ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતો રાકેશ ધનાભાઈ રોશિયા નામનો 32 વર્ષનો શખ્સ છેલ્લા કેટલાક સમયથી વિવિધ પ્રકારના ગુનાઓ સાથે સંડોવાયેલો હતો. જેની સામે સમયાંતરે નોંધાયેલી ફરિયાદો અન્વયે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા માથાભારે શખ્સો સામે કડક હાથે કાર્યવાહી કરવા માટે એલ.સી.બી. પોલીસને આપવામાં આવેલી સૂચનાને અનુલક્ષીને ઉપરોક્ત શખ્સ સામે નોંધાયેલા વિવિધ ગુનાઓ તેમજ તેના ગુનાહિત ઇતિહાસની માહિતી એકત્ર કરી, પી.આઈ. કે.કે. ગોહિલ દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.
જે સંદર્ભે જિલ્લા કલેક્ટર આર.એમ. તન્ના સમક્ષ મૂકવામાં આવેલી આ દરખાસ્ત અંગે તેમના દ્વારા તકેદારીના ભાગરૂૂપે ત્વરિત નિર્ણય લઇ અને આરોપી રાકેશ ધના રોશીયાના પાસા મંજૂર કરી, તેની સામે અટકાયતી વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું.જે સંદર્ભે મીઠાપુરના પી.આઈ. ડી.એન. વાંઝા તેમજ ટીમ દ્વારા ઉપરોક્ત આરોપીને ઝડપી લઈ, પાસા એક્ટ હેઠળ વોરંટની બજવણી કરવામાં આવી હતી. ત્યાર બાદ તેને સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવાની તજવીજ કરાઈ હતી.