ટેલિવિઝન જગતની સૌથી લોકપ્રિય અને લાંબા સમયથી દર્શકોના દિલ પર રાજ કરતી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના જાણીતા કલાકારોએ આજ રોજ વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ખોડલધામ મંદિર-કાગવડ ખાતે મા ખોડલના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આજ રોજ તારીખ 17 ફેબ્રુઆરીને મંગળવારના રોજ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના જાણીતા કલાકાર કુશ શાહ (ગોલી), શરદ સાંકલા (અબ્દુલભાઈ), નીતિશ ભુલાણી (ટપુ), જતિન બજાજ (ભઈલુ)એ સુપ્રસિદ્ધ ખોડલધામ મંદિરે મા ખોડલના દર્શન કર્યા હતા. તમામ કલાકારોએ મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવીને વિશેષ પૂજા-અર્ચના કરી હતી અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. કલાકારો મંદિરના ભવ્ય શિલ્પ સ્થાપત્ય, વિશાળ પરિસર અને સ્વચ્છતા જોઈને અત્યંત પ્રભાવિત થયા હતા.
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા કલાકારોનું ખેસ પહેરાવીને અને મા ખોડલની પ્રતિમા આપીને ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. કલાકારોએ જણાવ્યું હતું કે, “અહીં આવીને એક અનોખી શાંતિ અને દિવ્ય ઊર્જાનો અનુભવ થયો છે. ગુજરાત આવીને આ અદભુત મંદિરમાં દર્શન કરવાનો લ્હાવો મળ્યો તે સૌભાગ્યની વાત છે. માતાજીએ અમને અહીં બોલાવ્યા છે. દોડધામ ભરી જિંદગીમાંથી થોડો સમય કાઢીને માતાજીના દર્શને જરૂૂર સૌએ આવવું જોઈએ. અહીંયા આવીને ખૂબ જ શાંતિનો અનુભવ થયો છે. આપણા મંદિરોમાં આપણી સંસ્કૃતિ અને ધર્મના દર્શન થાય છે. શ્રી ખોડલધામ મંદિરે દર્શન કરીને અમોને ખૂબ જ અદભૂત અહેસાસ થયો છે. સમગ્ર મંદિર પરિસરમાં ખૂબ જ સુંદર સ્વચ્છતા અને વ્યવસ્થા છે. તે જોઈને પણ ખૂબ જ આનંદ થયો.” મંદિર પરિસરમાં ઉપસ્થિત દર્શનાર્થીઓએ પણ પોતાના મનપસંદ કલાકારોને રૂૂબરૂૂ જોઈને આનંદ વ્યક્ત કર્યો હતો.
