૂૂઆતની ચિઠ્ઠીઓ પોતે નાખવી જોઈએ, જેથી વિદ્યાર્થીઓમાં પણ પોતાની સમસ્યા વ્યક્ત કરવાની હિંમત વધે. કષ્ટબિન ખાલી રહે તો વિદ્યાર્થી સંકોચ અનુભવે છે, જ્યારે તેમાં ચિઠ્ઠીઓ વધતી જાય ત્યારે અન્ય વિદ્યાર્થીઓને પણ પોતાની મૂંઝવણ વિદ્યાર્થીના વર્તનમાં રમવાની કે જીવવાની ઇચ્છા ન થવી, ભણવામાં ધ્યાન ન લાગવું, સતત ઉદાસ રહેવું, રડવું કે ભાગી જવાની ઇચ્છા થવી જેવા સંકેતો પાછળ કોઈ સમસ્યા હોઈ શકે છે તેમ જણાવી ડો. ઓઝાએ વાલીઓ અને શિક્ષકોને વિદ્યાર્થીઓને માત્ર માર્ક્સ, પરીક્ષા અને હોમવર્ક અંગે પ્રશ્નો પૂછવાને બદલે તું કેમ છે?, તારો દિવસ કેવો ગયો?, તને કોઈ હેરાન તો નથી કરતું ને? જેવા પ્રશ્નો પૂછવા અનુરોધ કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સંવાદ એ જ સારવાર છે. તેમણે વિદ્યાર્થીઓને અભ્યાસ ઉપરાંત કોઈ એક રમત કે કલા સાથે જોડાયેલા રહેવા પણ અનુરોધ કર્યો હતો, કારણ કે રમત-ગમતથી હાર, નિષ્ફળતા, અસ્વીકાર અને નિરાશાને સ્વીકારવાની ક્ષમતા વિકસે છે. આ કાર્યક્રમમાં રેન્જ આઈ. જી.રાજેન્દ્ર અસારી, નિવાસી અધિક કલેકટર એન. ડી. ગોવાણી, જિલ્લા શિક્ષણાધિકારી હિતેન્દ્રસિંહ પઢેરીયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
