ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે 18 ઓગસ્ટે યોજાનારી કંપનીની વાર્ષિક સામાન્ય સભા (AGM) પહેલા આ નિર્ણય લીધો છે. જોકે, ચંદ્રશેખરન તાત્કાલિક પદ છોડવાના નથી; તેમની વર્તમાન ટર્મ ફેબ્રુઆરી 2027માં પૂર્ણ થઈ રહી છે અને તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ ટર્મ પૂરી થયા બાદ ફરી આ હોદ્દા માટે દાવેદારી નહીં નોંધાવે.
ચંદ્રશેખરને કહ્યું કે, “ટાટા સન્સના ચેરમેન તરીકે મારો વર્તમાન કાર્યકાળ 20 ફેબ્રુઆરી 2027ના રોજ પૂરો થઈ રહ્યો છે. સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને સર રતન ટાટા ટ્રસ્ટ દ્વારા સર્વસંમતિથી પ્રસ્તાવ પાસ કરીને મારા આગામી 5 વર્ષના કાર્યકાળના વિસ્તરણની ભલામણ કરવામાં આવી હતી.
આને ટાટા સન્સની નોમિનેશન એન્ડ રેમ્યુનરેશન કમિટી અને બોર્ડે નોંધ્યું હતું અને આગળ વધારવાની ભલામણ કરી હતી. આ પછી, આ પ્રસ્તાવ 24 ફેબ્રુઆરી 2026ના રોજ ટાટા સન્સ બોર્ડ સમક્ષ મૂકવામાં આવ્યો હતો.
જોકે, આ પ્રસ્તાવ આગળ વધી શક્યો નહીં કારણ કે બોર્ડના એક સભ્યએ તેનું સમર્થન ન કર્યું. સર્વસંમત સમર્થન ન મળવાને કારણે મેં આ નિર્ણયને મુલતવી રાખવાનો વિકલ્પ પસંદ કર્યો. તે બોર્ડ મિટિંગને 6 મહિના વીતી ચૂક્યા છે અને આજ સુધી કોઈ નિર્ણય થઈ શક્યો નથી.
ટાટા સન્સ એક ખૂબ જ મોટી સંસ્થા છે અને ઘણા મોટા વ્યૂહાત્મક પ્રોજેક્ટ્સ અત્યારે મહત્વના વળાંક પર છે. ફેબ્રુઆરી 2027 પછી ગ્રુપની આગેવાની કરવા માટે ન માત્ર એક લીડરનું હોવું જરૂરી છે, પરંતુ કર્મચારીઓ, રોકાણકારો, પાર્ટનર્સ અને બાકીના સ્ટેકહોલ્ડર્સ માટે લીડરશિપને લઈને સ્પષ્ટતા હોવી પણ ખૂબ જ જરૂરી છે.”
ચંદ્રશેખરનના રાજીનામાના સમાચાર ટાટા સન્સના શેરધારકો અને ટાટા ટ્રસ્ટ વચ્ચે અનેક મુદ્દાઓ પર મતભેદના અહેવાલો વચ્ચે આવ્યા છે. ખાસ કરીને, ટાટા સન્સ બોર્ડમાં પ્રતિનિધિત્વ, જૂથની ભાવિ વ્યૂહરચના અને લઘુમતી શેરધારક, શાપૂરજી પલોનજી ગ્રુપને લગતા મુદ્દાઓ અંગે મતભેદો સામે આવ્યા છે. અહેવાલો ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટા અને ચંદ્રશેખરન વચ્ચે મતભેદ હોવાનું પણ સૂચવે છે. એવું કહેવાય છે કે નોએલ ટાટા ચંદ્રશેખરનને ટાટા સન્સના ચેરમેન તરીકે ફરીથી નિયુક્ત કરવાના પક્ષમાં નહોતા.
