હીરા ઉદ્યોગ ઉપર 60 વર્ષનું સૌથી મોટું સંકટ

બે લાખથી વધુ કારીગરોએ નોકરી ગુમાવી, 18 માસમાં 45 આપઘાત 1000થી વધુ નાના કારખાના બંધ, મોટી ફેકટરીઓમાં પણ 20થી 50 ટકા સુધી પગાર ઘટાડો, ડાયમંડ…

બે લાખથી વધુ કારીગરોએ નોકરી ગુમાવી, 18 માસમાં 45 આપઘાત

1000થી વધુ નાના કારખાના બંધ, મોટી ફેકટરીઓમાં પણ 20થી 50 ટકા સુધી પગાર ઘટાડો, ડાયમંડ નિકાસને પણ મોટો ફટકો

ડાયમંડ નગરી તરીકે ઓળખાતું સુરત સૌથી વધુ ખરાબ સમયનો સામનો કરી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં હીરાની માંગમાં સતત ઘટાડો થતાં 50 વર્ષના ઇતિહાસમાં હીરાબજાર સૌથી મોટી મંદીમાં ફસાઈ ગયું છે. રાજયમાં 17 લાખ કર્મચારી હીરા પોલિશ્ડ અને કટિંગનું કામ કરી રહ્યા છે. તેમાંથી સુરતમાં જ 11 લાખ કર્મચારીના પરિવાર હીરા પર નભી રહ્યા છે પરંતુ કયારેય ન જોઈ હોઈ તેવી મંદીના કારણે તમામ કર્મચારીઓ પર નોકરીનું મોટુ સંકટ ઊભું થયું છે. બેથી ચાર ઘંટી ચાલતી હોય તેવા 90 ટકા એટલે કે 1000 ફેકટરીઓ બંધ થઈ ગઈ છે અને બે લાખ લોકોની નોકરી જતી રહી છે. જે કર્મચારીઓની નોકરી ચાલુ છે તેમાં 20થી 50 ટકા સુધી પગાર ઘટી ગયો છે અને આ બધાં કારણોને લીધે એક વર્ષમાં સુરતમાં જ 45 રત્નકલાકારે આપઘાત કરી લીધો હોવાનો ડાયમંડ વર્કર યુનિયનનો દાવો છે. અત્યાર સુધીમાં આ યુનિયનની હેલ્પલાઈન પર 3000થી વધુ કર્મચારીઓના મદદ માટે કોલ્સ આવ્યા છે.


જીજેઈપીસી (જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ)ના ડેટા પ્રમાણે વર્ષ 2022માં 1.80 લાખ કરોડના ડાયમંડની ડાયમંડની નિકાસ થતી હતી. વર્ષ 2023માં 1.43 લાખ કરોડના ડાયમંડની નિકાસ થઈ હતી. જ્યારે 2024ના ઓકટોબર મહિના સુધીમાં 1.02 લાખ કરોડ થઈ ગયું છે. જે વર્ષ 2024 પૂર્ણ થતાં 1.15 લાખ કરોડ સુધી પહોંચે તેવી સંભાવના છે.


આઈડીઆઈના ચેરમેન દિનેશ નાવડિયાએ કહ્યું કે સરકારને લાખોનો ટેક્સ ભરનારી ડાયમંડ ઇન્ડસ્ટ્રી મુશ્કેલીમાં છે ત્યારે સરકારે રત્નકલાકારો માટે યોજના જાહેર કરવી જોઈએ. ઉદ્યોગની વિવિધ સંસ્થાઓએ પણ જરૂૂરિયાતમંદ રત્નકલકારોને મદદ કરવી જોઈએ. લેસર કટના કારીગરોના પગારમાં 30થી 40 ટકાનો ઘટાડો થયો છે. ગેલેક્સી પ્લાનિંગમાં કારીગરને 30થી 40 હજાર પગાર અપાતો, જે હાલ 20 હજાર આસપાસ અપાય છે. તેવી જ રીતે સરિન મશીન, બુટર મશીનમાં કામ કરતા રત્નકલાકારોના પગારમાં પણ 50થી 30 ટકા સુધી પગાર કાપ મૂકવામાં આવ્યો છે.

ડાયમંડ વર્કર યુનિયનના વાઇસ પ્રેસિડેન્ટ ભાવેશ ટાંકે કહ્યું કે મોંઘવારી સતત વધી રહી છે ત્યારે પગારમાં કાપ આવ્યો, કામમાંથી છૂટા કરી દેવાયા સહિતની ફરિયાદો યુનિયનને મળે છે. કારીગરો કહે છે કે આ રીતે પગારકાપ કરવામાં આવશે તો અમારો પગાર અડધા કરતાં પણ ઓછા થઈ જશે.
રફનું ટ્રેડિંગ કરતી ડિ-બીયર્સએ રફ હીરાના ભાવોમાં 10થી 15 ટકાનો ઘટાડો કર્યો હતો. હવે રશિયાની કંપની અલરોઝાએ પણ 10 ટકા સુધી રફ હીરાના ભાવોમાં ઘટાડો કર્યો છે. 2 વર્ષમાં તૈયાર હીરાના ભાવ ઘટ્યા છે. પરંતુ રફ હીરાના ભાવો ન ઘટતાં હીરા વેપારીઓને નુકસાની કરવી પડતી હતી.


2008માં 7થી 8 મહિના મંદી હતી, પણ આ મંદી બહુ ભયાનક હોવાનું ધંધાર્થીઓનું કહેવુ છેે. તેમના કહેવા મુજબ ચાઈનામાં બજારો ખૂલ્યાં નથી, બીજી તરફ યુદ્ધની સ્થિતિને કારણે મંદી છે. નેચરલ ડાયમંડના ભાવો ખૂબ જ નીચે જતા રહ્યા છે. ફેક્ટરીઓમાં પ્રોડક્શન પણ 50 ટકા સુધી ઘટી ગયાં છે. વર્ષ 2008માં મંદી 7થી 8 મહિના જ ચાલી હતી. પરંતુ મારી કરિયરમાં આ સૌથી મંદી છે.


ડાયમંડ ઉદ્યોગ સાથે છેલ્લાં 60 વર્ષથી સંકળાયેલા ગોવિંદભાઇ ધોળકીયા જણાવે છે કે, 60 વર્ષમાં પહેલી વખત આવી મંદી જોઈ છે. અત્યારે પરિસ્થિતિ ખરાબ છે, પણ આવનારો સમય સારો હશે તેવી આશા છે. સરકાર રત્નકલાકારોને આર્થિક મદદ પણ કરી શકે પરંતુ રત્નકલાકારો રજિસ્ટર્ડ નથી. જ્યારે પણ ડાયમંડ ઉદ્યોગમાં તેજી આવશે ત્યારે ઉદ્યોગ પૂરપાટ ઝડપે દોડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *