ચાંદીમાં આંધી-તુફાન જેવી તેજી-મંદી, સોદા બંધ

ઉંચા ભાવે ચાંદી વેંચવા લોકોની દોટ પણ કોઇ ખરીદવા તૈયાર નથી, જરૂરિયાતવાળા વેપારીઓએ પણ ખરીદી અટકાવી ગઇકાલે સવારે 25 હજાર તૂટ્યા, રાત્રે ફરી વધ્યા, સવારે…

ઉંચા ભાવે ચાંદી વેંચવા લોકોની દોટ પણ કોઇ ખરીદવા તૈયાર નથી, જરૂરિયાતવાળા વેપારીઓએ પણ ખરીદી અટકાવી

ગઇકાલે સવારે 25 હજાર તૂટ્યા, રાત્રે ફરી વધ્યા, સવારે 10 હજારનો ઉછાળો બપોરે અઢી વાગ્યે ધોવાયો: બજારમાં શું ચાલી રહ્યુ છે? કોઇને સમજાતુ નથી

ચાંદીની ખરીદી કરી લીધા બાદ ભાવમાં કડાકો બોલવાનો સતત ભય, હાલ વેપાર-ધંધા બંધ કરી ‘વેઇટ એન્ડ વોચ’નો અભિગમ

ચાંદીના ભાવમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલી ઉથલ પાથલ વચ્ચે છેલ્લા 24 કલાકમાં આંધી-તુફાન જેવી આવેલી તેજી-મંદીના કારણે રાજકોટની ચાંદી બજારમાં સોંપો પાડી ગયો છે અને વેપાર ચાલુ રાખવાથી દાઝી જવાના ભયે આજે બજાર ખુલતા વેત જ ચાંદીના વેપાર બંધ કરી દીધા છે. ભાવમાં અસાધારણ વધ-ઘટના કારણે ચાંદી ખરીદવી કે વેંચવી તે અંગે કોઇ નિર્ણય લઇ શકવાની સ્થિતિમાં નથી.

ચાંદી બજારના સુત્રોના કહેવા મુજબ ચાંદીના ભાવમાં એકધારી તેજી બાદ ભાવો 3 લાખને પાર પહોંચી ગયા હતા અને ગઇકાલે દિવસ દરમિયાન ભાવમાં કિલોએ 25 હજારનું ગાબડુ પડતા હવે ચાંદીમાં કરેકશન શરૂ થયાનું માની અનેક વેપારીઓએ માલ વેંચવાનુ શરૂ કરી દીધુ હતું પરંતુ બધાની ધારણાઓથી વિપરીત રાત્રે 12 વાગ્યે ઇન્ટરનેશનલ માર્કેટ બંધ થયુ ત્યા સુધીમાં ચાંદીના ભાવમાં 25 હજારનો વધારો થઇ ગયો હતો.

આ દરમિયાન આજે સવારે આંતરરાષ્ટ્રીય માર્કેટ ખુલતા જ ફરી કિલોએ રૂા.10 હજારનો ઉછાળો જોવા મળ્યો હતો. જેના કારણે કરેકશનમાં ધારણા ઉંધી પડી હતી. આ ઉપરાંત આજે બપોરે અઢી વાગ્યા સુધીમાં ફરી રૂા.10 હજારનો ભાવ ઘટી ગયો હતો. દર કલાકે ભાવોમાં ઉથલ-પાથલના કારણે વેપારીઓ રીતસર ડધાઇ ગયા છે અને વેપાર જ બંધ કરી દીધા છે.

વેપારીઓનું કહેવુ છે કે, છેલ્લા 22 દિવસમાં ચાંદીના ભાવમાં 42 ટકાનો ઉછાળો આવ્યો છે જેના કારણે મોટાભાગના વેપણારીઓ બજાર હાઇરિસ્ક ઝોનમાં આવી ગયાનું માને છે. હવે બજારની ચાલ તેજીની હશે કે મંદીની તે પણ સમજી શકાતુ નથી ચાંદીના ભડકે બળતા ભાવોના કારણે લોકોએ ઘરમાં પડેલી ચાંદી વેંચતા દોટ મુકી છે પરંતુ ગમે ત્યારે ભાવમાં કડાકો આવવાના ભયે કોઇ ખરીદવા તૈયાર નથી. વેપારીઓએ પણ વેપાર સંપૂર્ણ બંધ કરી દીધા છે. હાલ બજારમાં દૈનિક 4 હજાર કિલ્લો ચાંદીના વ્યાપારની જગ્યાએ માંડ 100 કિલોનો વેપાર થઇ રહ્યો છે. હાલ વેપારીઓ વેઇટ એન્ડ વોચનો અભિગમ અપનાવી રહ્યા છે. આવી જ સ્થિતિ રહે તો ચાંદીના વેપારીઓએ ધંધા બદલાવવા પડશે તેવુ વેપારીઓ જણાવી રહ્યા છે.

ચાંદીનો ભાવ રૂા.1 લાખથી 2 લાખ થવામાં પાંચ મહિના લાગ્યા પણ દોઢ મહિનામાં દોઢ લાખનો વધારો
છેલ્લા એક વર્ષના સમયગાળામાં રોકાણકારોને સૌથી વધુ વળતર ચાંદીમાં મળ્યુ છે, જૂલાઇ 2025ના રોજ ચાંદીનો 1 કિલોનો ભાવ આશરે રૂા.1.1,10,000 હતો. વૈશ્ર્વીક લેવલો ચાંદીમાં છેલ્લા 5 વર્ષથી સપ્લાય ઓછી છે જયારે 2025ના પૂર્વાધ ભાગમાં સપ્લાય મર્યાદિત મળવા લાગી જેથી તેજીનો માહોલ ચાલુ થઇ ગયો. જોતજોતામાં 1 સપ્ટેમ્બર 2025ના રોજ રૂા.1,26,000 હતો. 1 ડિસેમ્બર 2025ના રોજ ચાંદીનો ભાવ રૂા.2,01,000 પહોંચી ગયો હતો. પરંતુ સાચો ખેલ ડિસેમ્બર મહિનામાં શરૂ થવાનો હતો. ચાઇનાએ જાહેર કરી દીધુ હતું કે 1જાન્યુ.2026થી એકસપોર્ટ લીમીટેડ કરી દેવાશે. પરિણામે તેજીનો ભારે કરંટ ચડી ગયો અને લગભગ દોઢ મહિનામાં ચાંદી આશરે દોઢ લાખ જેટલી વધી ગઇ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *