મધ્યપ્રદેશની રાજધાની ભોપાલની ફેમિલી કોર્ટમાં એક એવો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે, જેણે 90ના દાયકાની સુપરહિટ ફિલ્મ ’જુદાઈ’ની યાદ અપાવી દીધી છે. આ કિસ્સામાં એક પ્રેમિકાએ તેના પરિણીત પ્રેમીને મેળવવા માટે તેની પત્નીને દોઢ કરોડ રૂૂપિયાની મિલકત અને રોકડ આપવાનો સ્વીકાર કર્યો છે. પ્રેમ અને પૈસાના આ અનોખા સોદાએ આખા શહેરમાં ચર્ચા જગાવી છે.
આ આખી વાત 42 વર્ષીય સરકારી કર્મચારી અને તેનાથી 10 વર્ષ મોટી મહિલા અધિકારી વચ્ચેના પ્રેમથી શરૂૂ થઈ હતી. બંને એક જ વિભાગમાં કામ કરતા હોવાથી નિકટતા વધી અને પતિ-પત્ની વચ્ચેના સંબંધોમાં કડવાશ આવવા લાગી. ઘરમાં રોજિંદા ઝઘડાઓથી કંટાળીને અને 16 વર્ષની મોટી દીકરીએ જ્યારે ફેમિલી કોર્ટના દરવાજા ખખડાવ્યા, ત્યારે આ મામલો જાહેરમાં આવ્યો.
કાઉન્સેલિંગ દરમિયાન પતિએ સ્પષ્ટ કહી દીધું કે તે હવે તેની પત્ની સાથે નહીં પણ તેની મહિલા સાથીદાર સાથે રહેવા માંગે છે. આ સાંભળી પત્નીએ ભાવુક થવાને બદલે પોતાની અને પોતાની બે દીકરીઓના ભવિષ્યનો વિચાર કર્યો. તેણે કોર્ટમાં શરત મૂકી કે જો પતિને મુક્ત કરવો હોય તો તેને: એક આલિશાન ડુપ્લેક્સ ઘર, 27 લાખ રૂૂપિયા રોકડા, અન્ય મિલકતો સહિત કુલ 1.5 કરોડનું પેકેજ જોઈએ. આશ્ચર્ય ત્યારે સર્જાયું જ્યારે પતિની પ્રેમિકાએ એક પળનો પણ વિલંબ કર્યા વગર આ તમામ શરતો માની લીધી. તેણે કહ્યું કે તે પ્રેમીના પરિવારને રસ્તા પર લાવવા નથી માંગતી, માટે તે આ કિંમત ચૂકવવા તૈયાર છે. સામાન્ય રીતે આવા કિસ્સાઓમાં કાનૂની લડાઈ વર્ષો સુધી ચાલે છે, પરંતુ અહીં બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને એક પ્રેક્ટિકલ રસ્તો કાઢવામાં આવ્યો છે. નિષ્ણાતોના મતે, આ કદાચ રાજ્યનો પહેલો એવો કિસ્સો છે જ્યાં કોઈ ત્રીજી વ્યક્તિએ સંબંધને કાયદેસરનું રૂૂપ આપવા માટે આટલી મોટી રકમની ચૂકવણી કરી હોય.
હવે પત્ની અને બાળકો આર્થિક રીતે સુરક્ષિત થઈ ગયા છે અને પતિ પોતાની પ્રેમિકા સાથે નવી જિંદગી શરૂૂ કરવા તરફ આગળ વધી રહ્યો છે. ભલે આ સોદો કાયદેસર થયો હોય, પણ સમાજમાં નૈતિકતા અને સંબંધોના મૂલ્યો પર મોટા સવાલ ઉભા કરી ગયો છે
