રામ મંદિર માટે 500 વર્ષ સંઘર્ષ કર્યો હવે 15 દિવસ રાહ જુઓ: યોગી

‘સીટ’ દૂધનું દૂધ કરી બતાવશે, દાનની રકમની ઉચાપત મામલે મંદિરે પહોંચ્યા ઈખ યોગી ઉત્તર પ્રદેશના અયોધ્યા પહોંચેલા સીએમ યોગીએ રામ મંદિરના ચઢાવાની રકમમાં થયેલા કથિત…

‘સીટ’ દૂધનું દૂધ કરી બતાવશે, દાનની રકમની ઉચાપત મામલે મંદિરે પહોંચ્યા ઈખ યોગી

ઉત્તર પ્રદેશના અયોધ્યા પહોંચેલા સીએમ યોગીએ રામ મંદિરના ચઢાવાની રકમમાં થયેલા કથિત ગેરરીતિના મામલે રામભક્તોને વિશ્વાસ અપાવતાં કહ્યું હતું કે માત્ર 15 દિવસ વધુ રાહ જુઓ, ધીરજ રાખો અને ચિંતા ન કરો. તેમણે કહ્યું હતું કે અયોધ્યા સંબંધિત મામલામાં ટ્રસ્ટની વિનંતી પર SIT તપાસના આદેશ આપવામાં આવ્યા છે. SIT ની તપાસથી સમગ્ર સત્ય બહાર આવશે અને જે કોઈ પણ દોષી હશે તે બચી શકશે નહીં. તેમણે લોકોને SIT નો રિપોર્ટ આવે ત્યાં સુધી બિનજરૂૂરી નિવેદનબાજી ન કરવાની અપીલ કરી હતી.

તેમણે કહ્યું હતું કે આવી ટિપ્પણીઓથી તપાસ પ્રભાવિત થઈ શકે છે. કોઈનું બિનજરૂૂરી પાત્રહનન ન કરો અને અયોધ્યાને બદનામ ન કરો. દોષી જે કોઈ હશે, તેને છોડવામાં નહીં આવે.સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવના આરોપોને લઈને યોગીએ તીખો પ્રહાર કરતાં કહ્યું હતું કે જે લોકો રામભક્તો અને કારસેવકોને અપમાનિત કરતા હતા અને માફિયાઓની કબર પર ફાતેહા વાંચતા હતા, તેઓ આજે અમને રામભક્તિનો પાઠ ભણાવવા નીકળ્યા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે જેમણે ક્યારેક રામભક્તો અને કારસેવકો પર ગોળી ચલાવવાના આદેશ આપ્યા હતા અને ’જય શ્રીરામ’ના નારા લગાવનારાઓ પર લાઠીચાર્જ કરાવ્યો હતો, તેઓ આજે ઉપદેશ આપી રહ્યા છે. તેમણે તમામ પક્ષોને અપીલ કરી કે કોઈ પણ બેદરકારીભરી અથવા ગેરજવાબદાર ટિપ્પણી ન કરે, જેથી રામભક્તોની ભાવનાઓ દુભાય નહીં.

તેમણે કહ્યું હતું કે જો કોઈ પાસે દસ્તાવેજી પુરાવા હોય તો તે SIT ને સોંપી દે. તપાસ એજન્સી તેની સંપૂર્ણ તપાસ કરશે. તેમણે રામભક્તોને સંબોધતાં કહ્યું હતું કે ભગવાન શ્રીરામે આપણને ’મર્યાદા’નું પાલન શીખવ્યું છે અને ગૌરવપૂર્ણ જીવન જીવવાની પ્રેરણા આપી છે.

આપણા પૂર્વજોએ ભગવાન શ્રીરામના પવિત્ર સ્થાનને પાછું મેળવવા માટે 500 વર્ષ સુધી સંઘર્ષ કર્યો હતો. આપણે પાંચ સદી સુધી રાહ જોઈ છે, તો હવે માત્ર 15 દિવસ વધુ રાહ જોવી જોઈએ. તેમણે અંતમાં કહ્યું કે ટ્રસ્ટની વિનંતી પર SIT ની રચના કરવામાં આવી છે અને તેની તપાસમાં “દૂધનું દૂધ અને પાણીનું પાણી” થઈ જશે. તેમાં કોઈ શંકા નથી.

સુરક્ષા પાછળ 11 માસમાં રૂા.10 કરોડનો ખર્ચ છતાં કરોડોની ચોરી
આ તપાસમાં અત્યાર સુધી રમાશંકર યાદવ ઉર્ફે ટિન્નુ યાદવનું નામ સૌથી મોટું રહ્યું છે. પરંતુ, હવે તપાસ એજન્સીઓનું ધ્યાન સીસીટીવી અને ટેકનિકલ દેખરેખ સંભાળતા રેડિયો મેન્ટેનન્સ ઓફિસર (RMO) પર કેન્દ્રિત થયું છે. આ અધિકારી છેલ્લા 17 વર્ષથી કોઈ પણ પ્રકારની બદલી વગર આ જ પરિસરમાં તહેનાત છે. SIT હવે એ સમજવાનો પ્રયાસ કરી રહી છે કે આટલા લાંબા સમય સુધી એક જ સ્થાને તેમની નિમણૂક પાછળ કયા સંજોગો જવાબદાર હતા. રામ મંદિર દેશના સૌથી સુરક્ષિત ધાર્મિક સ્થળોમાંનું એક છે, જ્યાં બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા અને આધુનિક દેખરેખ તંત્ર ઉપલબ્ધ છે. સરકારી આંકડા મુજબ, છેલ્લા 11 મહિનામાં જ મંદિર પરિસરની સુરક્ષા પાછળ આશરે ₹10 કરોડનો જંગી ખર્ચ કરવામાં આવ્યો છે. આટલી મજબૂત વ્યવસ્થા અને કરોડોના ખર્ચ છતાં પણ જો દાનપેટી કે ચઢાવામાં ગેરરીતિ થઈ હોય, તો તે કેવી રીતે શક્ય બની? આ સવાલે સુરક્ષા એજન્સીઓની ઉંઘ ઉડાવી દીધી છે. આ ઉપરાંત, મંદિરમાં પ્રવેશ માટે આપવામાં આવતા ’સ્પેશિયલ પાસ’ની વ્યવસ્થા પણ તપાસના દાયરામાં છે કે શું કોઈએ નિયમોમાં ઢીલ આપીને આ વ્યવસ્થાનો દુરુપયોગ કર્યો છે કે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *