આજે ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. સવારે 10.50 કલાકે સેન્સેકસમાં 500 થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે છેલ્લા એક સપ્તાહથી સોના-ચાંદી અને ક્રુડમાં ભારે કડાકા જોવા મળી રહ્યા છે છેલ્લા ચાર દિવસ થયા ચાંદી અને સોનામાં ભારે ઘટાડાના પગલે મંદીનો માહોલ આજે પણ સોના અને ચાંદીમાં જોવા મળ્યો હતો. ગઈકાલે 9000 જેટલો ચાંદીમાં કડાકા ભૂલી ગયા બાદ આજે પણ ચાંદીમાં વધુ 4000 રૂૂપિયા તૂટ્યા હતા જ્યારે સોનામાં પણ રૂૂપિયા 1800 નો ઘટાડો નોંધાયો હતો. ક્રુડમાં અડધા ટકાનો કડાકો બોલતાં બ્રેન ક્રુડનો ભાવ 76.71 પ્રતિ બેરલ પહોંચી ગયો છે.
વૈશ્વિક સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા ઐતિહાસિક શાંતિ કરાર અને યુદ્ધવિરામને કારણે પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ભૌગોલિક-રાજકીય તણાવ માં મોટો ઘટાડો આવ્યો છે. રાજદ્વારી સ્તરે તણાવ હળવો થતાં રોકાણકારો સુરક્ષિત રોકાણ ગણાતા સોનામાંથી નાણાં ખેંચીને શેરબજાર અને અન્ય જોખમી અસ્કયામતો તરફ વળ્યા છે, જે સોના-ચાંદીમાં આવેલા આ આક્રમક ઘટાડાનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે.
સોનાની વાત કરીએ તો આજે વાયદા બજારમાં સોનાનો ભાવ ઘટીને 144114 સુધી નીચે જોવા મળ્યો હતો. રાજકોટની હાજર બજારમાં સોનાનો ભાવ 1, 47,745 જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાના ભાવમાં મોટા કડાકા બોલી જતાં હાલ 4,064 ડોલરનો ભાવ જોવા મળી રહ્યો છે.
બીજી બાજુ ચાંદીમાં પણ ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઈકાલે પણ મોટો કડાકો બોલી ગયા બાદ આજે ચાંદીમાં વધુ 4000 રૂૂપિયા તૂટી જતા વાયદા બજારમાં ચાંદીનો ભાવ ₹2,21,450 ઉપર આવી ગયો હતો. જ્યારે રાજકોટની હાજર બજારમાં ચાંદીનો ભાવ 2,31,635 જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી ઘટીને 61 ડોલરે પહોંચી ગઈ છે.
