મહિલા અનામત બિલ નાપાસ થતાં હવે દેશમાં અનેક વમળો સર્જાશે

વડાપ્રધાન મોદી અને સમગ્ર એનડીએ ગઠબંધને અપાર પ્રયત્નો કરવા છતાં નવો મહીલા અનામત અને ડિસિમિટેશન કાયદો સંસદમાં પસાર થઇ શકયો નહીં, જો કે એ અંગેનો…

વડાપ્રધાન મોદી અને સમગ્ર એનડીએ ગઠબંધને અપાર પ્રયત્નો કરવા છતાં નવો મહીલા અનામત અને ડિસિમિટેશન કાયદો સંસદમાં પસાર થઇ શકયો નહીં, જો કે એ અંગેનો અંદાજ ખુદ એનડીએ સરકારને તો હોય જ પરંતુ ચુંટણી ટાણે વિપક્ષો પાસે નકાર બોલાવવાની મોદીની ઇચ્છા સફળ નીવડી છે. 54 જેટલા મતોની ઘટને કારણે બંધારણીય સુધારાઓ બે તૃતીયાંશ બહુમતી મેળવી ન શકયા, એની બીજી જ મિનિટથી ભાજપ હાઇકમાન્ડે આખા દેશમાં વિપક્ષોને વગોવવાનું નવું હથિયાર ધારણ કરી લીધું છે અને કહેવા લાગ્યા છે કે એ લોકોને મહીલાઓ કદી માફ નહીં કરે! એક તરફ મોદી સરકાર કોઈ પણ ભોગે સંસદમાં આ બિલ પસાર કરવા મચી પડી ને એ માટે જૂઠાણાં ચલાવતાં પણ ભાજપના નેતાઓને શરમ નથી આવતી ત્યારે બીજી તરફ વિપક્ષો પણ મહિલા અનામતમાં પાછી મુસ્લિમ, ઓબીસી વગેરે માટે અનામત ઘુસાડીને અનામતનું હલકું રાજકારણ રમતાં ખચકાતા નથી. એ જોઈને આઘાત લાગે છે.

સૌથી વધારે આઘાત એ જોઈને લાગે કે, મહિલાઓનું સશક્તીકરણ કરીને તેમને વધારે પ્રતિનિધિત્વ આપવાની વાત બધાં કરે છે પણ એ દિશામાં નક્કર પગલાં ભરવાની દિશામાં કશું થતું નથી. ભાજપે નારીશક્તિ વંદન અધિનિયમ (સુધારણા) બિલ લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં 33 ટકા અનામત માટે હોવાનું ચિત્ર રજૂ કર્યું પણ વાસ્તવમાં આ બિલને મહિલા અનામત સાથે કંઈ લેવાદેવા નથી. મોદી સરકારે સુધારાના નામે રજૂ કરેલાં ત્રણ બિલમાં એક બિલ કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિધાનસભાઓમાં મહિલા અનામત માટે છે, બીજું બિલ નવા સીમાંકન અંગે છે અને ત્રીજું બિલ લોકસભા અને વિધાનસભાઓની બેઠકોમાં વધારો કરવા માટે છે.

મહિલા અનામત બિલ 2023માં પસાર થઈ ગયેલું ને તેનો અમલ કરવા આડે કોઈ અવરોધ બચ્યો જ નથી. મોદી સરકારે ઉતાવળે ગુરુવારે રાત્રે તેનું નોટિફિકેશન પણ બહાર પાડી દીધું પછી તો માર્ગ સાવ મોકળો છે છતાં ભાજપ મહિલા અનામત માટે આ બિલ અનિવાર્ય હોવાનો દાવો કરે છે. તેની પાછળ ભાજપનો રાજકીય સ્વાર્થ છે. આ સ્વાર્થ સાધવા ભાજપે નિયમ 66નો ઉપયોગ કરીને પહેલાંથી પસાર થઈ ગયેલા બિલને સુધારા સાથે જોડી દીધું ને તેના કારણે પહેલાંથી મંજૂર થઈ ગયેલું મહિલા અનામત બિલ કચરાટોપલીમાં જતું રહે એવો ખતરો ઊ ભો થઈ ગયેલો.

મોદી સરકારને છેલ્લી ઘડીએ ડહાપણ સૂઝતાં મહિલા અનામત બિલનું નોટિફિકેશન બહાર પાડી દેતાં મહિલા અનામત બિલ બચી ગયું પણ આ બધા ઉધામાએ ભાજપની પુરુષવાદી માનસિકતાને છતી કરી મોદી સરકાર ખરેખર મહિલાઓ માટે લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં 33 ટકા બેઠકો અનામત રાખવા માગતી હોય તે તેને લોકસભાની કે વિધાનસભાઓની બેઠકોમાં વધારા સાથે જોડવાની ક્યાં જરૂૂર છે ?
અત્યારે લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં જે બેઠકો છે તેમાંથી જ 33 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખીને તેનો અમલ કરી શકાય છે પણ એવું કરવા જાય તો પુરુષ નેતાઓ આડા ફંટાય તેથી બેઠકો વધારવાનો ઉધામો માંડવો પડયો.

લોકસભામાં અત્યારે 74 મહિલા સાંસદો છે. ટકાવારીની રીતે લોકસભાના કુલ સાંસદોમાં મહિલાઓની ટકાવારી 13.6 ટકા છે. મહિલા સાંસદોમાં સૌથી ખરાબ હાલત ભાજપ અને કોંગ્રેસની છે કેમ કે ભાજપના લોકસભાના 240 સભ્યોમાંથી માત્ર 31 એટલે કે 12.9 ટકા મહિલાઓ છે જ્યારે કોંગ્રેસના લોકસભાના 98 સભ્યોમાંથી 14 એટલે કે 14.3 ટકા મહિલાઓ છે. વાસ્તવમાં મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસને બાદ કરતાં કોઈ પક્ષ મહિલાઓને મહત્ત્વ નથી આપતો અને બીજા કોઈ પક્ષની મહિલા સાંસદોની ટકાવારી 20 ટકાથી વધારે પણ નથી. તૃણમૂલના 28 લોકસભા સભ્યોમાંથી 11 એટલે કે લગભગ 40 ટકા મહિલાઓ છે.

હવે લોકસભામાં જ 33 ટકા મહિલા અનામતનો અમલ કરાય તો મહિલાઓ માટે 181 બેઠકો કાયદેસર ખાલી રાખવી પડે. અત્યારની સ્થિતિએ જ 107પુરુષોની બેઠકો છિનવાઈ જાય ને તેમાં કોનો વારો પડી જાય એ નક્કી નહીં. લખનઊ બેઠક મહિલા માટે અનામત થઈ જાય તો રાજનાથસિંહનું પત્તું કપાઈ જાય ને રાયબરેલી મહિલા માટે અનામત રખાય તો રાહુલ ગાંધીનું પત્તું પણ કપાઈ જાય. આ તો બે ઉદાહરણ આપ્યાં પણ બીજા પણ ઘણા ધુરંધરોનાં પત્તાં કપાઈ જાય. તેમને સાચવવા માટે બીજી બેઠકો પરથી ઊભા રખાય તો ત્યાં ધમાસાણ થઈ જાય ને રાજ્યસભામાં મોકલે તો તેમાં પણ હોહા થઈ જાય.

આ નોટિફિકેશન બહાર પડતાં હવે મહિલાઓ માટે લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં 33 ટકા બેઠકો અનામત રાખવાનો માર્ગ મોકળો થઈ ગયો છે ત્યારે મોદી સરકારે પોતે ખરેખર મહિલાઓને સત્તામાં ભાગીદારી આપવા માગે છે એ સાબિત કરવું જોઈએ. 16 એપ્રિલ, 2026થી તેનો અમલ કરવાનું નોટિફિકેશન બહાર પાડી દેવાયું છે તેથી મોદી સરકાર ધારે તો હવે પછી જે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવે છે એ તમામ રાજ્યોમાં 33 ટકા મહિલા અનામતનો અમલ કરી શકે છે. તેના માટે કોઈ મૂરત જોવાની જરૂૂર નથી. આવતા વર્ષે દેશનાં 7 રાજ્યોની વિધાનસભા ચૂંટણી છે. ફેબ્રુઆરી-માર્ચમાં ગોવા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને મણિપુર એ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી છે જ્યારે નવેમ્બર-ડિસેમ્બરમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *