કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સાંસદ શશી થરૂૂરની આગેવાની હેઠળના ભારતીય પ્રતિનિધિમંડળની રાજદ્વારી ચાતુરી રંગ લાવી છે! કોલંબિયાએ પાકિસ્તાન તરફી આપેલું નિવેદન આખરે પાછું ખેંચી લીધું છે, જે ભારતીય વિદેશ નીતિ અને આતંકવાદ સામેની પઝીરો-ટોલરન્સથ નીતિની મોટી જીત ગણી શકાય. થરૂૂરે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, કોલંબિયા હવે ભારતની સ્થિતિ અને તેના દૃષ્ટિકોણના મજબૂત સમર્થનમાં નવું નિવેદન બહાર પાડશે.
બોગોટામાં વિદેશ મંત્રાલયના વરિષ્ઠ ઉપ-મંત્રી સાથેની મુલાકાત બાદ થરૂૂરે પત્રકારોને સંબોધતા જણાવ્યું કે, અમને ખૂબ જ સારા સમાચાર મળ્યા છે. જે નિવેદનથી અમને અગાઉ નિરાશા થઈ હતી, તે હવે પાછું ખેંચી લેવામાં આવ્યું છે. અમારી સ્થિતિના મજબૂત સમર્થનમાં નવું નિવેદન આવશે. તેમણે મહાત્મા ગાંધીની પ્રતિમા સમક્ષ ઊભા રહીને આ ઘોષણા કરતા જણાવ્યું કે, આ ક્ષણ ખરેખર ગર્વની છે.
થરૂૂરે ભારપૂર્વક જણાવ્યું કે, જેઓ આપણા દેશ પર હુમલો કરે છે અને જેઓ પોતાના દેશનો બચાવ કરે છે તેમની વચ્ચે કોઈ સમાનતા હોઈ શકે નહીં. તેમણે કોલંબિયાના અગાઉના નિવેદનમાં આ ભેદભાવની અવગણના બદલ નારાજગી વ્યક્ત કરી હતી. જોકે, તેમણે ખુશી વ્યક્ત કરી કે કોલંબિયાના પ્રતિનિધિઓ હવે ભારતની સાર્વભૌમત્વ, વિશ્વ શાંતિ અને ભારતીય ઉપખંડમાં શાંતિ માટે ભારત સાથે ઊભા રહેવા કટિબદ્ધ છે. તેમણે આ પ્રકારના સંવાદો ચાલુ રાખવાની આશા પણ વ્યક્ત કરી.
યુનાઇટેડ સ્ટેટ્સમાં ભારતના ભૂતપૂર્વ રાજદૂત અને ભાજપના વરિષ્ઠ નેતા તરનજીતસિંહ સંધુએ આ સફળતાનો શ્રેય ભારતીય પ્રતિનિધિમંડળની વ્યાપક બ્રીફિંગને આપ્યો. તેમણે જણાવ્યું કે, આજે સવારે અમારી કાર્યકારી વિદેશ મંત્રી સાથે વિગતવાર વાતચીત થઈ હતી. અમારા નેતા અને સમગ્ર ટીમે તેમને ચોક્કસ મુદ્દાઓ સમજાવ્યા હતા, જેમાં સમયરેખા પણ સામેલ હતી જે કદાચ તેઓ થોડા અંશે ચૂકી ગયા હતા.
સંધુએ ઉમેર્યું કે, કોલંબિયાનું મહત્વ એટલા માટે પણ છે કે તે ટૂંક સમયમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો સભ્ય બનશે.
