ગુજરાતમાં ચોમાસા બાદ શિયાળો બાયપાસ થઈ ગયો હોય તેવી સ્થિતિ વચ્ચે ઉનાળો પણ સામાન્ય કરતાં ભારે બની રહ્યો છે અને માર્ચ માસના પ્રારંભ સાથે જ આકરા તડકાથી જનજીવન પ્રભાવિત થવા લાગ્યુ છે. ગુજરાતમાં માર્ચ માસના પ્રથમ પખવાડીયામાં પડતી ગરમી કરતાં ચાલુ વર્ષે વધુ ગરમી નોંધાઈ છે. ગઈકાલે તા.9 માર્ચે જ સામાન્ય કરતાં 4 થી 9 ડિગ્રી તાપમાન વધુ નોંધાયું હતું અને આગામી 3 દિવસ 17 જિલ્લામાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં હવામાનની પેટર્ન જ બદલાઈ ગઈ હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. રાજ્યભરમાં વહેતા સુકા અને ગરમ પવનને કારણે ગરમીના પ્રમાણમાં એકાએક વધારો થયો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યભરમાં આગામી ચાર દિવસ સુધી ગરમીનું મોજૂ ફરી વળશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક શહેરમાં હીટવેવની અસર જોવા મળશે. દિવસનું સામાન્ય તાપમાન કરતા પ્રમાણમાં વધુ રહેશે.
દિવસ અને રાત્રીના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવની નહીંવત છે. દિવસના મહત્તમ તાપમાનના પ્રમાણમાં ઉત્તરોતર વધારો થવાની પણ આગાહી હવામાન વિભાગે કરી છે. ગુજરાતમાં વહેતા ગરમ અને સુકા પવનને કારણે ગરમીનો પારો એકાએક ઉચકાયો છે. આજે ગુજરાતના અનેક શહેરોમાં નોંધાયેલ ગરમી, સામાન્ય કરતા 4 ડિગ્રીથી માંડીને 9 ડિગ્રી સુધી વધુ નોંધાઈ છે. કચ્છના કંડલા ખાતે ગરમીનો પારો 41.4 ડિગ્રીએ નોંધાયો છે. જે સામાન્ય કરતા 9.3 ડિગ્રી વધુ તાપમાન નોંધાયું છે.
ગુજરાતમાં સૌથી વઘુ તાપમાન રાજકોટમાં નોંધાયું છે. રાજકોટમાં ગરમીનો પારો 41.6 ડિગ્રીએ પહોચી ગયો છે. જે રોજબરોજ નોંધાતી ગરમીના પ્રમાણ કરતા 7.3 ડિગ્રી વધુ નોંધાયું છે. અમદાવાદ શહેરમાં ગરમીનો પારો 41.2 ડિગ્રીએ અટક્યો છે. જે સામાન્ય કરતા 7 ડિગ્રી વધુ તાપમાન નોંધાયું છે. અમરેલીમાં 40.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જે 5.5 ડિગ્રી વધુ છે. વડોદરા ખાતે 40.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જે 5.2 ડિગ્રી વધુ રહેવા પામ્યું છે. ભાવનગરમાં 38.6 ડિગ્રી તાપમાન રહ્યું છે. જે સામાન્ય કરતા 5.1 ડિગ્રી વધુ રહ્યું હતું. ગુજરાતમાં આજે સોમવારને 9 માર્ચે દિવસનુ મહત્તમ તાપમાન સામાન્ય કરતા 9 ડિગ્રી સુધી વધુ નોંધાયું છે. જેના કારણે આકાશમાંથી અગનજ્વળા વરસતી હોય તેવો અનુભવ દિવસે થઈ રહ્યો હતો.
10 શહેરોમાં તાપનું ટોર્ચર, પારો 40 ડિગ્રીને પાર
ગુજરાતમાં ઉનાળાની શરૂૂઆતે જ આકરી ગરમીએ પોતાનું રૌદ્ર સ્વરૂૂપ બતાવવાનું શરૂૂ કરી દીધું છે. રાજ્યના અનેક શહેરોમાં ‘તાપનું ટોર્ચર’ શરૂૂ થઈ ગયું છે. ત્યારે ગઈકાલે 10 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો હતો. 9 માર્ચના સત્તાવાર આંકડાઓ મુજબ, સૌરાષ્ટ્રનું રાજકોટ 41.6 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સમગ્ર રાજ્યમાં સૌથી ગરમ નોંધાયું છે. તેની પાછળ કંડલા 41.4 ડિગ્રી અને અમદાવાદ 41.2 ડિગ્રી સાથે અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યું છે. સુરેન્દ્રનગરમાં પણ 41.6 ડિગ્રી તાપમાન રહ્યું હતું. ઉત્તર ગુજરાતના ડીસામાં પણ પારો 41.1 ડિગ્રીએ પહોંચી ગયો છે. આ ઉપરાંત ગાંધીનગર (40.6 ડિગ્રી), સુરત (40.6 ડિગ્રી), અમરેલી (40.5 ડિગ્રી), વડોદરા (40.4 ડિગ્રી) અને ભુજ (40.4 ડિગ્રી) માં પણ તાપમાન 40 ડિગ્રી વટાવી ચૂક્યું છે. સતત વધતા પારાને કારણે સમગ્ર રાજ્યમાં હીટવેવ જેવી સ્થિતિ સર્જાઈ છે અને લોકો ગરમીમાં શેકાઈ રહ્યા છે.
