મહારાષ્ટ્રમાં કોણ મુખ્ય મંત્રી બનશે એ સસ્પેન્સનો આખરે અંત આવી ગયો અને ભાજપે મેલ કરવત મોચીના મોચી કરીને છેવટે દેવેન્દ્ર ફડણવીસને જ મુખ્ય મંત્રીપદે બેસાડી દેવાનું જાહેર કરી દીધું. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના 11 દિવસ પછી મળેલી ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં પહેલાંથી નક્કી કરેલી સ્ક્રીપ્ટ પ્રમાણે, દેવેન્દ્ર ફડણવીસને નેતા તરીકે ચૂંટવાનો પ્રસ્તાવ ચંદ્રકાંત પાટીલ અને સુધીર મુંગટીવારે મૂક્યો અને પંકજા મુંડેએ ફડણવીસના નામનું સમર્થન કર્યું એ સાથે જ ફડણવીસની તાજપોશી નક્કી થઈ ગઈ.
ભાજપમાં પહેલેથી બધું નક્કી હોય છે, પણ લોકશાહી પદ્ધતિથી નેતા ચૂંટવામાં આવે છે એવું બતાવવું જરૂૂરી હોય છે તેથી ધારાસભ્ય પક્ષની બેઠક બોલાવાઈ હતી. બાકી ફડણવીસની શપથવિધિ 5 ડિસેમ્બરે સાંજે 5.30 કલાકે થવાની છે તેનાં રાજભવન દ્વારા છપાયેલાં કાર્ડ વિધાનસભા પક્ષની બેઠક શરૂૂ થાય એ પહેલાંથી વહેંચાવા માંડેલાં. ખેર, એ બહુ મહત્ત્વનો મુદ્દો નથી કેમ કે ભાજપના નેતૃત્વ હેઠળની મહાયુતિને સ્પષ્ટ બહુમતી મળી છે એટલે તેમને મુખ્ય મંત્રીપદે કોને બેસાડવા એ નક્કી કરવાનો અધિકાર છે જ. દેવેન્દ્ર ફડણવીસ ભાજપના પ્રચાર અભિયાનના સેનાપતિ હતા તેથી ફડણવીસ સૌથી પ્રબળ દાવેદાર હતા ને ભાજપને તેમનું નામ નક્કી કરવામાં કલાકો લાગ્યા હોત; પણ એવું ના થયું, તેના બદલે 11 દિવસ ખેંચાઈ ગયા.
છેવટે નામ ફડણવીસનું જ નક્કી થયું, પણ આટલા દિવસ ખેંચાયા તેનો મતલબ એ જ થાય કે, ભાજપ, શિવસેના અને એનસીપી વચ્ચે કોઈક મુદ્દે ડખો છે. આ બધી વાતોમાં સાચું શું ને ખોટું શું એ રામ જાણે, પણ જેનો અંત ભલો તેનું બધું ભલું એ હિસાબે છેવટે મુખ્ય મંત્રીપદના નામ પર સર્વસંમતિ થઈ એ સારું થયું. ભાજપ, એનસીપી અને શિવસેના ત્રણેય સાથે મળીને સરકાર રચે એ પણ સારું છે ને વાસ્તવમાં જનાદેશનો આદર છે કેમ કે ભાજપ, એનસીપી અને શિવસેના ત્રણેય સાથે મળીને ચૂંટણી લડ્યાં હતાં અને મહારાષ્ટ્રની જનતાએ ભાજ5, એનસીપી અને શિવસેના ત્રણેય સાથે મળીને સરકાર રચે એવો આદેશ આપ્યો છે. ભાજપે સત્તાને ખાતર એનસીપી કે શિવસેનાને બાજુ પર મૂકી દીધાં હોત તો એ જનાદેશનો અનાદર કહેવાત. ભાજપ, એનસીપી અને શિવસેના ત્રણેય વચ્ચે સાથે મળીને સરકાર રચવા માટે કઈ ફોર્મ્યુલા પર સહમતિ સધાઈ છે તેની ખબર ધીરે ધીરે પડી જશે, પણ વધારે જરૂૂરી બાબત આ સરકાર સારી રીતે ચાલે એ છે.
