STને વેકેશન ફળ્યું, 3.78 કરોડની કમાણી

  ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા ઉનાળુ વેકેશનને ધ્યાનમાં રાખીને નાગરિકો માટે એક્સ્ટ્રા બસોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. 1 મેથી 31 મે…

 

ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા ઉનાળુ વેકેશનને ધ્યાનમાં રાખીને નાગરિકો માટે એક્સ્ટ્રા બસોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. 1 મેથી 31 મે 2025ના સમયગાળામાં 8 લાખથી પણ વધુ મુસાફરોએ આ કાર્યક્ષમ આયોજનનો લાભ લીધો હતો. ઉનાળા વેકેશન દરમિયાન એસ.ટી નિગમ દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજ્યના જુદા જુદા અને મોટા શહેરોને જોડતી દૈનિક 1400થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં સુરતથી સૌરાષ્ટ્ર તરફ અંદાજે 500 ટ્રિપ, સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત તરફ અંદાજે 210, દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત તરફ અંદાજિત 300 અને સૌરાષ્ટ્ર તરફ 300 ટ્રિપના આયોજનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વેકેશનના સમયગાળામાં મુસાફરોને ગુજરાતમાંથી પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર તથા રાજસ્થાનમાં પણ આંતરરાજ્ય સેવાઓનો લાભ લીધો હતો.

ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા પ્રવાસીઓ ધાર્મિક સ્થળોના દર્શને જઈ શકે તે માટે અમદાવાદથી અંબાજી, સોમનાથ, દ્વારકા માટે રોજની 10 ટ્રિપ અને ડાકોર, પાવાગઢ, ગીરનાર માટે રોજની 5 ટ્રિપ તથા પ્રવાસન સ્થળો જેવા કે, સ્ટેચ્યુ ઑફ યુનિટી, સાસણગીર, સાપુતારા માટે અમદાવાદથી રોજની 5 ટ્રિપ તેમજ દીવ અને કચ્છનાં પ્રવાસ માટે અમદાવાદથી રોજની 10 બસોની ટ્રિપનું આયોજન કરવામાં આવ્યું હતું. આંતરરાજ્ય પ્રવાસ માટે રાજસ્થાનના માઉન્ટ આબુ અને સુન્ધામાતા જવા માટે અમદાવાદથી રોજની બે ટ્રિપ તેમજ મહારાષ્ટ્રના શિરડી, નાશિક, ધુલીયા જેવા સ્થળોએ મુસાફરી માટે અમદાવાદના ગીતા મંદિરથી રોજની બે ટ્રિપનું આયોજન કરવામાં આવ્યું હતું.

GSRTCદ્વારા 1 મેથી 31 મે 2025 દરમ્યાન 2780 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. આ બસોએ કુલ 16,438 એક્સ્ટ્રા ટ્રિપ કરી હતી, જેનો લાભ 8.22 લાખ લોકોએ લીધો હતો. વર્ષ 2024માં આ જ સમયગાળામાં 1988 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. આ બસોએ કુલ 11,674 એક્સ્ટ્રા ટ્રિપ કરી હતી, જે દરમ્યાન 5.84 લાખ લોકોએ મુસાફરી કરી હતી. ઉનાળુ વેકેશનમાં એસ. ટી. નિગમ દ્વારા કાર્યરત એક્સ્ટ્રા બસોમાં મુસાફરી કરનારા લોકોની સંખ્યામાં વાર્ષિક 2.38 લાખનો વધારો થયો છે.

મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને એસ.ટી. નિગમ દ્વારા 1 મેથી 31 મે 2025 દરમ્યાન કુલ 16,438 બસ ટ્રિપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન બસોએ કુલ 15.61 લાખ કિમીનું અંતર કાપ્યું હતું. GSRTCને આ સંચાલન દ્વારા રૂા.3.78 કરોડની કમાણી થઈ છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024માં મે મહિનામાં કુલ 11,674 ટ્રિપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનાથી GSRTCને રૂા.2.94 કરોડની કમાણી થઈ હતી. આ આંકડા કાર્યક્ષમ નેતૃત્વ અને શ્રેષ્ઠ માળખાગત સુવિધાઓ આપવા પ્રત્યે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *