રાજકોટની ભાગોળે લોધિકા વિસ્તારમાં રહેતી શ્રમિક સગર્ભાને પ્રસુતિની પીડા ઉપડતાં 108ને જાણ કરવામાં આવતાં 108ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સગર્ભાને હોસ્પિટલ લાવવામાં આવતી હતી. દરમિયાન રસ્તામાં જ પ્રસુતિની પીડા ઉપડતાં 108ની ટીમ દ્વારા એમ્બ્યુલન્સમાં સગર્ભાની સફળ પ્રસુતિ કરવામાં આવી હતી અને માતા પુત્રીને સારવાર માટે જનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
જાણવા મળતી વિગત મુજબ, લોધિકા વાડી વિસ્તારમાં રહેતી લલિતા રૂમાલભાઈ બાંભણીયા (ઉ.29) નામની સગર્ભાને પ્રસુતિની પીડા ઉપડતાં 108માં કોલ કરવામાં આવ્યો હતો. જેથી 108ના પાયલોટ અનિલ દેત્રોજા અને ઈએમટી દિનેશ રાઠોડ ઘટના સ્થળે દોડી ગયા હતાં અને સગર્ભાનું એમ્બ્યુલન્સમાં રાજકોટ લાવતાં હતાં.
દરમિયાન રસ્તામાં જ દુ:ખાવો ઉપડતાં તાત્કાલીક પ્રસુતિ કરાવવાની ફરજ પડી હતી. જેથી 108ના સ્ટાફ દ્વારા હેડ ઓફિસમાં રહેલા તબીબોના માર્ગદર્શન હેઠળ એમ્બ્યુલન્સમાં જ સગર્ભાની સફળ પ્રસુતિ કરાવવામાં આવી હતી. અને સગર્ભાએ બાળકીને જન્મ આપ્યો હતો. બાદમાં 108નાં સ્ટાફ દ્વારા માતા પુત્રીને પ્રાથમિક સારવાર આપી બન્નેની રાજકોટ ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. સગર્ભા અને તેના પરિવાર દ્વારા 108ના સ્ટાફનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.
