અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડશે હાઇસ્પીડ રેલ, ફોટા જાહેર કરતા રેલમંત્રી
ભારતીય રેલવેએ દેશની પહેલી બુલેટ ટ્રેનની ડિઝાઇન જાહેર કરી દીધી છે. રેલવે મંત્રાલયે રાષ્ટ્રીય પાટનગર દિલ્હી સ્થિત પોતાની ઓફિસના ગેટ નંબર-4 પર પ્રસ્તાવિત બુલેટ ટ્રેનનો ફોટા પ્રદર્શિત કર્યા છે. આ ફોટા સામે આવ્યા બાદ દેશભરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. રેલવેના જણાવ્યા અનુસાર, આ હાઈ-સ્પીડ ટ્રેન મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ (MAHSR) કોરિડોર પર દોડાવવામાં આવશે.
ફોટામાં ટ્રેનની ડિઝાઇન ખૂબ જ આધુનિક અને એરોડાયનેમિક જોવા મળી રહી છે. ડોલ્ફિન લુકમાં ભગવા રંગની ઝલક પણ જોવા મળી રહી છે. ટ્રેનનો આગળનો ભાગ કોઈ એરક્રાફ્ટની જેમ ડિઝાઇન કરવામાં આવ્યો છે, જે તેની હાઈ-સ્પીડ ક્ષમતાનો અંદાજ આપે છે.
રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે ફેબ્રુઆરીમાં લોકસભામાં માહિતી આપી હતી કે, 508 કિલોમીટર લાંબો મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ મહારાષ્ટ્ર, ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાંથી પસાર થશે. આ રૂૂટ પર કુલ 12 સ્ટેશન બનાવવામાં આવશે, જેમાં મુંબઈ, થાણે, વિરાર, બોઈસર, વાપી, બિલીમોરા, સુરત, ભરૂૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી સામેલ છે.
રેલવેના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં વાપી, બિલીમોરા, સુરત, ભરૂૂચ, આણંદ, વડોદરા, અમદાવાદ અને સાબરમતી સ્ટેશનો પર ફાઉન્ડેશન (પાયા)નું કામ પૂર્ણ થઈ ગયું છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં થાણે, વિરાર અને બોઈસર સ્ટેશનો પર બાંધકામ ચાલુ છે. બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) સ્ટેશન પર ખોદકામનું કામ લગભગ પૂર્ણ થવાના આરે છે. આ સિવાય દરિયાની નીચે બનનારી ટનલ (સુરંગ) પર પણ ઝડપથી કામ ચાલી રહ્યું છે. ઘનસોલી અને શિલફાટા વચ્ચે 4.8 કિલોમીટર લાંબો અંડર-સી ટનલ સેક્શન તૈયાર કરી દેવામાં આવ્યો છે.
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધીમાં 17 નદીઓ પર પુલનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. ગુજરાતમાં નર્મદા, મહી, તાપી અને સાબરમતી જેવી મોટી નદીઓ પર બનનારા પુલોનું કામ પણ અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. જ્યારે મહારાષ્ટ્રમાં પણ ચાર નદીઓના પુલ પર બાંધકામ ચાલુ છે.
ભારતીય રેલવેનું કહેવું છે કે, આ પ્રોજેક્ટ ’મેક ઇન ઇન્ડિયા’ પહેલને મજબૂત કરશે. ચેન્નાઈ સ્થિત ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) અને બેંગલુરુની બીઇએમએલ લિમિટેડ (BEML) મળીને સ્વદેશી હાઈ-સ્પીડ ટ્રેન સેટ વિકસાવી રહ્યા છે. આ ટ્રેનોની ડિઝાઇન સ્પીડ 280 કિલોમીટર પ્રતિ કલાક હશે.
