બાંગ્લાદેશમાં પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાના પરત ફરવાના એલાન બાદ રાજકીય માહોલ ગરમાયો છે અને દેશના વિવિધ ભાગોમાં હિંસા તથા તણાવની સ્થિતિ સર્જાઈ છે. આ પરિસ્થિતિ વચ્ચે અવામી લીગે 27 અને 28 નવેમ્બરના રોજ સમગ્ર બાંગ્લાદેશમાં લોકડાઉનની જાહેરાત કરી છે. સાથે જ પાર્ટીએ પોતાની અનેક માંગણીઓ પણ સરકાર સમક્ષ મૂકી છે, જેમાં પાર્ટી પર લાગેલો પ્રતિબંધ હટાવવા અને રાજકીય કેદીઓને મુક્ત કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.
શેખ હસીના 16 ડિસેમ્બરે 1971ના મુક્તિ સંગ્રામની વિજય વર્ષગાંઠ નિમિત્તે બાંગ્લાદેશ પરત ફરવાના છે, જેને લઈને આગામી દિવસોમાં તણાવ વધુ વકરે તેવી શક્યતા છે. તેમની વાપસીની માંગ સાથે અવામી લીગ સક્રિય બની છે અને મંગળવારે દેશમાં મશાલ સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ ઉપરાંત, બુધવારથી વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બની શકે તેવી શક્યતાઓ છે.
શેખ હસીનાના પરત ફરવાના એલાન અને વધતા રાજકીય તણાવ વચ્ચે બાંગ્લાદેશ જમાત-એ-ઇસ્લામીના પ્રમુખ શફીકુર્રહમાન પોતાનો ઑસ્ટ્રેલિયા-મલેશિયાનો પ્રવાસ ટૂંકાવીને દેશ પરત ફરી રહ્યા છે. આજે તેઓ પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાની વાપસી અને દેશની વર્તમાન તણાવભરી સ્થિતિ અંગે વડાપ્રધાન તારિક રહેમાન સાથે મુલાકાત કરવાના છે.
