ગાંધીનગર કોર્ટનો જેલ અને દંડ ફટકારતો ચૂકાદો
આજથી 5 વર્ષ અગાઉ ગાંધીનગરના સેક્ટર 28માં આવેલી સ્કૂલમાં લેશન ના લાવનાર વિદ્યાર્થિનીને લાફો મારવાના મામલે શિક્ષિકાને 3 વર્ષ અને 3 મહિનાની જેલ તેમજ રૂપિયા 50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ગાંધીનગરના સેક્ટર 28માં આવેલી બાશ્રી વસંતકુંવરબા સ્કૂલમાં વિજ્ઞાનના શિક્ષિકા પારૂલ પટેલે લેશનને લઇને ધો.9માં અભ્યાસ કરતા 14 વર્ષના વિદ્યાર્થીને કાન ઉપર લાફા માર્યા હતા. જેના કારણે વિદ્યાર્થિનીનો કાનનો પડદો ફાટી ગયો હતો અને તેની સાંભળવાની ક્ષમતા પર ગંભીર અસર થઈ હતી. આ કેસ ગાંધીનગરની ત્રીજી એડિશનલ ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં ચાલ્યો હતો.
જેમાં કોર્ટે આરોપી શિક્ષિકાને 3 વર્ષ અને 3 મહિનાની સાદી જેલ અને રૂા. 25 હજારનો દંડ, તેમજ જુવેનાઈલ જસ્ટિસ એક્ટ કલમ 75 હેઠળ 1 વર્ષની સાદી જેલ અને 25,000 રૂપિયા દંડ ફટકાર્યો છે. આ તમામ દંડની રૂા.50 હજારની રકમ ભોગ બનનાર વિદ્યાર્થિનીને વળતર પેટે ચૂકવવાનો કોર્ટે આદેશ કર્યો છે. ન્યાયાધીશ હિમાંશુ ચૌધરીએ ચુકાદો આપતા જણાવ્યું હતું કે શિક્ષક દ્વારા સત્તાનો દુરુપયોગ અને માસૂમ બાળક પર કરવામાં આવેલી શારીરિક હિંસા ગંભીર બાબત છે, જે ભવિષ્યમાં અન્ય માટે ઉદાહરણરૂૂપ બનશે.
